રાજકોટ તા.1 : વાંકાનેરા દલડી ગામે વંડામાં ઘેટા ચરાવવા આવતા ભરવાડ શખ્સને ના પાડતા માતા-પુત્ર પર ધારીયાથી હુમલો કરતા ઈજાગ્રસ્ત માતા-પુત્રને સારવારમાં રાજકોટ સીવીલે ખસેડાયા હતા. પ્રાપ્ત વિગતો મુજબ વાંકાનેરના દલડી ગામે રહેતા જયોત્સનાબેન મનસુખભાઈ મકવાણા (ઉં.45) અને તેનો પુત્ર પંકજભાઈ (ઉં.26) ગત રોજ સાંજે ઘર પાસે હતા
ત્યારે ધસી આવેલા અજાણ્યા ભરવાડ શખ્સે ઝઘડો કરી ધારીયાથી હુમલો કરતા માતા-પુત્રને શરીરે ગંભીર ઈજા પહોંચતા સારવારમાં અત્રેની સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે વાંકાનેર પોલીસને જાણ કરતા સ્ટાફ દોડી આવ્યો હતો અને ઈજાગ્રસ્તોનુ નિવેદન નોંધ્યુ હતુ. વધુમાં ઈજાગ્રસ્તે જણાવ્યુ હતુ કે તેમના ઘર પાસે આવેલ આશ્રમના વંડામાં ભરવાડ શખ્સ ધરારીથી ઘેટા ચરાવવા માટે આવતો હોઈ જેને વંડામાં ઘેટા ચરાવવાની ના પાડતા તે ઉશ્કેરાયો હતો અને મારામારી કરી હતી.