રાજકોટ પોલીસે દત્તક લીધેલી અમી ચોલેરા રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ

01 February 2023 12:53 PM
Rajkot Crime
  • રાજકોટ પોલીસે દત્તક લીધેલી અમી ચોલેરા રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ

► અમી પેડલર તરીકે કામ કરતી: નબીરાઓ, કોલેજીયન યુવક-યુવતીઓને ડ્રગ્સ પહોંચાડતી, તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? પોલીસ તપાસ કરશે

► અનેક યુવાનોને ડ્રગ્સના નર્કમાં ઘુસાડનાર કહેવાતો ફ્રૂટનો વેપારી જલ્લાલુદ્દીન મેફેડ્રોન સપ્લાય કરતો હોવાનું ખુલ્યું

રાજકોટ, તા.1 : રાજકોટ શહેર પોલીસે જેને દત્તક લીધી હતી તે યુવતી અમી દિલીપ ચોલેરા (ઉ.વ.23, રહે. 11/12 કરણપરા, રાજહંસ એપાર્ટમેન્ટ, રાજકોટ) રૂ.1.23 લાખના ડ્રગ્સ સાથે પકડાઈ હતી. એસઓજીની ટીમે રેસકોર્સમાં બાલભવનના ગેઇટથી અંદર પ્લેનેટોરિયમ પાસેથી અમીને 12.36 ગ્રામ મેફેડ્રોન ડ્રગ્સ સાથે ઝડપી હતી.

એસઓજી પીઆઈ જે.ડી. ઝાલા, એએસઆઈ ડી.બી. ખેર, હેડકોન્સ્ટેબલ ઇન્દ્રસિંહ જાડેજા, દિગ્વિજયસિંહ ગોહિલ, અરુણભાઈ બાંભણીયા, મહિલા કોન્સ્ટેબલ નાઝનીનબેન અને ડ્રાઇવર કોન્સ્ટેબલ કૃષ્ણસિંહ જાડેજાની ટીમે વોચ ગોઠવી બાતમીના આધારે અમીને પકડી હતી. તેણી જીજે 03 એલએસ 4749 નંબરના એક્ટિવા પર આવી હતી. પોલીસે તેની ઝડતી લઈ ડ્રગ્સ કબ્જે કરેલું અને સ્થળ પર જ એફએસએલ અધિકારી વાય. એચ. દવેએ પ્રાથમિક અભિપ્રાયમાં આ ડ્રગ્સ મેફેડ્રોન હોવાનું કહ્યું હતું. એસઓજીની ટીમે પ્રદ્યુમન નગર પોલીસ મથકે ગુનો દાખલ કરાવ્યો છે.

અમીની આગવી ઢબે પૂછપરછ કરાતા અનેક યુવાનોને ડ્રગ્સના નર્કમાં ઘુસાડનાર કહેવાતો ફ્રૂટનો વેપારી જલ્લાલુદ્દીન મેફેડ્રોન સપ્લાય કરતો હોવાનું ખુલ્યું હતું. અમી પેડલર તરીકે કામ કરતી અને માલેતુજાર પિતાના નબીરાઓ, કોલેજીયન યુવક-યુવતીઓને ડ્રગ્સ પહોંચાડતી હતી. તેમની સાથે અન્ય કોઈ સંડોવાયેલ છે કે કેમ? તે અંગે પોલીસ તપાસ કરશે.

અમી પોલીસ ફોર્સમાં જોડાવા પરીક્ષાની તૈયારી કરતી હતી, તેનું જીવન સુધારવા રાજકોટ પોલીસે અનેક પ્રયત્નો કર્યા પણ તે સુધરી નહીં
અગાઉ ડ્રગ્સ સાથે પકડાયા પછી અમી પોલીસ ફોર્સ જોઈન કરવા તૈયારી કરતી હતી. તેનું જીવન સુધારવા પોલીસે પણ પ્રયત્નો કર્યા અને તેણીને રાજકોટ પોલીસે દત્તક લીધી હતી. પોલીસ હેડ કવાર્ટરના ગ્રાઉન્ડમાં જ અમી ફિઝિકલ ટેસ્ટની તૈયારી કરતી હતી. જોકે પોલીસના પ્રયત્નો છતાં તે સુધરી નહોતી આ અને ડ્રગ્ની લતમાંથી પેડલર બની ગઈ હતી.

અમી પોતાની સાથે વજન કાંટો રાખતી
પોલીસે રેસકોર્સમાં જ્યારે અમીને પકડી ત્યારે તે એક્ટિવા ઉપર આવી હતી. તેની પાસેથી 12.36 ગ્રામ ડ્રગ્સ સાથે એક નાનો વજન કાંટો પણ મળી આવ્યો હતો. પોલીસનું અનુમાન છે કે અમી વજન કરીને નશાખોર લોકોને ડ્રગ્સ આપતી હશે. તેણી પાસેથી એક મોબાઈલ પણ કબ્જે કરાયો છે જેને આધારે તે કોના કોના સંપર્કમાં હતી. કોને કોને ડ્રગ્સ પહોંચાડ્યું તે અંગે તપાસ થશે.

ક્રિકેટર પતિ સાથે અગાઉ અમી ડ્રગ્સ સાથે પકડાઈ હતી
આ પહેલા 2021માં અમી અને તેનો ક્રિકેટર પતિ સાથે રેસકોર્સ રોડ પરની એક હોટલમાંથી ડ્રગ્સ સાથે પકડાયા હતા. એ સમયે ક્રિકેટરની માતાએ જાહેરમાં આવી સુધા ધામેલીયા નામની ડ્રગ્સ સપ્લાયરે તેના પુત્ર અને પુત્રવધૂને ડ્રગ્સના રવાડે ચડાવ્યા હોવાનો આક્ષેપ કર્યો હતો અને પોલીસ કામગીરી સામે પણ આક્ષેપો કરેલા. એ પછી અમી તેના પતિ સાથે મળી આવી હતી.


Related News

Advertisement
Advertisement
Advertisement