અમદાવાદ, તા.1 : ભારતીય ટીમ આજે ન્યુઝીલેન્ડ વિરુદ્ધ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ પર નિર્ણાયક ટી-20 મુકાબલો જીતવા માટે મેદાને ઉતરશે. બીજી બાજુ ન્યુઝીલેન્ડ ટીમ પણ વળતો પ્રહાર કરવા માટે સજ્જ બની ગઈ છે. લખનૌની પીચ અંગે બબાલ બાદ તમામની નજર નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ ઉપર ટકેલી છે. આ ઉપરાંત ભારતીય ટીમના ટૉપ ઓર્ડરનું પ્રદર્શન કેવું રહે છે તેના ઉપર પણ જીતનો મદાર રહેશે.
રોહિત, કોહલી અને રાહુલ જેવા અનુભવી ખેલાડીઓની ગેરહાજરીમાં શુભમન ગીલ, ઈશાન કિશન અને રાહુલ ત્રિપાઠીની ત્રિપૂટી તકનો ફાયદો ઉઠાવવામાં નિષ્ફળ નિવડી છે. આવામાં સંભાવના છે કે ઈશાન સાથે અન્ય કોઈ બેટર ઓપનિંગ માટે આવી શકે. શુભમન ગીલ સ્પીન વિરુદ્ધ સહજ જોવા મળી રહ્યો નથી. જ્યારે ઈશાનને વિકેટકિપિંને કારણે વધુ એક તક મળી શકે છે. રાહુલ ત્રિપાઠી માટે પણ આ મેચ અત્યંત મહત્ત્વની બની રહેશે. આ પછી લાંબા સમય સુધી ટી-20 મેચ રમાવાની છે. આવામાં અત્યાર સુધી નિષ્ફળ નિવડેલો ત્રિપાઠી પોતાની છાપ છોડવા માંગશે.
રવિવારે સૂર્યકુમાર યાદવ અને હાર્દિક પંડ્યાની ઈનિંગથી ભારતે માંડ માંડ 100 રનના લક્ષ્યાંકને હાંસલ કરી જીત મેળવી હતી જેના કારણે શ્રેણી 1-1થી સરભર રહી છે. ટી-20 શ્રેણીમાં પીચ સમીક્ષાના દાયરામાં આવી ગઈ છે આવામાં એ જોવું રસપ્રદ રહેશે કે અમદાવાદમાં ખેલાડીઓને ફરીવાર સ્પીન અનુકુળ વિકેટ મળે છે કે પછી બેટરો માટેની પીચ તૈયાર કરાય છે. જો કે એક વાત નિશ્ર્ચિત છે કે લખનૌના ઈકાના જેવી સ્પિન પીચ મળવાની શક્યતા બિલકુલ નથી. આવામાં ટીમ મેનેજમેન્ટ ફરીવાર ઉમરાન મલિક ઉપર ભરોસો વ્યક્ત કરી શકે છે.
આવું થયું તો યુઝવેન્દ્ર ચહલે બહાર બેસવું પડશે કેમ કે કુલદીપ શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે અને વોશિંગ્ટન સુંદર બેટથી શાનદાર યોગદાન આપી રહ્યો છે. ન્યુઝીલેન્ડે પોતાના મીડલ ઑર્ડરથી શ્રેષ્ઠ પ્રદર્શનની આશા રાખવી પડશે. ભારતમાં શ્રેણી જીતવાની ઉપલબ્ધી ન્યુઝીલેન્ડ ટીમને પ્રેરિત કરવા માટે કાફી છે. ગ્લેન ફિલિપ્સ અત્યાર સુધી પોતાની આક્રમક બેટિંગ બતાવી શક્યો નથી. જ્યારે વન-ડે શ્રેણીમાં શાનદાર પ્રદર્શન કરનારો માઈકલ બ્રેસવેલ પણ નિષ્ફળ ગયો છે. બે વર્ષ પહેલાં અહીં રમાયેલી પાછલી ટી-20માં 200થી વધુ રન બનાવ્યા હતા અને લખનૌમાં ઓછા સ્કોરવાળી મેચ જોયા બાદ દર્શકોને આ વખતે ચોગ્ગા-છગ્ગાના વરસાદની અપેક્ષા રહેશે.