7 મેચ, 634 રન છતાં પસંદગીકારોએ નજરઅંદાજ કરતાં રહાણે વિદેશની વાટે...

01 February 2023 01:06 PM
Sports
  • 7 મેચ, 634 રન છતાં પસંદગીકારોએ નજરઅંદાજ કરતાં રહાણે વિદેશની વાટે...

હવે ઈંગ્લેન્ડની લીસ્ટરશૉયર વતી કાઉન્ટી ક્રિકેટ રમશે

નવીદિલ્હી, તા.1 : ટીમ ઈન્ડિયામાં વાપસી માટે અનુભવી બેટર અજિંક્ય રહાણેએ રણજી ટ્રોફી રમવાનો નિર્ણય લીધો હતો. આ પ્રતિષ્ઠિત ટૂર્નામેન્ટમાં તેણે બેવડી સદી પણ બનાવી હતી છતાં ભારતીય પસંદગીકારોએ તેને નજરઅંદાજ કર્યો હતો એટલા માટે હવે તેણે વિદેશમાં જઈને રમવાનો નિર્ણય લીધો છે. 34 વર્ષીય રહાણે આ સીઝનમાં ઈંગ્લેન્ડના કાઉન્ટી ક્રિકેટમાં ધમાલ મચાવતો જોવા મળશે. રહાણેએ લીસ્ટરશૉયર કાઉન્ટી ક્લબ સાથે કરાર કર્યો છે. રહાણે એક વર્ષથી ટીમ ઈન્ડિયામાંથી બહાર છે.

અત્યારની સીઝનમાં તે શ્રેષ્ઠ ફોર્મમાં રમી રહ્યો છે. તેણે આ વખતની રણજી સીઝનની સાત મેચમાં 57.63ની સરેરાશથી 634 રન બનાવ્યા છે. રણજીમાં મુંબઈનું પ્રતિનિધિત્વ કરનારા રહાણેએ આ દરમિયાન એક ડબલ સેન્ચુરી પણ બનાવી હતી. ટીમ ઈન્ડિયાના તમામ ફોર્મેટમાં કમાન સંભાળી ચૂકેલો રહાણે આ વર્ષે કાઉન્ટી ચેમ્પિયનશિપ અને વન-ડે કપમાં લીસ્ટરશૉયર વતી રમતો જોવા મળશે. પાછલા વર્ષે જાન્યુઆરીમાં આફ્રિકા વિરુદ્ધ અંતિમ ટેસ્ટ મેચ રમનારા આ સ્ટાઈલિશ બેટરે કાઉન્ટી ક્લબ સાથે જોડાયા બાદ કહ્યું કે તે અત્યંત ખુશ છે

અને ટીમના નવા સાથીઓને મળવાને લઈને ઘણો ઉત્સાહિત છે. આ પહેલાં રહાણે 2019માં હૈમ્પશૉયર વતી રમ્યો હતો. ત્યારે તેણે કાઉન્ટીમાં ડેબ્યુ કરતા નૉટિંઘમશૉયર વિરુદ્ધ શાનદાર સદી બનાવી હતી. જમણા હાથના બેટર રહાણેએ 82 ટેસ્ટ મેચમાં 12 સદી અને 25 ફિફટીની મદદથી કુલ 4931 રન બનાવ્યા છે. ટેસ્ટમાં તેનો બેસ્ટ સ્કોર 188 રન રહ્યો છે તો 90 વન-ડે મેચમાં તેના નામે 2962 રન નોંધાયા છે જેમાં ત્રણ સદી અને 24 ફિફટી સામેલ છે. આવી જ રીતે 20 ટી-20 ઈન્ટરનેશનલ મેચમાં તેણે 375 રન બનાવ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement