રાજકોટ, તા.1 : નવમા ક્રમે બેટિંગ કરવા આવેલા પાર્થ ભૂતની અણનમ સદીની ઈનિંગથી સૌરાષ્ટ્રે ખરાબ શરૂઆતથી બહાર આવતાં રણજી ટ્રોફીના ક્વાર્ટર ફાઈનલ મુકાબલામાં પંજાબ વિરુદ્ધ સન્માનજનક સ્કોર બનાવ્યો હતો. પાર્થ જ્યારે ક્રિઝ પર આવ્યો ત્યારે સૌરાષ્ટ્રનો સ્કોર સાત વિકેટે 147 રન હતો અને ટીમે આટલા જ સ્કોરે આઠમી વિકેટ પણ ગુમાવી દીધી હતી.
જમણા હાથના આ સ્પીનરે બેટથી કમાલ કરતાં 155 બોલની ઈનિંગમાં 11 ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી અણનમ 111 રન બનાવવા ઉપરાંત અંતિમ બે બેટરો સાથે 156 રનની ભાગીદારી કરી હતી. પાર્થે ફાસ્ટ બોલર ચેતન સાકરિયા (22 રન) સાથે નવમી વિકેટ માટે 61 અને યુવરાજ સિંહ ડોડિયા સાથે 10મી વિકેટ માટે 95 રનની ભાગીદારી કરી હતી. પંજાબન વતી સ્પીન બોલર મયંક મારકંડેએ ચાર તો ફાસ્ટ બોલર બલતેજ સિંહે ત્રણ વિકેટ ખેડવી હતી. અનુભવી સિદ્ધાર્થ કૌલને બે તો નમન ધીરને એક સફળતા મળી હતી.
આ પહેલાં સૌરાષ્ટ્રનો ટોસ જીતીથી પહેલાં બેટિંગ કરવાનો નિર્ણય યોગ્ય ઠર્યો નહોતો. ઓપનિંગ બેટર સ્નેલ પટેલ (70 રન)એ એક છેડો સાચવી રાખ્યો પરંતુ બીજા છેડેથી સતત વિકેટ પડ્યે રાખી હતી. સ્નેલે 131 બોલની પોતાની ઈનિંગમાં 11 ચોગ્ગા ફટકાર્યા હતા. ઈનિંગની પહેલી ઓવરમાં જ વિકેટકિપર હાર્વિક દેસાઈને બલતેજે ખાતું ખોલ્યા વગર જ પેવેલિયનનો રસ્તો બતાવ્યો હતો. વિશ્ર્વરાજ જાડેજા (28 રન) અને શેલ્ડન જેક્શન (18 રન) સારી શરૂઆતને મોટી ઈનિંગમાં તબદીલ કરી શક્યા નહોતા.