નવીદિલ્હી, તા.1 : ચેન્નાઈ સુપરકિંગ્સના કેપ્ટન મહેન્દ્રસિંહ ધોનીએ આઈપીએલ-2023ની તૈયારીઓ શરૂ કરી દીધી છે. તેણે નેટસમાં એક પછી એક છગ્ગાનો વરસાદ વરસાવ્યો છે. ધોનીની બેટિંગનો વીડિયો જોઈ ચેન્નાઈના ચાહકો ખુશીથી ઝૂમી ઉઠ્યા છે. આઈપીએલ 2023ની શરૂઆત આ વર્ષે માર્ચ મહિનાના અંતમાં અથવા એપ્રિલના પ્રારંભથી થઈ શકે છે.
દુનિયાની સૌથી મોટી ક્રિકેટ લીગની શરૂઆતમાં હજુ બે મહિનાનાો સમય બાકી છે પરંતુ ધોનીએ અત્યારથી જ તૈયારી શરૂ કરી દીધી છે. ધોનીનોએક વીડિયો સોશ્યલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં તે છગ્ગા લગાવી રહેલો જોવા મળી રહ્યો છે. ધોની અત્યારે આંતરરાષ્ટ્રીય કે ઘરેલું ક્રિકેટમાં સક્રિય નથી અને તે માત્ર આઈપીએલમાં જ રમે છે એટલા માટે
તેને વધુ પ્રેક્ટિસ કરવાની જરૂર પડી રહી છે. ધોની આ સીઝનમાં જ ક્રિકેટના તમામ ફોર્મેટમાંથી સંન્યાસ લઈ શકે છે. તેણે ઑગસ્ટ-2020માં જ આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લીધો હતો. તેણે પાછલા વર્ષે જાડેજાને ચેન્નાઈનો કેપ્ટન બનાવીને સંન્યાસના સંકેત આપ્યા હતા પરંતુ કેપ્ટન તરીકે જાડેજા સંપૂર્ણ નિષ્ફળ નિવડ્યો હતો. આ પછી ધોનીએ પોતાના સંન્યાસને લઈને ખુલાસો કરવાનું ટાળ્યું હતું.