જુનાગઢ, તા. 1 : જુનાગઢ જિલ્લો માત્ર ખેતી આધારીત જ જીલ્લો ગણાય છે એક પણ ઉદ્યોગ કે ઇન્ડસ્ટ્રીસ જુનાગઢ જિલ્લામાં આઝાદી બાદ ન મળવા પામતા આ જિલ્લો કાયમી ધોરણે ઉદ્યોગ ક્ષેત્રે પછાત રહી જવા પામ્યો છે. સોરઠ જિલ્લાના સર્વાંગી વિકાસ માટે ટ્રેન મહત્વની કરોડરજજુ સમાન હોઇ અને ખેત આધારીત પેદાશો, કાચો પાકો માલ દેશ વિદેશમાં લાવવા લઇ જવા માટે મહત્વનો હિસ્સો ગણાય છે.
જેથી આઝાદી પહેલા પણ જુનાગઢના નવાબ રસુલખાનજીની આગવી સુઝબુઝના કારણે શાપુરથી સરાડીયા વચ્ચે 46 કિ.મી.ની ટ્રેન 110 વર્ષ પહેલા સ્થાિ5ત કરી માણાવદર, બાંટવા, વંથલીના શહેરોમાં ધુંબડ કપાસની ગાંસળીઓ તથા મગફળી-કપાસીયાની ઓઇલ મીલ તેમજ 3 સોલવન્ટોથી માણાવદર વિસ્તાર દેશાવરમાં મોટુ હબ કહેવાતું હતું. અને જે માલ સામાન ગુડસ ટ્રેન મારફત દેશ વિદેશમાં મોકલવામાં આવતો હતો પરંતુ કમનસીબે આઝાદી બાદ આ વિસ્તારની નવાબી ટ્રેનને રદ કરી સોરઠ જિલ્લાને ઉદ્યોગ વિહણો કરી ફરી 18મી સદીમાં મુકી દેવામાં આવ્યો છે.
કાયમી વિકાસ માટે આવતી પેઢી માટે આ ટ્રેનને પુન: સ્થાપિત કરવા માટે જમીન સંપાદન કરવા માટેનો પ્રશ્ન રહેતો નથી કારણ કે દેશના આઝાદી પહેલાની જમીન હાલ પણ સંપાદન કરેલી જે તે સ્થિતિમાં હયાત છે જેથી આ ટ્રેન સરાડીયા સુધી શરૂ કરવા માટે જમીનનો પ્રશ્ન રહેતો નથી. જુનાગઢ ચેમ્બર ઓફ કોમર્સ એન્ડ ઇન્ડસ્ટ્રીસ, શાપુર, વંથલી, માણાવદર, બાંટવા, કુતિયાણા, રાણાવાવ સહિતની નગર પંચાયતો, ગ્રામ પંચાયતો, અલગ અલગ વેપારી એસોસીએશન, કેળવણી મંડળો સહિતનાઓનો લેખિત જાહેર ટેકો અને સમર્થન આપી રહ્યા છે.
આગામી 1લી ફેબ્રુઆરી બુધવારના રોજ બાંટવા ખાતે પૂર્વ પ્રમુખ અને વેપારી અગ્રણી રાજકુમાર વાધવાણી, માનસિંગભાઇ નકુમ, ગણપતભાઇ મોરી, અમૃતભાઇ દેસાઇ, જેઠાભાઇ પાનેરા સહિતના વિવિધ આગેવાનો, વેપારીઓ તેમજ નગરજનો સાથે એક મીટીંગનું આયોજન કરવામાં આવેલ છે જેમાં શાપુર-સરાડીયા ટ્રેનને પુન:સ્થાપિત કરવા તેમજ સરાડીયાથી આગળ કુતિયાણા રાણાવાવની બ્રોડગેજ લાઇન સાથે જોડવા માટે આ મીટીંગ બોલાવવામાં આવી છે. તા.21ના રોજ વડાપ્રધાન નરેન્દ્રભાઇ મોદીને પણ રાકેશ લખલાણી દ્વારા લેખિત પત્ર પાઠવી સોરઠ જિલ્લાની જીવનદોરી સમાન નવાબી ટ્રેન પુન: સ્થાપિત કરવા જણાવેલ છે.