(ફારૂક ચૌહાણ) વઢવાણ, તા. 1 : સાયલામાં રહેતો યુવક ગામની જ એક સગીરાને વર્ષ 2016માં લલચાવી, ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. અને જામનગર જિલ્લાના ગ્રામ્ય પંથકમાં લઈ જઈ સગીરા સાથે મરજી વિરૂધ્ધ દુષ્કર્મ આચર્યુ હતુ. આ અંગેનો કેસ મંગળવારે લીંબડી અને સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી 10 વર્ષની સજા અને રૂપીયા 5 હજારનો દંડ ફટકાર્યો છે. સુરેન્દ્રનગર જિલ્લામાં સગીરાઓને ભગાડીને લઈ જઈ તેમની સાથે દુષ્કર્મ આચરવાના અનેક બનાવો સામે આવે છે. ત્યારે વર્ષ 2016માં સાયલા પોલીસના ચોપડે નોંધાયેલા આવા જ એક બનાવમાં લીંબડી સ્પેશ્યલ પોકસો કોર્ટે આરોપીને 10 વર્ષની સજા ફટકારી છે.
સાયલાના એસ.ટી.બસ સ્ટેશન પાછળ પાનવાડી વિસ્તારમાં રહેતો પ્રકાશ વશરામભાઈ ડાભી તા. 30 મે 2016ના રોજ ગામની જ એક સગીરાને લલચાવી, ફોસલાવી ભગાડીને લઈ ગયો હતો. જેમાં સગીરાના પરીવારજનોએ તા. 9 જુન 2016ના રોજ સાયલા પોલીસ મથકે ફરીયાદ નોંધાવી હતી. ત્યારબાદ તા. 26 જુલાઈના રોજ આરોપી પોલીસના હાથે સગીરાને ભગાડી ગયા બાદ પ્રકાશ ડમ્પરમાં સગીરાને બેસાડી કુવાડવા ગયો હતો. ત્યાથી જામનગર જિલ્લાના આંબરડી ગામે વાડીમાં મજુરી કામ કરતા તેના મીત્ર બાબુભાઈને ત્યાં સગીરાને લઈ ગયો હતો.
જેમાં વાડીની ઓરડીમાં સગીરા સાથે રહેતો હતો, અને સગીરા સાથે 8થી 9 વાર દુષ્કર્મ આચર્યુ હતુ, જો સગીરા ના પાડે તો દવા પી મરી જવાની ધમકી આપતો હતો. આરોપી સગીરાને ભગાડીને જામનગર જિલ્લાના જામજોધપુર તાલુકાના આંબરડી ગામે લઈ ગયો હતો. અને સગીરા સાથે દુષ્કર્મ આચર્યુ હતુ. આ બનાવનો આરોપી પ્રકાશ પકડાયા બાદ તેને જેલ હવાલે કરાયો હતો. ત્યારે આ કેસ મંગળવારે લીંબડી સ્પેશ્યલ પોકસો કોર્ટમાં ચાલી ગયો હતો. જેમાં સરકારી વકીલ વાય. જે.યાજ્ઞીકની દલીલો કરી મૌખીક અને 30 દસ્તાવેજી પુરાવાના આધારે લીંબડી સ્પેશ્યલ પોકસો કોર્ટના જજ એમ.કે.ચૌહાણે આરોપી પ્રકાશ વશરામભાઈ ડાભીને તકસીરવાન ઠેરવ્યો હતો. અને કોર્ટે આરોપીને પોકસોની કલમો હેઠળ 10 વર્ષની સખત કેદની સજા અને રૂપીયા 5 હજારનો દંડ ફટકાર્યો હતો.