► આવતા 25 વર્ષની બ્લુ પ્રિન્ટરૂપ બજેટ હોવાનો દાવો : નાના ઉદ્યોગો, કૃષિ ક્ષેત્ર તથા રોજગારી પર ખાસ જોર : સિગરેટ, ચીમની, સોના-ચાંદી જેવી ચીજો મોંઘી : ટીવી, મોબાઇલ, કપડા સસ્તા થશે : સર્વાંગી વિકાસનું ફોકસ હોવાનો નિર્દેશ
રાજકોટ, તા. 1
કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સિતારામને આજે સંસદમાં પેશ કરેલા નવા નાણાંકીય વર્ષના બજેટમાં સીધા કરવેરા ક્ષેત્રમાં પાંચ મોટા ફેરફારો જાહેર કર્યા છે અને તેના આધારે નાના વર્ગથી માંડીને ધનિક વર્ગને ઇન્કમટેકસમાં રાહત મળશે.
આવકવેરાની નવી પ્રણાલી હેઠળ હવે વર્ષે સાત લાખની આવક ધરાવતા કરદાતાએ એક પણ રૂપિયાનો ઇન્કમટેકસ નહીં ચૂકવવો પડે. આ જ રીતે નવી ટેકસ પ્રણાલી હેઠળ ટેકસ સ્લેબ પણ 6 થી ઘટાડીને પાંચ કરવામાં આવ્યા છે. પેન્શનર પગારદારોને સ્ટાન્ડર્ડ ડિડકશનમાં પણ વધુ છુટછાટો આપવામાં આવી છે. આ ઉપરાંત સરચાર્જનો હાઇએસ્ટ દર 37 ટકા ઘટાડીને 25 ટકા કરવામાં આવ્યો છે. તે અંતર્ગત હવે 42.74ને બદલે 39 ટકાની ઇફેકટ આવશે. કર્મચારીઓના લીવ એનકેશમેન્ટમાં પણ વધુ છુટછાટો જાહેર કરવામાં આવી છે. આ પાંચ ફેરફારોથી તમામ વર્ગના કરદાતાઓને લાભ મળવાનો દાવો કરવામાં આવ્યો છે.
નવા નાણાંકીય વર્ષના બજેટને નાણાંપ્રધાને આવતા 25 વર્ષની બ્લુ પ્રિન્ટ ગણાવ્યું છે અને તમામ વર્ગના લોકોને ધ્યાનમાં રાખવામાં આવ્યાનું જાહેર કરવામાં આવ્યું છે. આડકતરા કરવેરામાં મહત્વના ફેરફારો કરવામાં આવ્યા છે. જે અંતર્ગત ટીવી, મોબાઇલ, કપડા, રમકડા, ઇલેકટ્રીક વાહનો, સાયકલ સસ્તા થશે. જયારે સિગરેટ, દારૂ, છત્રી, સોનુ, ચાંદી, પ્લેટીનમ, એકસ-રે મશીન, આયાતી ચીમની વગેરે ચીજો મોંઘી થશે.
નવા વર્ષના બજેટમાં રેલ્વે માટે અત્યાર સુધીની સૌથી વધુ 2.40 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે. નાના ઉદ્યોગો, કૃષિ વગેરે ક્ષેત્રો માટે પણ ફાળવણી કરવામાં આવી છે. આ બંને ક્ષેત્રો માટે બે લાખ કરોડની લોનની જોગવાઇ પણ કરવામાં આવી છે. પ્રવાસન વિકાસ વગેરેની દરખાસ્તો પણ કરવામાં આવી છે.
ઈન્કમ ટેકસમાં 7 લાખ સુધી કોઈ ટેકસ નહિં
♦ 75 લાખ કમાનારને ટેકસમાં છુટ
♦ આવકવેરા છૂટ 5 લાખથી વધારી 7 લાખ કરાઈ
♦ નવી ટેકસ વ્યવસ્થાનો સ્લેબ
♦ 0 લાખથી 3 લાખની આવક પર ઝીરો ટેકસ
♦ 3 લાખથી 6 લાખની આવક પર 5 ટકા ટેકસ
♦ 6 લાખથી 9 લાખની આવક પર 10 ટકા ટેકસ
♦ 9 લાખથી 12 લાખની આવક પર 15 ટકા ટેકસ
♦ 12 લાખથી 15 લાખની આવક પર 20 ટકા ટેકસ
♦ 15 લાખથી વધુની આવક પર 30 ટકા ટેકસ
સિનિયર સીટીઝન સેવિંગ્સ સ્કીમમાં હવે રૂા.30 લાખ સુધી રોકાણ છૂટ
નાણામંત્રી નિર્મલા સીતારામન આજે સિનીયર સીટીઝન સેવિંગ્સ સ્કીમમાં રોકાણ મર્યાદા રૂા.15 લાખમાંથી વધારીને રૂા.30 લાખ કરી છે. સરકાર આ યોજના પર 7.6%નો વ્યાજ આપે છે. જેમાં પ્રથમ પાંચ વર્ષ અને બાદમાં વધુ ત્રણ વર્ષ માટે આ રોકાણ કરી છે જેનું વ્યાજદર ત્રણ માસે અપાય છે અને તેના પર કોઈ વ્યાજનું વ્યાજ મળતું નથી અને તેમાં હવે રૂા.15 લાખથી વધારી રૂા.30 લાખની રોકાણ મર્યાદા કરી છે.
શેરબજારમાં જોરદાર તેજી : સેન્સેકસ 1100 પોઇન્ટ ઉછળ્યો
કેન્દ્ર સરકારના બજેટ બાદ શેરબજાર તથા સોના-ચાંદીમાં જોરદાર ઉછાળો નોંધાયો છે, મુંબઇ શેરબજારનો સેન્સેકસ 1100 પોઇન્ટના ઉછાળાથી 60650 સાંપડયો હતો. નિફટી 265 પોઇન્ટ વધીને 19925 હતો.