રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

01 February 2023 03:14 PM
Jamnagar
  • રાજ્યસભાના સાંસદ અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના ડાયરેક્ટર પરિમલભાઈ નથવાણીનો આજે જન્મદિવસ

જામ ખંભાળિયા, તા.1 : ખંભાળિયાના વતની અને યુવાવસ્થાથી જ નેતૃત્વના ગુણો ધરાવતા પરિમલભાઈ ‘વોઇસ ઓફ સૌરાષ્ટ્ર’ તરીકે જાણીતા છે અને આજે પણ તેઓ સૌરાષ્ટ્રને લગતી સમસ્યાઓને સમયાંતરે વાચા આપે છે. જુદા જુદા અનેક વ્યવસાયોના અનુભવોનું ભાથું લઈને તૈયાર થયેલા આ હીરલાની ક્ષમતાને ધીરુભાઈ અંબાણીએ પીછાણી અને જામનગર નજીક વિશ્વની સૌથી મોટી રિફાઇનરી ઊભી કરવાની જવાબદારી તેમના ખભે મૂકવામાં આવી જે પરિમલભાઈએ સફળતાપૂર્વક સંપન્ન કરી અને પરિણામે અંબાણી પરિવાર અને રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝમાં ખૂબ જ સન્માનનીય સ્થાન પ્રાપ્ત કર્યું છે.

રાજ્યસભાના સભ્ય તરીકે ઝારખંડનું બે ટર્મ સુધી પ્રતિનિધિત્વ કર્યા બાદ હાલ તેઓ આંધ્ર પ્રદેશમાંથી રાજ્યસભાના સભ્ય છે. પરિમલભાઈએ ઝારખંડ અને આંધ્ર પ્રદેશના સાસંદ તરીકે આ બંને રાજ્યોના પ્રશ્નો તો રાજ્યસભામાં ઉઠાવ્યા જ છે પરંતુ ગુજરાતને લગતાં વિષયો અંગે પણ તેઓ સંસદ અને સંસદની બહાર સક્રિય રહ્યા છે. બાળપણથી જ રમત ગમતમાં ઊંડો રસ ધરાવતા પરિમલભાઈ ગુજરાત ક્રિકેટ એસોસિયેશનના ઉપપ્રમુખ રહી ચૂક્યા છે. અમદાવાદમાં નિર્માણ પામેલા વિશ્વના સૌથી વિશાળ નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમના નિર્માણમાં પણ પરિમલભાઈનું વિશેષ યોગદાન રહ્યું છે.

હાલમાં તેઓ ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયેશનના અધ્યક્ષ તરીકે આ વિશ્વ વિખ્યાત રમતના તાલીમબદ્ધ ખેલાડીઓ તૈયાર કરવા માટે જહેમત ઊઠાવી રહ્યા છે. વન્યજીવ સંરક્ષણ અને પર્યાવરણ એમના શોખના વિષયો રહ્યા છે. ખાસ કરીને એશિયાટિક સિંહોના સંરક્ષણ અને સંવર્ધન માટે તેમણે નોંધપાત્ર કામગીરી કરી છે અને કરી રહ્યા છે. ગીરના સિંહ ઉપર તેમણે એશિયાટિક લાયન: પ્રાઇડ ઑફ ગુજરાત નામનું પુસ્તક પણ લખ્યું છે. નાથદ્વારા ટેમ્પલ ટ્રસ્ટમાં પણ તેઓ સક્રિય છે અને આ ધર્મસ્થાનમાં ભક્તોની સુવિધા માટેની પ્રવૃત્તિ સતત કરતા રહેતા હોય છે. અગાઉ દ્વારકા મંદિર વ્યવસ્થાપન સમિતિના ઉપાધ્યક્ષ તરીકે પરિમલભાઈએ મંદિર પરિસર અને દ્વારકા શહેરના વિકાસ માટે અવિસ્મરણીય કામો કર્યા છે.

આમ, ઉદ્યોગ, રમત-જગત, રાજકારણ ધર્મ અને આધ્યાત્મ, વન્યજીવ સંરક્ષણ, શિક્ષણ સહિતના અનેકવિધ ક્ષેત્રોમાં યોગદાન આપનાર પરિમલભાઈ નથવાણી ‘સંબંધોના બાદશાહ’ ગણાય છે. એમના પરિચય કે સંપર્કમાં આવેલી પ્રત્યેક વ્યક્તિને હંમેશા યાદ રાખીને જરૂરિયાતના સમયે તન, મન, ધનથી સહકાર આપવાનો એમનો ગુણ એમને અસામાન્ય માનવી બનાવે છે. આવા પરિમલભાઈ નથવાણીને જન્મદિવસના ખૂબ ખૂબ અભિનંદન અને ભગવાન દ્વારકાધીશ તથા માતા ખોડિયાર તેમને નિરોગી દીર્ધાયુષ્ય આપે તેવી પ્રાર્થના શુભેચ્છકો દ્વારા કરવામાં આવી રહી છે.


Advertisement
Advertisement
Advertisement