જામનગર તા.1:
જામનગરમાં સ્થિત ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટીમાં નવા 10 સભ્યોની નિમણુંક કરવામાં આવી છે. ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી એક્ટ, 2021ની કલમ- 15 (2) મુજબ બોર્ડ ઓફ ગવર્નન્સમાં હોદ્દાની રૂએ અત્યારે 9 સદસ્યો છે. તાજેતરમાં કલમ 15 (2) (10) મુજબ નિયુક્ત યુનિવર્સીટી સંલગ્ન કોલેજોના 3 પ્રિન્સિપાલમાં ક્રમાનુસાર મુજબ સરકારી આયુર્વેદ કોલેજના આચાર્ય શ્રી વૈદ્ય ભરત કલસરિયા, ગ્લોબલ આયુર્વેદ કોલેજ, રાજકોટના આચાર્ય શ્રી વૈદ્ય શ્રેયસ ભાલોડીયા, સ્ટેટ મોડેલ સરકારી આયુર્વેદ કોલેજ કોલવડાના આચાર્ય શ્રી વૈદ્ય સ્વીટી રૂપારેલની નિમણુંક કરવામાં આવી છે.
કલમ 15 (2) (11) મુજબ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત બે શ્રેષ્ઠ આયુર્વેદ શિક્ષણશાસ્ત્રીની નિમણુંક કરવામાં આવી છે. જેમાં શ્રી ડો. દર્શના પંડયા અને શ્રી વૈદ્ય હારિદ્ર દવેની નિમણુંક કરવામાં આવી છે. તેમજ કલમ 15 (2) (12) મુજબ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત નાણાંકીય, કાયદાકીય, વહીવટી, માનસશાસ્ત્રી અને વ્યવસ્થાપનનું પ્રતિનિધિત્વ કરતા હોય તેવા 3 નિષ્ણાંતોની નિમણુંક કરાઈ છે. જેમાં ક્રમાનુસાર શ્રી દિનેશ દાસા, શ્રી પ્રો. અરુણ ગાંધી અને શ્રી ડી.ડી. કાતરીયાની નિમણુંક કરાઈ છે.
કલમ 15 (2) (13) મુજબ રાજ્ય સરકાર દ્વારા નિયુક્ત G.M.P. સર્ટિફાઈડ આયુર્વેદ દવા ઉત્પાદન કંપનીના એક નિષ્ણાત એડમિનિસ્ટ્રેટર શ્રી ડો. ઘનશ્યામ પટેલ, નિરામયા આયુર્વેદ એન્ડ નેચરોપથી હોસ્પિટલ, વડોદરામાંથી નિમણુંક કરવામાં આવી છે. તેમજ 15 (2) (14) મુજબ રાજ્ય સરકાર દવારા નિયુક્ત આયુર્વેદ અને તેને સંલગ્ન વિષયો સાથે સંકળાયેલ સંશોધન અને વિકાસ સંસ્થાના એક નિષ્ણાંત શ્રી હિતેશ વ્યાસની નિમણુંક કરવામાં આવી છે, તેમ ગુજરાત આયુર્વેદ યુનિવર્સીટી નિયામક શ્રી એચ.પી. ઝાલાની યાદીમાં જણાવવામાં આવ્યું છે.