જામનગર તા.1:
જામનગરમાં ગાંધીનગર વિસ્તાર પાછળ છેલ્લા એક વર્ષથી કાર્યરત બનેલા કચરો બાળીને વિદ્યુત્ત ઉત્પન્ન કરવાના વેસ્ટ-ટુ-એનર્જી પ્રોજેક્ટ સામે શરુઆતમાં જે તીવ્ર અવાજ, દુર્ગંધ અને ધુમાડા-રાખની ફરિયાદ ઉઠી હતી તેવી જ ફરિયાદ ફરી પ્લાન્ટ આસપાસની સોસાયટીઓમાં ઉઠી છે અને લોકોએ હવે મહાનગરપાલિકાનો સંપર્ક કરવાને બદલે સીધા મુખ્યમંત્રીએ જાહેર કરેલા નંબર ઉપર જ વીડીયો અને ફોટા તેમજ પોતાની લેખિત ફરિયાદો વ્હોટસએપ દ્વારા સેન્ડ કરીને સરકારને રજુઆતનો એક નવો ચીલો ચાતર્યો છે. લોકોએ એક જ દિવસમાં સરકારને 50થી વધુ ફરિયાદો લોકોએ મોકલી છે.
શહેરમાં ગાંધીનગરના છેવાડે રૂા.74 કરોડના ખર્ચે ખાનગી કંપની દ્વારા કચરો બાળીને વીજળી પેદા કરીને જેટકોને વેંચવાનો પ્રોજેક્ટ શરુ થાય તે પહેલાં ગત વર્ષે દીવાળી બાદ વિસ્તારમાં તીવ્ર વ્હીસલ જેવા અવાજથી લોકો ત્રસ્ત થયાની ફરિયાદ ઉઠી હતી. બાદમાં ટેસ્ટીંગ લેવલ પછી વિસ્તારમાં દુર્ગંધની ફરિયાદ સાથે વોર્ડના તમામ કોર્પોરેટરોએ લોકો સાથે રેલી યોજીને કમિશનરને આવેદન આપ્યું હતું.
જે બાદ પ્લાન્ટની દુરસ્તી પછી લોક ફરિયાદો બંધ થઈ ગઈ હતી અને તમામ કાર્યવાહી રાબેતામુજબ ચાલતી રહી હતી. છેલ્લા આઠેક દિવસથી ફરી વિસ્તારમાં પ્લાન્ટ આસપાસની સોસાયટીઓમાં દુર્ગંધની ફરિયાદ અને અવાજ તેમજ હવામાં રાખ ઉડતી હોવાની ફરિયાદ વ્યાપક બની છે. દરમ્યાન ગઈકાલે રાત્રે 10 વાગ્યા આસપાસ પ્લાન્ટમાં ધમાકા જેવા અવાજ સાથે ચીમનીમાંથી ભડકો દેખાતા લોકોમાં ગભરાટ વ્યાપી ગયો હતો. લોકોએ આ વખતે મ્યુ. તંત્રને બદલે મુખ્યમંત્રીના જાહેર થયેલા હેલ્પલાઈન નંબર ઉપર જ ધડાધડ વ્હોટસએપ મેસેજમાં લખાણ, વીડીઓ અને ફોટા મોકલવાનું શરુ કર્યું હતું.
જોતજોતામાં 50 જેટલા નાગરિકોએ આ રીતે મુખ્યમંત્રીના જાહેર થયેલા પ્રજા માટેના નંબર ઉપર પોતાની ફરિયાદો મોકલી છે. સંખ્યાબંધ મહિલાઓ દુર્ગંધના પ્રશ્ને પરેશાન છે. અગામી દિવસોમાં સમસ્યાનો અંત નહીં આવે તો ફરી લોકો ગાંધી ચિંધ્યા માર્ગે કાર્યક્રમ યોજવા બહેનો તૈયાર હોવાનું કોર્પોરેટર રચનાબેન નંદાણીયા જણાવે છે.
જામનગરમાં વેસ્ટ ટુ એનર્જીના પ્લાન્ટમાંથી દુર્ગંધની વ્યાપક ફરિયાદ મુખ્યમંત્રી સુધી પહોંચી તે બાદ મંગળવારે બપોર બાદ વિસ્તારના ધારાસભ્ય રીવાબા જાડેજા, ચેરમેન મનિષભાઈ કટારીયા, મ્યુ. કમિશનર વિજયકુમાર ખરાડી, શહેર ભાજપા અધ્યક્ષ વિમલભાઈ કગથરાએ કંપનીના પ્લાન્ટની મુલાકાત લઈ સ્થિતિ નિહાળી હતી. તેઓએ ડાયરેક્ટરો સાથે વાતચીત કરતાં ડાયરેક્ટરોએ સમસ્યાના નિરાકરણની ખાતરી આપી હતી.