નવીદિલ્હી, તા.1 : નાણામંત્રી નિર્મલા સીતારમણે પોતાના બજેટ ભાષણ દરમિયાન એવી મહત્ત્વપૂર્ણ જાહેરાત કરી હતી કે દેશમાં અત્યારે 157 જેટલી મેડિકલ કોલેજો કાર્યરત છે જેમાંથી 140 કોલેજોમાં નર્સિંગ કોલેજ ચાલી રહી છે. હવે અહીં મેડિકલ ઉપકરણ બનાવવા માટેનો કોર્ષ શરૂ કરવામાં આવશે.
આ માટે આઈસીએમઆર સાથે મળીને કામ કરવામાં આવશે. તેમણે જણાવ્યું કે 2014 બાદ સરકારે દરેક રાજ્યમાં મેડિકલ કોલેજ બનાવવા ઉપર ભાર આપ્યો છે. સાથે સાથે મેડિકલ કોલેજમાં નર્સિંગ કોલેજ પણ હોય તેને પ્રાથમિકતા આપવામાં આવી રહી છે. બીજી બાજુ આત્મનિર્ભર ભારત અંતર્ગત મેડિકલ ઉપકરણો પણ અહીં જ બને તે માટે સરકાર ટૂંક સમયમાં કોર્ષ શરૂ કરવા જઈ રહી છે
અને આ માટે આઈસીએમઆરનો સહયોગ લેવામાં આવશે. મેડિકલ ઉપકરણ બનાવવાનો કોર્ષ શરૂ થયા બાદ મેડિકલ સ્ટુડન્ટ અહીં જ અભ્યાસની સાથે સાથે ઉપકરણો બનાવતાં શીખી શકશે જે આવનારા સમયમાં તબીબી ક્ષેત્રે મોટી ક્રાંતિ લાવશે તેવો વિશ્વાસ નાણામંત્રીએ વ્યક્ત કર્યો હતો. આ અંગેના કોર્ષની રૂપરેખા હાલ ઘડવામાં આવી રહી છે અને તેને ટૂંક સમયમાં અમલી બનાવી દેવાશે તેવું પણ તેમણે જણાવ્યું હતું.