ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે ખેતમજૂર તરૂણીએ ઝેર પી આપઘાત કર્યો

01 February 2023 03:27 PM
Jamnagar
  • ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામે ખેતમજૂર તરૂણીએ ઝેર પી આપઘાત કર્યો

જામનગર તા.1: જામનગર જિલ્લાના ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં ખેત મજૂરી કામ અર્થે આવેલી પરપ્રાંતિય શ્રમિક તરુણીએ પોતાના વતનમાં પરત જવું ન હોવાથી ઝેરી દવા પી લઈ આત્મહત્યા કરી લીધી છે.

આ બનાવની વિગત એવી છે કે મૂળ મધ્યપ્રદેશના આલીરાજપુર જિલ્લાની વતની અને હાલ ધ્રોલ તાલુકાના હાડાટોડા ગામમાં એક ખેડૂતની વાડીમાં રહીને ખેત મજૂરી કામ કરતી રાધાબેન રાયસીંગભાઇ નામની 14 વર્ષની પરપ્રાંતિય આદિવાસી શ્રમિક તરૂણી કે જેણે ગઈકાલે પોતાની વાડીએ ઝેરી દવા પી લઈ આત્મહત્યાનો પ્રયાસ કરતાં તેને સારવાર માટે જામનગરની હોસ્પિટલમાં ખસેડાઈ હતી, જ્યાં તેણી નું મૃત્યુ નીપજ્યું છે.

આ બનાવ અંગે મૃતક ના પિતા રાયસીંગભાઈ રડતીયાભાઈ આદિવાસીએ પોલીસને જાણ કરતાં ધ્રોલ પોલીસે મૃતદેહ નો કબજો સંભાળી પોસ્ટ મોર્ટમ સહિતની કાર્યવાહી હાથ ધરી છે.

મૃતક પોતાના પિતરાઈ ભાઈ સાથે પોતાનું વતન છોડીને ધ્રોલ મજૂરી કામ અર્થે આવી હતી, જે દરમિયાન તેણીના પિતા તેડવા માટે આવ્યા હતા. પરંતુ તેણીને વતનમાં પરત જવું ન હોવાથી આત્મહત્યાનું પગલું ભરી લીધાનું પોલીસમાં જાહેર થયું છે. સમગ્ર મામલે ધ્રોળ પોલીસ વધુ તપાસ ચલાવે છે.


Advertisement
Advertisement
Advertisement