જામનગર તા.1:
જામનગર જિલ્લામાં અકસ્માતના બનાવમાં ચિંતાજનક ઉછાળો આવી રહ્યો છે તેવામાં જામનગરની ભાગોળે શેખપાટના પાટીયા નજીક બંધ ટ્રક પાછળ કાર ઘુસી જતાં અકસ્માત સર્જાયો હતો. આ ગોઝારી ઘટનામાં જામનગરના યુવા ઉદ્યોગપતિનું કમકમાટીભર્યું મોત નિપજતા ઉદ્યોગકારના પરિવારમાં અરેરાટી મચી જવા પામી છે.
આ અંગે જાણવા મળતી વિગત અનુસાર જામનગરના જાણીતા ઉદ્યોગપતિ રાજ શાંતિ મેટલ્સ વાળા શાંતિલાલભાઈ હરિયાના ભત્રીજા વિપુલભાઈ જયંતીભાઈ હરિયા આજે વહેલી સવારે 5.45 વાગ્યાના સમયગાળા દરમીયાન રાજકોટ તરફથી જામનગર આવી રહ્યા હતા.
આ વેળાએ શેખપાટ ગામના પાટીયા પાસે કાર ધડાકાભેર બંધ ટ્રકની પાછળ અથડાઈ હતી. જેને પગલે અકસ્માત સર્જાયો હતો. આ ભયંકર અકસ્માતમાં કાર ચાલક યુવાન વિપુલભાઈ ટ્રક નીબોડીની નીચે કાર સહિત ફસાઈ જેને લઈને ફાયર વિભાગને જાણ કરવામા આવી હતી.
આથી ફાયરની મદદ લઈને પતરા કાપી તેઓને બહાર કાઢવામાં આવ્યા હતા, બાદમાં એમ્બ્યુલન્સ મારફતે જી.જી. હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. પરંતુ સારવાર મળે તે પહેલા જ તેનું મોત નીપજ્યું હતું. આ મામલે જાણ થતાં પંચકોશી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી. હોસ્પિટલે દોડી ગયો હતો અને કાર્યવાહી હાથ ધરી છે.