જામનગર તા.1: જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ ડ્રાઈવ દ્વારા છેલ્લા બે દિવસ દરમિયાન હાલારના બંને જિલ્લાઓમાં વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, અને ગઈકાલે સતત બીજા દિવસે કલ્યાણપુર પંથકમાંથી 18.20 લાખની ચોરી પકડી લેવામાં આવી છે. ઉપરાંત આજે સતત ત્રીજા દિવસે ચેકિંગ ની કાર્યવાહી અવિરત ચાલુ રાખવામાં આવી છે, અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોને દરોડા પાડવામાં આવ્યા છે, જેના માટે 33 ચેકિંગ ટુકડીઓને ઉતારવામાં આવી છે.
જામનગર પીજીવીસીએલ વર્તુળ કચેરી ની ચેકિંગ દ્વારા ગઈકાલે
સતત બીજા દિવસે પણ વિજ ચેકિંગની કાર્યવાહી ચાલુ રાખવામાં આવી હતી, અને દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુર અને ભાટિયા પંથકમાં વીજ દરોડા પાડવામાં આવ્યા હતા. સમગ્ર દિવસ દરમિયાન કુલ 367 વીજ જોડાણ ચેક કરવામાં આવ્યા હતા, જેમાંથી 65 વીજ જોડાણમાં ગેરરીતી માલુમ પડી હતી, અને તેઓને 18.20 લાખના વિજ ચોરીના બિલો ફટકારવામાં આવ્યા છે.
આ ઉપરાંત આજે સતત ત્રીજા દિવસે દેવભૂમિ દ્વારકા જિલ્લાના ખંભાળિયા પંથકમાં ચેકિંગ હાથ ધરવામાં આવી રહ્યું છે, જેના માટે આજે વધુ 33 ચેકિંગ ટુકડીને ઉતારવામાં આવી છે, જેની મદદ માટે 08 એસઆરપીના જવાનો, 18 લોકલ પોલીસ, ત્રણ વિડીયોગ્રાફર અને ત્રણ નિવૃત્ત આર્મી મેનની મદદ લેવામાં આવી રહી છે. અને ખંભાળિયા તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોટા પાયે વીજ ચેકિંગ કરવામાં આવી રહ્યું છે.