અદાણીના શેરોનો કચ્ચરઘાણ : શેરબજારમાં 1900 પોઇન્ટની મોટી ઉથલપાથલ

01 February 2023 04:54 PM
Business
  • અદાણીના શેરોનો કચ્ચરઘાણ : શેરબજારમાં 1900 પોઇન્ટની મોટી ઉથલપાથલ

► બજેટની જાહેરાત સાથે 1100 પોઇન્ટથી વધુ ઉંચકાયેલા સેન્સેકસ-નિફટી પછી ઉંધા માથે પટકાયા

રાજકોટ, તા. 1 : કેન્દ્ર સરકારના નવા નાણાંકીય વર્ષના બજેટ બાદ શેરબજારમાં આજે જબરદસ્ત ઉથલ પાથલ મચી હતી અને સેન્સેકસમાં 1900 પોઇન્ટથી વધુની વધઘટ થઇ હતી જે દરમ્યાન અદાણી જૂથના શેરોના કચરઘાણ વળી ગયો હતો. 3200ના ભાવે ગઇકાલે જ અપાયેલા શેરના આજે 2100 રૂપિયા થઇ ગયા હતા. સમગ્ર માર્કેટમાં સોંપો પડી ગયો હતો. શેરબજારમાં આજે બજેટ આધારીત વધઘટ થવાનું અપેક્ષીત જ હતું. બજેટ સારૂ આવવાના આશાવાદ હેઠળ શરૂઆતમાં તેજી રહી હતી. નાણાંમંત્રીએ બજેટ પ્રવચન પૂર્ણ કર્યા સુધી તેજીમાં ધમધમતું રહ્યું હતું અને 1100 પોઇન્ટથી વધુનો ઉછાળો સૂચવવા લાગ્યું હતું

► બેંક, ઓટો મોબાઇલ, ટેલીકોમ સહિતના ક્ષેત્રોના શેરોમાં ગાબડા : ઇન્વેસ્ટરોથી માંડીને બ્રોકરો સુધીના તમામ વર્ગ સ્તબ્ધ

જેના આધારે માર્કેટે બજેટને વધાવી લીધાની છાપ ઉપસવા લાગી હતી પરંતુ આ તકે એકાએક આક્રમક વેચવાલીનો મારો શરૂ થઇ જતા બજાર પટકાઇ ગયું હતું અને રેડ ઝોનમાં આવી ગયું હતું. વિદેશી નાણા સંસ્થાઓએ જંગી વેચાણ કર્યુ હોવાનું કહેવાતું હતું. બજેટમાં પણ કોઇ મોટા લાભ કે સીધી રાહતો ન હોવાનું અને ઉદ્યોગ ક્ષેત્રની આશા ફળીભૂત નહીં થયાનું કહેવાવા લાગ્યું હતું. આવકવેરામાં છુટછાટો તથા કેટલાકમાં આયાત જકાત ઘટાડવાના પગલા સહિતની દરખાસ્તો હોવા છતાં માર્કેટની આ ઉથલપાથલથી ઇન્વેસ્ટરોથી માંડીને બ્રોકરો સુધી તમામ વર્ગોમાં સોંપો પડી ગયો હતો. જાણીતા શેરબ્રોકરોના કહેવા પ્રમાણે બજેટનું ચિત્ર સ્પષ્ટ થતા હજુ એકાદ દિવસ થાય તેમ છે. એટલું જ નહીં આવતીકાલે રિઝર્વ બેંકની ધિરાણ નીતિ છે અને તેમાં વ્યાજદર વધારવા વિશે કેવું વલણ અપનાવવામાં આવે છે તે મહત્વનું બનશે

► રોકડાના શેરો પણ ગગડયા : અદાણી એન્ટરપ્રાઇઝ 30 ટકાની ઉંધી સર્કિટે 2081ના સ્તરે

આ સિવાય અમેરિકન ફેડરલ રિઝર્વ દ્વારા વ્યાજદરમાં કેટલો વધારો કરવામાં આવે છે તેના પર પણ નજર રાખવામાં આવી રહી છે. શેરબજારમાં ઉથલ પાથલ વચ્ચે સૌથી મોટો કડાકો અદાણી ગ્રુપના શેરોમાં જ પડયો હતો. 20 હજાર કરોડનો એફપીઓ લાવનાર અને ગઇકાલે જ સબસ્ક્રાઇબ થયેલા અદાણી એન્ટરપ્રાઇઝના શેરનો ભાવ 30 ટકા ગગડયો હતો. એફપીઓમાં 3116 થી 3276ના ભાવે શેર ઓફર કરવામાં આવ્યા છે. તેથી સામે આજે તેનો ભાવ 30 ટકા ગગડીને ર081ની ઉંધી સર્કિટે ધસી ગયો હતો અને માર્કેટમાં રીતસરનો સોંપો પડી ગયો હતો. આ સિવાય અદાણી પોર્ટ 25 ટકાના કડાકાથી 459.50, અદાણી ગેસ 10 ટકાના કડાકાથી 1897.40 સહિતના અંબુજા સિમેન્ટ 19 ટકા ગગડીને 323 થયા હતા. ગ્રુપના અન્ય તમામ શેરોમાં બેફામ વેચવાલીના દબાણ હેઠળ ગાબડા પડયા હતા.

► અદાણી પોર્ટ, અદાણી ગેસ, અંબુજા, એસીસી સહિત ગ્રુપના તમામ શેરોમાં 5 થી 25 ટકાના કડાકા

અદાણી ગ્રુપ ઉપરાંત બેન્ક ક્ષેત્રના શેરોમાં પણ ધોવાણ થયું હતું તેમજ મીડકેપ તથા રોકડાના શેરો પણ ગગડી ગયા હતા. મુંબઇ શેરબજારનો સેન્સેકસ આજે 1900 પોઇન્ટ જેટલી વધઘટ સૂચવતો હતો. એક તબકકે ઉંચામાં 60000ની સપાટી ક્રોસ કરીને 60773 થયો હતો. જે પછી ગગડીને 58816 થઇને 59807 સાંપડયો હતો. સેન્સેકસ 257 પોઇન્ટનો ઉછાળો સૂચવતો હોવાની સામે આશ્ચર્યજનક રીતે નિફટીમાં ગાબડુ હતુ અને 17638 સાંપડયો હતો. જે ઉંચામાં 17972 તથા નીચામાં 17353 થયો હતો. અદાણી ગ્રુપ સિવાયના શેરોમાં ટાટા મોટર્સ, ટાઇટન, એકસીસ બેંક, બજાજ ફાયનાન્સ, ભારતી એરટેલ, હિન્દ લીવર, ઇન્ડુસ ઇન બેંક, કોટક બેંક, મહિન્દ્ર, મારૂતિ, રિલાયન્સ, સ્ટેટ બેંક જેવા શેરોમાં ગાબડા પડયા હતા. ટીસીએસ, આઇસીઆઇસીઆઇ બેંક, જેએસડબલ્યુ સ્ટીલ, ટીસ્કો, બ્રિટાનીયા વગેરે મજબુત હતા.


Related News

Advertisement
Advertisement
Advertisement