રાજકોટ, તા. 1
રાજયમાં ગેરકાયદેસર ચાલતા કતલખાનાઓ બંધ કરવા વડી અદાલતે આપેલા આદેશના પગલે ગઇકાલે જ રાજકોટ મહાપાલિકાએ જુદા જુદા વિસ્તારમાં દરોડા પાડયા હતા. લાંબા સમયથી જાહેરમાં ચિકન અને મટન વેંચતી 12 દુકાનોને તંત્રએ સીલ મારી દેતા આવા ધંધાર્થીઓમાં ફફડાટ મચ્યો છે.
કમિશનર અમિત અરોરા અને નાયબ કમિશ્નર આશિષકુમારના માર્ગદર્શન હેઠળ જુદા જુદા વિભાગોની ટીમોએ ગઇકાલે ડ્રાઇવ શરૂ કરી હતી. જેમાં કાલાવડ રોડના નાના મવા પાસેના ભીમનગર, યુનિ. રોડના ગંગોત્રી પાર્ક, હૈદરી મસ્જીદ પાસેના ખોડીયારનગરમાં ચેકીંગ કરાયું હતું જેમાં મંજૂરી વગર મીટ અને ચિકન વેંચતા 12 ધંધાર્થીની દુકાનને તાળા મારીને ધંધા બંધ કરાવ્યા હતા.
ભીમનગર વિસ્તારમાં જે દુકાનો સીલ કરવામાં આવી તેમાં ઇમરાન મંડાલીયાની જે.બી. સરકાર ચિકન શોપ, ઇસ્માઇલ મંડાલીયાની અલ-ચિકન શોપ, અબ્દુલ જામની સુહાના કોરા એન્ડ ચિકન શોપનો સમાવેશ થાય છે. તો યુનિ. રોડના ગંગોત્રી પાર્ક મેઇન રોડ પર આવકાર સોસાયટી પાસે નસીબ અન્સારીના નાઝ ચિકન અને ઇમ્તીયાઝ દલના સુકુન પોલ્ટ્રી ફાર્મને તાળા મારી દેવાયા હતા.
સૌથી વધુ આવી દુકાનો ખોડીયારનગર શેરી નં.1માં મળી હતી. જેમાં ફારૂક માંડલીયાની એ-વન મટન શોપ, હુસેન મંડાલીયાની સંજરી મટન શોપ, શરીફ કટારીયાની કે.જી.એન. ચિકન સેન્ટર, સાહિલ સોદાગરની જી.કે.ચિકન, ફતેહ માથકીયાની રોયલ ચિકન હાઉસ, શરીફ કટારીયાની મુન્નાભાઇ ચિકન શોપ અને અબીદ કટારીયાની અલ રાજા ચિકન શોપને અધિકારીઓએ સીલ મારી દીધા હતા. આ કામગીરી સોલીડ વેસ્ટ વિભાગના પર્યાવરણ ઇજનેર નિલેષ પરમાર, વેટરનરી ઓફિસર ભુપેન્દ્રભાઇ પટેલ, ચીફ ફુડ સેફટી ઓફિસર અમિત પંચાલ, ફૂડ ઓફિસર સી.ડી.વાઘેલા, એએસઆઇ ફિરોઝ શેખ અને તેમની ટીમ દ્વારા કરવામાં આવી હતી.
કાયમી ડ્રાઇવ કરવાની જરૂર : મેયરે ઇંડાની લારીઓ ઉપાડવા શરૂ કરાવેલી ઝુંબેશ પણ રોકી દેવાઇ હતી!
અનેક વિસ્તારમાં શાકભાજીની જેમ નોનવેજ વેંચાય છે: જીવદયાની રોજ થતી કતલ
મહાપાલિકાએ ગઇકાલે લાંબા સમયે મટન-ચિકનની ગેરકાયદે દુકાનો બંધ કરાવી છે પરંતુ શહેરના અનેક વિસ્તારોમાં ખુલ્લેઆમ શાકભાજીની જેમ આવું નોનવેજ વેંચાતુ રહે છે. જે બંધ કરાવવા કાયમી ઝુંબેશ જરૂરી હોવાનું જીવદયા પ્રેમીઓ કહી રહ્યા છે.
ગત વર્ષમાં રાજકોટના મેયર ડો.પ્રદીપ ડવે રાજકોટના અનેક રાજમાર્ગો પર ઉભી રહેતી ઇંડા સહિતની નોનવેજની લારી ઉપાડવા મોટું અભિયાન શરૂ કરાવ્યું હતું. પરંતુ તેના રાજકીય પડઘા પણ પડી ગયા હતા. સરકાર કક્ષાએ આવી ઝુંબેશની વાત પહોંચી હતી.
સૌરાષ્ટ્રના ઘણા શહેરમાં રાજકોટના પગલે આ કામગીરી કરાઇ હતી. પરંતુ અંતે પાર્ટી અને સરકારમાંથી નરમ સૂચનાઓ આવી જતા આવી ડ્રાઇવ સ્થગિત જેવી હાલતમાં છે. પરંતુ ફૂલછાબ ચોક જેવા વિસ્તારમાંથી કાયમી ન્યુસન્સ દુર થયું તેની રાહત લોકો અનુભવે છે.
ગેરકાયદે કતલ સામે પણ ફરિયાદો થતી રહે છે. પશુ-પક્ષીઓના જીવ બચાવવા અનેક વખત રજુઆતો થાય છે. આથી મહાપાલિકા બંદોબસ્ત સાથે પણ આવી જગ્યાઓ પર કાયમી ચેકીંગ કરે તે જરૂરી છે. વડાપાઉં અને પાઉંભાજીવાળાને ત્યાં જે રીતે ચેકીંગ થાય છે તે રીતે નોનવેજના ધંધાર્થીઓને ત્યાં પણ ચેકીંગ ચાલુ રાખવાનો મત છે.