પાણી-ડ્રેનેજ માટે પણ ખાડા ન ખોદવા મ્યુનિ.કર્મચારીઓની ચીમકી

01 February 2023 05:13 PM
Rajkot
  • પાણી-ડ્રેનેજ  માટે પણ ખાડા ન ખોદવા મ્યુનિ.કર્મચારીઓની ચીમકી

ખાડામાં યુવાનના મૃત્યુ બદલ પોલીસે આડેધડ ગુનો નોંધતા યુનિયનોમાં રોષ, છતાં જાહેર સેવાઓને અસર નહીં થવા દેવા પ્રમુખ કશ્યપ શુકલની ખાતરી: મુળ બેદરકારી કોની?

રાજકોટ, તા. 1
150 ફુટ રીંગ રોડ પર રૈયા ટેલીફોન એકસચેંજ નજીક બ્રીજના ખૂણે ગત સપ્તાહે મનપાના કોન્ટ્રાકટરે ખોદેલા ખાડામાં પટકાવવાથી લોહાણા બાઇક સ્વારના નિપજેલા મૃત્યુના ઘેરા પડઘા પડયા છે. આ કરૂણ બનાવમાં પોલીસે નકકર માહિતી મેળવ્યા વગર કોર્પો.ના અધિકારીઓ સામે કલમ 304 હેઠળ સાપરાધ મનુષ્ય વધનો ગુનો નોંધતા કચવાટની લાગણી વચ્ચે ફરી ગઇકાલે કર્મચારી યુનિયનોએ કમિશ્નરને રજુઆત કરી છે.

એક તબકકે ઇજનેરો સહિતના કર્મચારીઓએ પાણી અને ગટરના કામ માટે પણ ખાડા નહીં ખોદવા મન બનાવી લીધુ હતું પરંતુ પોલીસ અને કોર્પો. પાસે ન્યાયી તપાસની આશા વચ્ચે યુનિયન પ્રમુખ કશ્યપ શુકલએ જાહેર હિતમાં આવી કોઇ સેવા નહીં ખોરવાઇ તેવી કર્મચારીઓ વતી ખાતરી આપી છે.

રૈયા એકસચેંજ પાસે બાઇકસ્વાર ગર્ડર માટે ખોદાયેલા ખાડામાં પડતા માથામાં સળીયા ઘુસી જવાથી મૃત્યુ પામતા શોકની લાગણી ફેલાઇ હતી. આ ઘટનાના દિવસે મોડી સાંજે જ પોલીસે કોર્પો.ની બેદરકારી ગણીને કલમ 304 હેઠળ ગુનો દાખલ કરી દેતા ઘેરા પડઘા પડયા હતા. બનાવમાં કોઇ પણ જવાબદાર હોય તેની સામે કાર્યવાહી કરવા સરકારી અધિકારીઓએ તૈયારી દર્શાવી છે. પરંતુ આ બાદ સીસીટીવી ફૂટેજ સામે આવ્યા હતા જેમાં બે બાઇક પુરઝડપે અથડાયા બાદ યુવાન ખાડામાં પટકાયાનું દેેખાયું હતું.

પોલીસ અને કોર્પો. બંને તંત્રના વડા પાસે આ સીસીટીવી ફૂટેજ આવ્યા હતા. તે બાદ એવો સવાલ ઉભો થયો હતો કે પોલીસે આ બનાવમાં અકસ્માતનો ઉલ્લેખ જ કર્યો નથી. વળી કોર્પો.એ તો બ્રીજનું કામ કોન્ટ્રાકટર કંપનીને આપેલું છે. ટેન્ડર મુજબ કોર્પો.ની ભૂમિકા સુપરવિઝનની છે. પરંતુ કંપનીની જવાબદારી વિશે પણ પોલીસે કોઇ તપાસ કરી ન હોય તેવું લાગ્યું છે. ગમે તે કારણે ઉતાવળમાં પોલીસે દુ:ખદ ઘટનામાં યોગ્ય તપાસની દિશા પહેલેથી ન પકડયાની છાપ ઉભી થઇ છે.

કર્મચારી યુનિયનના પ્રતિનિધિઓ કમિશ્નરને મળ્યા હતા અને આ હકીકત અંગે ચર્ચા કરી હતી. ઇજનેરો, અધિકારીઓ, કર્મચારીઓએ કમિશનરને યોગ્ય તપાસ થાય તે માટે રજુઆત કરી હતી. કોર્પો.ની સમિતિ જે તપાસ કરે તેમાં સહયોગની ખાતરી પણ આપી હતી. શહેરમાં ગંદા પાણીના નિકાલ, ભૂગર્ભ ગટર જેવા આવશ્યક કામ માટે તો રોજ ખાડા કરવા પડે છે. હવે આવા બનાવ બને તેવા ભયથી આવી આવશ્યક કામગીરી જ બંધ કરી દેવા ચિમકી આપી હતી.

પરંતુ જાહેર હિતમાં આવી કોઇ ઉતાવળ ન કરવા કમિશ્નર અમિત અરોરા અને યુનિયન પ્રમુખ કશ્યપ શુકલએ સૌને સમજાવ્યા હતા. આ જગ્યાએ ખાડા ફરતે ચેતવણી સૂચક પટ્ટી મારવામાં આવી હતી તે સિવાય શું શું જરૂરી હતું તેની માહિતી પોલીસ કોર્પો. ઉપરાંત કંપની પાસેથી પણ લઇ શકે તેમ છે. આથી સંપૂર્ણ તટસ્થ તપાસની માંગણી કરાઇ છે. ત્રણે યુનિયનો આ મામલે ન્યાયી કાર્યવાહીની માંગ કરી રહ્યા છે.


Related News

Advertisement
Advertisement
Advertisement