નવી દિલ્હી: કૃષિ અને ઉદ્યાનમંત્રી ગણેશ જોષીએ પુર્વ વડાપ્રધાન સ્વ. ઈન્દિરા ગાંધી અને સ્વ. રાજીવ ગાંધીની શહીદીને લઈને વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે ઈન્દિરા ગાંધી અને રાજીવ ગાંધીનું મૃત્યુ શહીદી નહોતી દુર્ઘટના હતી. શહીદી પર ગાંધી પરિવારનો એકાધિકાર નથી. ભાજપના કેબીનેટ મંત્રી ગણેશ જોષીએ કોંગ્રેસ નેતા રાહુલ ગાંધી પર રાજકીય હુમલો કરતા કહ્યું હતું કે રાહુલ ગાંધી હંમેશા કહ્યા કરે છે કે ગાંધી પરિવાર અનેક શહીદી આપી છે પણ હકીકત એ છે કે ગાંધી પરિવાર સાથે જે થયું તે દુર્ઘટનાઓ હતા. ઈન્દિરા ગાંધીની હત્યા તેમના અંગરક્ષકે કરી હતી. જયારે રાજીવ ગાંધીની હત્યા લિટ્ટે આતંકવાદીઓએ કરી હતી. જોષીએ કહ્યું હતું કે દેશ માટે જે ફાંસીએ ચડી જાય કે દુશ્મનનો મુકાબલો કરતા ગોળી ખાય તે શહીદી કહેવાય. ચંદ્રશેખર આઝાદ, ભગતસિંહ વગેરેએ દેશ માટે હસતા હસતા મોતને ગળે લગાડી હતી.