સુત્રધાર રમેશબાબુ જાલીનોટના ગુન્હામાં જેલમાંથી છૂટી ફરી જાલીનોટ છાપવા લાગ્યો:12 દિવસના રિમાન્ડ પર

01 February 2023 05:31 PM
Rajkot
  • સુત્રધાર રમેશબાબુ જાલીનોટના ગુન્હામાં જેલમાંથી છૂટી ફરી જાલીનોટ છાપવા લાગ્યો:12 દિવસના રિમાન્ડ પર

♦ રમેશબાબુને સાથે રાખી રાજકોટ પોલીસ તેલંગણા જવા રવાના:મશીનરી અને મટીરીયલ જપ્ત કરાશે

♦ જાલીનોટ પ્રકરણમાં અગાઉ ઉદ્યોગપતિ ભરત બોરીચા સહિત પાંચ શખ્સો પકડાઈ ચુક્યા છે

♦ ચાર મહિના પહેલા જ તેલંગાણાના ગોપાલપુરમ પોલીસ મથકમાં જાલીનોટના ગુનામાં પકડાયો હતો

રાજકોટ,તા.1
રાજકોટ અને જામનગરના આંગડીયા મારફત લાખો રૂપીયાની 500 ના દરની જાલીનોટ વટાવી લેવાના કૌભાંડમાં મુખ્ય સુત્રધાર તરીકે જેનું નામ ખુલ્યું હતું તેવા રમેશબાબુ વેન્કટેહ કસ્તુરીને એ-ડીવીઝન પોલીસે તલંગણા રાજયમાંથી ઝડપી લઈ તેને કોર્ટમાં રજૂ કરવામાં આવતા 12 દિવસના રીમાન્ડ મળ્યા હતા.તેની પુછપરછમાં જાલીનોટના રાજયવ્યાપી કૌભાંડમાં નવો વળાંક આવ્યો છે જેમાં આ રમેશબાબુએ પોલીસ સમક્ષ કબૂલાત આપી હતી કે પોતે જ જાલીનોટ છાપી લાગતા વળગતાઓને કમિશન પેટે આપતો હતો.જોકે રિમાન્ડ દરમિયાન પણ અનેક ચોંકાવનારા ખુલાસા થવાની શકયતા રહેલી છે.

વધુ વિગતો મુજબ,ડો.યાજ્ઞિક રોડ પર રહેતા લગેજ બેગના વેપારીનું 50 હજારનું આંગડીયું પીએમ આંગડીયા પેઢીમાં આવ્યું હતું.જે રકમ લીધા બાદ એકસીસ બેન્કમાં જમા કરાવતા પ00 ના દરની જાલીનોટો હોવાનો ખુલાસો થયો હતો.જેના આધારે એ-ડીવીઝન પોલીસે પીએમ આંગડીયા પેઢીમાં તપાસ કરી ત્યાં જાલીનોટ વટાવનાર ભરત ઉર્ફે કિશોર મેરામભાઈ બોરીચા(રહે. મુળ રાજુલા, હાલ નિધી એપાર્ટમેન્ટ, સાધુ વાસવાણી રોડ) ને ઝડપી લીધો હતો.

ત્યારબાદ તેને જાલીનોટ મંગાવી આપવામાં સંડોવાયેલા ગુરપ્રિતસિંગ ઘનશ્યામદાસ કારવાણી, તેજશ ઉર્ફે ગોપાલ રાજુભાઈ જસાણી, વિમલ બિપીનભાઈ થડેશ્વર, તેના ભાઈ મયુરને ઝડપી લીધા હતા.આ તમામની પુછપરછમાં જાલીનોટો પુનાના પીંપરી ગામે રહેતા કમલેશ ઉર્ફે કનૈયાલાલ શિવનદાસ જેઠવાણીએ સપ્લાય કર્યાનું ખુલતા તેને પણ એ-ડીવીઝન પોલીસે પુનાથી ઝડપી લીધો હતો.

પુછપરછમાં તેણે તેલંગણા રાજયના વિંકારાબાદ જિલ્લાના કોકટ રોડ તંદુર ગામના રમેશબાબુ પાસેથી જાલીનોટો લીધાની કબુલાત આપતા એ-ડીવીઝન પોલીસની એક ટીમ તેલંગણામાં રવાના કરવામાં આવી હતી. જેણે રમેશબાબુને તેના ગામમાંથી ઝડપી લીધો હતો.પોતે ગેરેજ ચલાવે છે. ચાર માસ પહેલા જ તેલંગાણાના ગોપાલપુરમ પોલીસ મથકમાં જાલીનોટના ગુનામાં પકડાયો હતો. જામીન પર છુટયા બાદ ફરીથી તેણે જાલીનોટનો વેપલો શરૂ કરી દીધો હતો.

આ બનાવ અંગે એ-ડીવીઝન પોલીસે તપાસ શરૂ કરી હતી.આ માટે તેને રીમાન્ડ માટે કોર્ટ હવાલે કરવામાં આવ્યો હતો.તેના કોર્ટે 12 દિવસના રિમાન્ડ મળ્યા છે.પોતે કબૂલાત આપી હતી કે પોતે જ મશીનરી અને મટીરીયલ મંગાવી આ જાલીનોટ છાપતો હતો.અત્યાર સુધીની તપાસમાં રમેશબાબુ પાસેથી બે ખેપમાં પુનાના પીંપરીનો કમલેશ રૂા.17 લાખની જાલી નોટ લઈ આવ્યાનું ખુલ્યું છે.કમલેશ સિવાય બીજા કોને રમેશબાબુએ જાલી નોટ સપ્લાય કરી છે તે બાબતે પણ પોલીસ રિમાન્ડ દરમિયાન તપાસ કરશે.પોલીસે જણાવ્યું કે,રમેશબાબુ અને કમલેશનો પરીચય વોટસએપ ઉપર થયો હતો.

ઉલ્લેખનીય છે કે રાજકોટમાં રૂા.સાતેક લાખની 500 ના દરની જાલીનોટો સપ્લાય થઈ હતી.જયારે કમલેશ પાસે કુલ રૂા.17 લાખની જાલીનોટ હતી.જેમાંથી એ-ડીવીઝન પોલીસ અત્યાર સુધી એકંદરે 1પ.84 લાખની જાલી નોટ કબ્જે કરી ચુકી છે.હાલ એ ડિવિઝન પોલીસ મથકનો સ્ટાફ રમેશબાબુને સાથે રાખી તેલંગાણા જશે અને ત્યાંથી મશીનરી તેમજ મટીરીયલ પણ કબ્જે કરવામાં આવશે.

જાલીનોટ પ્રકરણમાં રમેશની પૂછપરછમાં વધુ લોકોની સંડોવણી ખુલે તેવી પૂરેપૂરી શક્યતા!!
જાલીનોટ પ્રકરણમાં દિવસેને દિવસે નવા ખુલાસાઓ થઈ રહ્યા છે.અત્યાર સુધીની તપાસમાં એવું ખુલ્યું છે કે મુળ રાજુલાના ભરત ઉર્ફે કિશોર બોરીચા આર્થિક ભીંસમાં સપડાતા જાલીનોટ શોધતો હતો.આ દરમ્યાન અન્ય આરોપીઓ સાથે સંપર્ક થતા તેને પુનાના પીંપરી ગામના કમલેશ પાસેથી સાતેક લાખની 500 ના દરની જાલીનોટ મંગાવી તેમાં અસલી નોટ મીકસ કરી તેને રાજકોટની પીએમ અને જામનગરની આંગડીયા પેઢીમાં વટાવી લીધી હતી.આ તપાસ દરમિયાન રમેશબાબુનું નામ ખુલ્યું હતું હાલ તેમણે કબુલ્યું છેકે પોતે આ જાલીનોટ છાપતો હતો જોકે હજુ રમેશની પૂછપરછમાં વધુ લોકોની સંડોવણી ખુલશે તેવી પૂરેપૂરી શકયતાઓ રહેલી છે.રમેશને મશીનરી અને નોટો છાપવાનું મટીરીયલ કોણ પૂરું પડતું એ અંગે હાલ તપાસ ચાલી રહી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement