રાજકોટ,તા.1
હાડ થીજાવતી ઠંડીને કારણે વધુ એકનો ભોગ લીધો હતો. બે દિવસ પહેલા ગોકુલધામ પાસેના ક્વાર્ટરમાં એક આઘેડનું ઠંડીથી ઠુંઠવાઈ જતાં મોત થયું હતું. દરમિયાન કુવાડવાના રામપરા બેટી ગામના રોડ પર અજાણ્યા આશરે 40 વર્ષના ભિક્ષુકનું ઠંડીમાં ઠૂંઠવાઇ જતાં મોત નિપજ્યું છે.
પ્રાપ્ત વિગત અનુસાર રામપરા બેટી ગામના સરપંચ વિજયભાઇ ભાનુભાઇ ભલગામડીયાએ પોલીસને જાણ કરી હતી કે બેટી રામપરા ગામની વચ્ચેના રોડની ડાબી સાઇડમાં એક અજાણ્યા ભિક્ષુકનો મૃતદેહ પડયો છે.
જેના આધારે એરપોર્ટ પોલીસ સ્ટેશનના પીએસઆઇ એ.કે.રાઠોડ સહિતનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને રાજકોટ સિવિલ હોસ્પિટલમાં પોસ્ટમોર્ટમ માટે ખસેડયો હતો. તબીબે જણાવ્યું હતું કે, અજાણ્યા ભિક્ષુકનું મોત ઠંડીમાં ઠૂંઠવાઇ જવાને કારણે થયાનું બહાર આવ્યું હતું. પોલીસે મૃતકના વાલીવારસની શોધખોળ હાથ ધરી છે.