રાજકોટ તા.1 : સરધાર પાસે રીક્ષા પલ્ટી મારી જતા રાજકોટના બાબુભાઈ વાલ્મીકી નામના આધેડનુ બેભાન થઈ ગયા બાદ સારવારમાં મોત નીપજતા પરિવારમાં અરેરાટી વ્યાપી ગઈ હતી. પ્રાપ્ત વિગત મુજબ રાજકોટના એરપોર્ટ રોડ પર અમરજીતનગરમાં રહેતા બાબુભાઈ શામજીભાઈ સરવૈયા (ઉં.55) તેની પત્ની મીનાબેન અને પુત્ર જયરાજ સાથે લાઠી ભત્રીજાના ઘરે પ્રસંગમાં ગયા હતા
જયાંથી તેઓ ગત રોજ રીક્ષામાં પરત ફરતા હતા ત્યારે રાત્રીના 8 વાગ્યાની આસપાસ સરધાર પાસે રીક્ષાચાલકે કાબુ ગુમાવતા રીક્ષા પલ્ટી મારી ગઈ હતી. જેમા સવાર બાબુભાઈને ગંભીર ઈજા પહોંચતા બેભાન થયા હતા. જેને તાત્કાલીક સારવારમાં રાજકોટ સીવીલ હોસ્પિટલે ખસેડાયા હતા પરંતુ સારવાર કારગત ન નીવડતા તેનુ મોત નીપજયુ હતુ. બનાવ અંગે સીવીલ ચોકીના સ્ટાફે જાણ કરતા આજી ડેમ પોલીસનો સ્ટાફ દોડી આવ્યો હતો અને જરૂરી કાગળો કર્યા હતા. વધુમાં મૃતક રીક્ષા ડ્રાઈવીંગ કરતા હતા અને નવ ભાઈ-બહેનમાં વચેટ તેમજ સંતાનમાં બે પુત્ર - બે પુત્રી છે. બનાવથી પરિવારમાં કલ્પાંત છવાયો હતો