રાજકોટ,તા.1 : હુડકો ચોકડી પાસે હાઈ-વે પર છ વર્ષના ગૌતમ નામના બાળકને પુરપાટ ઝડપે આવેલા બોલેરોની હડફેટે ગંભીર ઈજા પહોંચતા ઘટના સ્થળે જ મોત નિપજયું હતું.પ્રાપ્ત વિગત અનુસાર, હુડકો ચોકડી પાસે કનૈયાલાલના ડેલાની બાજુમાં આવેલ ઝુંપડામાં રહેતા દેવિપૂજન દેવરાજભાઈ સંચાણીયા (ઉ.વ.06) આજે સવારે પોતાના ઝુંપડામાં વેફર્સર ખાતો હતો. ત્યાંથી તે હાઈવે પર દોડ લગાવી હતી
ત્યારે પાછળથી પુરપાટ ઝડપે આવેલ બોલેરો નં.જીજે-13 એકસ-1215ના ચાલકે બાળકને હડફેટે લેતાં ફંગોળાઈને રોડ પર પટકાતાં માથાપર ગંભીર ઈજા પહોંચતા લોહીલુહાણ હાલતમાં ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું.બનાવની જાણ થતા પરીવારજનો દોડી ગયા હતાં. અને આક્રંદ મચાવ્યો હતો.ઘટના સ્થળે એકઠા થયેલ લોકોએ 108ને જાણ કરતાં ઈએમટીએ તપાસી બાળકને મૃત જાહેર કર્યો હતો. બનાવ અંગે જાણ થતા આજીડેમ પોલીસ મથકનો સ્ટાફ દોડી ગયો હતો. અને જ જરૂરી કાર્યવાહી કરી મૃતદેહને પી.એન.અર્થે સીવીલ હોસ્પિટલમાં ખસેડી અકસ્માત સર્જનાર બોલેરો ચાલક સામે ગુનો નોંધવા તજવિજ હાથ ધરી હતી.