રાજકોટ,તા.1 : શહેરના તોપખાના વિસ્તારમાં ઢોલીઓ ઢોલ વગાડી પરત આવી ઘોરમાં આવેલા રૂપિયાની ભાગ બટાઇ કરતા હતા ત્યારે જ માથાકુટ થઇ જતા ધીંગાણું ખેલાયું હતું. જેમાં બે ભાઇ બહેનને ઇજા પહોંચતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવેલ હતા. આ અંગે મળતી વિગત મુજબ શહેરના જામનગર રોડ પર આવેલ મોરબી સહિત નજીક તોપખાનામાં રહેતા શ્યામ વશરામભાઇ વાણીયા (વાલ્મિકી) (ઉ.વ.22) અને તેમના બહેન કનીબેન (ઉ.વ.40) આ જ વિસ્તારનો સોહિલ અને હિરલ વાઘેલા લગ્ન પ્રસંગમાં ઢોલ વગાડવા માટે ગયા હતા. જયાંથી પરત આવી તોપખાનામાં આવેલ રામાપીરના મંદીર પાસે ઘોરમાં આવેલા રૂપિયાની ભાગ બટાઇ કરતા હતા ત્યારે રૂપિયાની ભાગ બટાઇમાં મતભેદ થતા માથાકુટ થઇ ગઇ હતી. જેમાં સોહિલ અને હિરલે હુમલો કરી ઢીકા પાટુનો માર મારતા શ્યામ અને કનીબેનને ઇજા પહોંચતા બંનેને સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડાતા પોલીસે નિવેદન નોંધવા તજવીજ કરી હતી.