► ઈન્દીરા સર્કલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ: સરકાર વિરોધી સુત્રોચ્ચાર: પ્રદેશ પ્રમુખ સહિત 19ની ટીંગાટોળી સાથે અટકાયત કરતી પોલીસ
રાજકોટ તા.1 : પેપર ફૂટવાને પગલે પંચાયત સેવા પસંદગી મંડળની રદ કરાયેલ જુનિયર કલાર્કની પરીક્ષા આગામી 30 દિવસમાં લેવાની માંગ સાથે એનએસયુઆઈ દ્વારા આજે સવારના ઈન્દીરા સર્કલ ખાતે આશ્વર્યજનક કાર્યક્રમ આપી સરકારના પુતળાને ઓવરબ્રીજ પર લટકાવી ફાંસી આપી ચકકાજામ કરાતા વાહનોના થપ્પા લાગી ગયા હતા.
આ કાર્યક્રમ દરમ્યાન એનએસયુઆઈના હોદેદારો અને કાર્યકરોએ સરકાર વિરોધી સુત્રોચ્ચાર કરી આ અંગે પગલા નહીં લેવાય તો ઉગ્ર આંદોલનની ચેતવણી આપી હતી. એનએસયુઆઈના આ આંદોલનાત્મક કાર્યક્રમ દરમ્યાન પોલીસે બળનો પ્રયોગ કરતા કાર્યકરો અને પોલીસ વચ્ચે ઘર્ષણ થવા પામેલ હતુ. આ દરમ્યાન પોલીસે ટીંગાટોળી કરી એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકી સહિત 19 જેટલા કાર્યકરોની અટકાયત કરી હતી.એનએસયુઆઈના પ્રદેશ પ્રમુખ નરેન્દ્ર સોલંકીએ જણાવેલ હતુ કે આ રદ કરાયેલી પરીક્ષા 30 દિવસમાં લેવા અને પેપર ફૂટવાના પ્રકરણમાં દોષિતોને કડક સજા આપવાની તેઓની મુખ્ય માંગણી છે.
આ પ્રકરણમાં રાજયના મુખ્યમંત્રી સહિત રાજય સરકારની કેબીનેટએ તત્કાલ રાજીનામુ આપી દેવુ જોઈએ. જુનિયર કલાર્કનું પેપર ફૂટી જવાને કારણે રાજકોટ સહિત રાજયના 9.50 લાખ ઉમેદવારોનુ ભવિષ્ય ડામાડોળ બની જવા પામેલ છે. આ કલંકીત ઘટનાથી સ્પર્ધાત્મક પરીક્ષાના ઉમેદવારોમાં ઉગ્ર રોષ ભભૂકી ઉઠયો છે. સરકારની બેદરકારીના કારણે રાજયમાં સ્પર્ધાત્મક પરીક્ષાના પેપરો ફૂટવાનો સીલસીલો યથાવત રહ્યો છે. જેના પગલે આ પરીક્ષાની વિશ્વસનીયતા સામે પણ પ્રશ્ર્નાર્થ ઉઠવા પામેલ છે. જુનિયર કલાર્કની રદ કરાયેલ આ સ્પર્ધાત્મક કસોટી 30 દિવસમાં નહીં લેવાય
તો એનએસયુઆઈ દ્વારા રાજયભરમાં ઉગ્ર આંદોલનના મંડાણ કરવામાં આવશે.આ આંદોલનાત્મક કાર્યક્રમમાં ગુજરાત પ્રદેશ એનએસયુઆઈના પ્રમુખ નરેન્દ્ર સોલંકી ઉપરાંત હરપાલસિંહ જાડેજા, પ્રદીપસિંહ ડોડીયા, બ્રિજરાજસિંહ રાણા, રવિ જીતીયા, પાર્થ બગડા, ભવ્ય પટેલ, હર્ષરાજસિંહ જાડેજા, રિયાઝ સુમરા, આર્યન કનેરીયા, રોહિત રાઠોડ, ધવલ રાઠોડ, સમીર ચૌહાણ સહિતના કાર્યકર્તાઓ જોડાયા હતા.
એનએસયુઆઈએ આજે સવારના ઈન્દીરા સર્કલ ખાતે આશ્ચર્યજનક કાર્યક્રમ આપી રાજય સરકારના પુતળાને સરાજાહેર ફાંસી આપી સરકાર વિરોધી સુત્રોચ્ચાર કર્યા હતા. આ કાર્યક્રમ દરમ્યાન પોલીસે એનએસયુઆઈના 19 કાર્યકરોની ટીંગાટોળી કરી અટકાયત કરી હતી. (તસ્વીર: દેવેન અમરેલીયા)