(જીગ્નેશ ભટ્ટ)
મોરબી, તા.1
ઝૂલતા પુલનો કેસમાં આજે જયસુખ પટેલના 7 દિવસના પોલીસ રિમાન્ડ કોર્ટે મંજૂર કર્યા છે. મુખ્યત્વે કરાર પૂરો થયા પછી પણ કબ્જો કેમ ચાલુ રાખ્યો? તે અંગે પોલીસ પૂછપરછ કરશે. ગઈકાલે કોર્ટ સમક્ષ સરેન્ડર કર્યા પછી પોલીસે જયસુખ પટેલનો કબ્જો લીધો હતો. 24 કલાક પુરા થાય એ પહેલાં જ પોલીસે નિયમ મુજબ આજે સાંજે જયસુખ પટેલને કોર્ટ સમક્ષ હાજર કર્યા હતા. દરમિયાન આ કેસના સ્પે.પીપી એસ.કે. વોરાએ સરકાર તરફે દલીલો કરી હતી. પોલીસે રિમાન્ડની માંગ સાથે કોર્ટ સમક્ષ કેટલાક મુદ્દા રજૂ કર્યા હતા. જેમાં પુલનો કેબલ શા માટે ન બદલાવાયો? કોન્ટ્રાકટ કરાર પૂર્ણ થઈ ગયો હોવા છતાં પુલનો કબ્જો શા માટે ઓરેવા કંપનીએ પોતાની પાસે રાખ્યો? વગેરે મુદ્દે તપાસ બાકી હોવાથી રિમાન્ડ મંજુર કરવા પોલીસે રજુઆત કરેલી. સ્પે.પીપીની દલીલો અને પોલીસના મુદ્દાઓ ધ્યાને લઇ કોર્ટે 7 દિવસ સુધીના રિમાન્ડ મંજૂર કર્યા છે.
પોલીસ આ સાત દિવસ દરમિયાન જયસુખ પટેલની પૂછપરછ કરી તમામ હકીકત મેળવવા પ્રયાસ કરશે. ઉલ્લેખનીય છે કે, હાલમાં જ પોલીસે કોર્ટમાં ચાર્જશીટ રજૂ કર્યું હતું. જેમાં અનેક બેદરકારીના ખુલાસ થયા હતા. આ પુલ તા 30/10/2022 ના રોજ તૂટી પડ્યો હતો. જેમાં 135 જેટલા લોકોના જીવ ગયા હતા અને તેની તપાસ પોલીસ દ્વારા કરાઈ હતી. આ કેસમાં ઓરેવા ગ્રૂપના જયસુખભાઇ પટેલને ચાર્જશીટમાં ભાગેડુ આરોપી દર્શાવવામાં આવેલ હતો.
ચાર્જશીટમાં એવી માહિતી છે કે, આઠથી બાર મહિના સુધી પૂલનું કામ કરવાના હતા, પણ છ મહિનામાં પેટા કોન્ટ્રાક્ટ આપીને ઝડપથી પુલનું કામ પૂરું કરીને ખુલ્લો મૂકી દેવામાં આવ્યો હતો, આ પુલને ખુલ્લો મુક્તા પહેલા સ્ટ્રેંથ સ્ટેબિલિટી સર્ટીફિકેટ લેવામાં આવ્યું નહોતું. કોર્ટમાં જયસુખભાઇ પટેલના આગોતર જામીન માટેની અરજીની પણ સુનાવણી હતી. પણ તે હાજર થતા આગોતરા અરજી પાછી ખેંચી હતી.
એફએસએલની ટીમ દ્વારા જે રિપોર્ટ આપવામાં આવેલ છે તેમાં જણાવ્યુ છે કે, જે મુખ્ય બે કેબલ ઉપર બ્રિજ હતો. તેનું ઇન્શપેક્સન કે પછી મેંટનન્સ વર્ષ 2008 થી લઈને પુલ તૂટી પડ્યો ત્યાં સુધીમાં કયારે પણ કરવામાં આવ્યું જ નથી. 49 મોટા તારથી આ એક કેબલ બનેલ હતો જેના 22 તારમાં કાટ લાગી ગયો હતો. વધુમાં મળતી માહિતી મુજબ કામ રાખનાર ઓરેવા ગ્રૂપને સારી રીતે ખબર હતી કે નીચેના ભાગે નદી છે તેમ છતાં પણ લોકોને લાઈફ ગાર્ડ જેકેટ આપવામાં આવતા ન હતા, પુલ ઉપર કેટલા લોકો એ જવું તે નિશ્ચિત ન હતું, બિન અનુભવી સિક્યુરિટી ગાર્ડ હતા, હોડકા કે તરવૈયાઓની કોઈપણ પ્રકારની વ્યવસ્થા રાખવામાં આવી ન હતી આવી અનેક બેદરકારીઓનો ઉલ્લેખ ચાર્જશીટમાં છે. આ તમામ બેદકારી અંગે રિમાન્ડ દરમિયાન પૂછપરછ થશે.