વિશ્વકર્મા જયંતિ: કાલે ઠેર ઠેર શોભાયાત્રા, પૂજન, મહાપ્રસાદના આયોજનો

02 February 2023 12:30 PM
Rajkot Dharmik Saurashtra
  • વિશ્વકર્મા જયંતિ: કાલે ઠેર ઠેર શોભાયાત્રા, પૂજન, મહાપ્રસાદના આયોજનો

શુક્રવારે રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર-કચ્છમાં ગુંજશે જય વિશ્વકર્માનો ગગનભેદી નાદ : રાજકોટમાં ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા શોભાયાત્રા, દર્શન-પૂજન, આરતી, સમુહલગ્ન, મહાપ્રસાદના આયોજનો: સણોસરા શ્રી વિશ્વકર્મા ધામ ખાતે શોભાયાત્રા, ધ્વજારોહણ, પૂજન કિર્તનનો કાર્યક્રમ: જૂનાગઢમાં ભવ્ય રીતે ઉજવાશે વિશ્વકર્મા જયંતિ

રાજકોટ તા.2 ; વિરાટ સ્વરૂપ શ્રી આદિ નારાયણ શ્રી વિશ્વકર્મા પ્રભુજીની આવતીકાલે જયંતિ છે. આજથી હજારો વર્ષ પહેલા બદ્રિકાશ્રમે દેવતાઓ સહિત ઋષિમુનિઓએ તેમજ સૃષ્ટિના સઘળા જીવોએ પૂજા-આરતી તેમજ મહાપ્રસાદ ધરાવી જયજયકાર કર્યો હતો. તે દિવસ એટલે શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જયંતિ મહા સુદ 13નો દિવસ હતો. આવતીકાલે મહા સુદ 13નો પરમ પવિત્ર દિને રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર, કચ્છમાં શ્રી વિશ્વકર્મા પ્રભુજીની જયંતિ ભવ્ય રીતે ઉજવાશે. ઠેર ઠેર પૂજન-દર્શન, આરતી, શોભાયાત્રા તથા મહાપ્રસાદના આયોજનો હાથ ધરાયા છે.

રાજકોટ
રાજકોટ ગુર્જર સુતાર જ્ઞાતિ દ્વારા આવતીકાલે વિશ્વકર્મા પ્રભુજીના મંદિરે સવારે 6-30 કલાકે મંગળા આરતી, ત્યારબાદ ધ્વજારોહણ, પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી, બપોરે 12-15 કલાકે આરતી યોજાશે.

શોભાયાત્રા
આવતીકાલે બપોરે બે વાગ્યે ધારેશ્વર મંદિરથી શ્રી વિશ્વકર્મા પ્રભુજીની શોભાયાત્રાનો રંગેચંગે પ્રારંભ થશે. જે કાંતા સ્ત્રી વિકાસ ગૃહ ચોક થઈને બોમ્બે હોટલ, ત્યાંથી ગોંડલ રોડથી માલવીયા પેટ્રોલ પંપથી યાજ્ઞિક રોડ, જિલ્લા પંચાયત ચોક, બહુમાળી ભવનથી શ્રી વિશ્વકર્મા ધામ રેસકોર્ષ મેદાન પર સંપન્ન થશે.

શ્રી વિશ્વકર્મા ધામ
શ્રી વિશ્વકર્મા ધામ રેસકોર્ષ મેદાન ખાતે બપોરે સમુહ લગ્નોત્સવનુ આયોજન કરાયુ છે. જેમા બપોરે બે વાગ્યે સામૈયુ, બપોરે 3 વાગ્યે હસ્તમેળાપ, સાંજે 6-15 કલાકે સમુહઆરતી, ત્યારબાદ જ્ઞાતિ સમુહ ભોજન, સાંજે 7-15 કલાકે ક્ધયા વિદાય થશે. આ પ્રસંગે શ્રી વિશ્વકર્મા પ્રભુજી મંદિર તથા શ્રી વિશ્વકર્મા ધામ (રેસકોર્ષ મેદાન) ખાતે સવારે 8 થી રાત્રીના 8 વાગ્યા સુધી મહારકતદાન શિબિરનુ આયોજન કરેલ છે.

સણોસરા
આવતીકાલે શ્રી વિશ્વકર્મા ચેરીટેબલ ટ્રસ્ટ સણોસરાની યાદી મુજબ વિશ્વકર્માધામ - સણોસરા ખાતે પૂ.દાદાના નવનિર્મિત મંદિરના પટાંગણમાં ભવ્ય શોભાયાત્રા, ધ્વજારોહણ તથા પૂજન-કિર્તનનો કાર્યક્રમ યોજવામાં આવેલ છે. ટ્રસ્ટના પૈલેશભાઈ માવજીભાઈ સિધ્ધપુરાએ જણાવ્યુ કે આવતીકાલે સણોસરા વિશ્વકર્મા મંદિરમા સવારે 10 કલાકે પૂજન, ધ્વજારોહણ તથા બપોરના 12-30 વાગ્યે મહાપ્રસાદનુ આયોજન કરેલ છે.

આ પ્રસંગે રાજભા જાડેજા, સુરેશભાઈ અજમેરા, વિષ્ણુભાઈ મકવાણા (મુંબઈ), જયભાઈ પટેલ, દિનેશભાઈ રાઠોડ (જસદણ) તથા ચિત્રકુટ મંદિરના સંતો-મહંતો વગેરે અતિથિવિશેષ તરીકે ઉપસ્થિત રહેશે. શ્રી વિશ્વકર્મા ચેરી. ટ્રસ્ટના પૈલેશભાઈ સિધ્ધપુરા, મહેન્દ્રભાઈ જીલ્કા, વિનુભાઈ પીઠવા, કલ્પેશભાઈ સિધ્ધપુરા, સુરેશભાઈ સિધ્ધપુરા, કપીલ હસમુખભાઈ સિધ્ધપુરા વગેરેએ આ પ્રસંગે તમામ વિશ્વકર્મા વંશજોને પધારવા અનુરોધ કર્યો છે.

જુનાગઢ
શ્રી વિશ્વકર્મા ભગવાનનું ભવ્ય મંદિર તથા સમાજ આવેલ છે. સમાજ દ્વારા જન્માષ્ટમી, શિવરાત્રી અને દિવાળીથી પરિક્રમા દરમિયાન પૂનમ સુધી અન્નક્ષેત્ર ચલાવવામાં આવે છે. અને યાત્રાળુ માટે ઉતારાની વ્યવસ્થા કરવામાં આવે છે. અન્ય પ્રવૃત્તિઓમાં સમૂહ લગ્ન, આદર્શ લગ્ન, વિદ્યાર્થી સન્માન સમારોહ, ઇનામ વિતરણ, શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતીની ઉજવણી જેવા અન્ય સમાજના કાર્યક્રમો આયોજન કરવામાં આવે છે.

કાલે તા. 3જી ફેબ્રુઆરીના શુક્રવાર સૃષ્ટિના સર્જનહાર જેનો દરેક શાસ્ત્રો પુરાણમાં ઉલ્લેખ છે તેવા શ્રી ગુર્જર સુથાર સમાજ પરિવારના ઇષ્ટદેવ એવા શ્રી વિશ્વકર્મા દાદાની જન્મ જયંતી આ દિવસે જુનાગઢ તાલુકા, શહેરો , ગામડાથી આશરે 1500થી પણ વધારે સમાજ એકત્રિત થઈને દાદાની જન્મ જયંતી અને મહા મહોત્સવ ઉજવાશે. તા. 3 ફેબ્રુઆરીના રોજ શ્રી વિશ્વકર્મા ભગવાન જન્મ જયંતીના આ દિવસે સવારે પૂજન અર્ચન, મંદિરે ધ્વજારોહણ સવારે 9:30 થી રથયાત્રા તેમજ સમાજની સાધારણ સભા, બપોરે સમૂહ ભોજન, સાંસ્કૃતિક કાર્યક્રમ વગેરે કાર્યક્રમો સાથે વિશ્વકર્મા જયંતી ધામધૂમથી ઉજવવામાં આવશે.

આ દિવસે સમસ્ત ગુર્જર સમાજના પરિવાર સમાજને સહ પરિવાર ઉત્સવમાં જોડાવા અનુરોધ કરાયો છે. સાંસ્કૃતિક કાર્યક્રમમાં પર્સનલ આર્ટ્સ એટલે કે ડાન્સ, કોથળા દોડ, લીંબુ ચમચી દોડ, મ્યુઝિકલ ચેર જેવા કાર્યક્રમોમાં બાળકો ભાગ લઈ શકશે. વિશ્વકર્મા સમાજ ગુર્જર સુથાર જ્ઞાતિ ગિરનાર દરવાજા જૂનાગઢના પ્રમુખ રાજેશભાઈ કરગથરા (મો. 80000 55866) મંત્રી વિનુભાઈ સીતાપરા તેમજ ઉપપ્રમુખ કનુભાઈ સીતાપરાનો સંપર્ક સાધવા અનુરોધ કરાયો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement