જયપુર (રાજસ્થાન) તા.2
ઘરવાપસી માટે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘના સર કાર્યવાહન દતાત્રેય હોસબોલેએ મોટુ નિવેદન કરીને જણાવ્યુ હતુ કે જો કોઈએ ગૌમાંસ ખાઈ લીધુ હોય તો પણ તેમના માટે દરવાજા બંધ નથી થયા, તેઓ હિન્દુ ધર્મમાં પાછા ફરી શકે છે. જયપુરમાં બિરલા ઓડીટોરીયમમાં આયોજીત ‘આરએસએસ: કલ, આજ ઔર કલ’ વિષય પર વ્યાખ્યાન આપતા ઉપરોકત મોટી વાત કરી હતી.
દતાત્રેયે વધુમાં જણાવ્યુ હતુ કે ભારત એક હિન્દુ રાષ્ટ્ર છે. કારણ કે દેશને બનાવનારા પણ હિન્દુ છે. કેટલાક લોકો કહે છે કે વેદ પુરાણમાં હિન્દુ નથી પરંતુ વેદ પુરાણમાં એવુ પણ નથી કે તેમનો સ્વીકાર ન કરી શકાય. અન્ય ઉપયોગી વાતોનો આપણે સ્વીકાર કરવો જોઈએ. દતાત્રેયે વધુમાં જણાવ્યુ હતુ કે આરએસએસના સંસ્થાપક ડો.હેડગેવાર કયારેય એ વ્યાખ્યામા નહોતા પડયા કે હિન્દુ કોણ છે. ભારત ભૂમિને પિતૃ ભૂમિ માનનારા બધા હિન્દુ છે. જેને આપણે હિન્દુ માનીએ છીએ, તે હિન્દુ છે. તેમણે તો એમપણ કહ્યુ હતુ કે ભારતમાં રહેતા બધા હિન્દુ છે કારણ કે તેમના પૂર્વજ હિન્દુ હતા, તેમની પૂજા પધ્ધતિ અલગ હોઈ શકે છે પણ બધાના ડીએનએ તો એક જ છે.
સંઘ ના તો વામપંથી છે કે ના તો દક્ષિણપંથી: દતાત્રેયે જણાવ્યુ હતુ કે સંઘ ના તો વામપંથી છે કે ના તો દક્ષિણપંથી, સંઘ રાષ્ટ્રવાદી છે. આથી ભારતના બધા મતો અને સંપ્રદાયોને એક માને છે. આપણા બધાના સામુહિક પ્રયાસથી ભારત વિશ્ર્વગુરૂ બનશે અને દુનિયાનુ નેતૃત્વ કરશે. સંઘને સમજવા માટે મગજ નહીં, દિલ જોઈએ: દતાત્રેયે જણાવ્યુ હતુ કે સંઘને સમજવા માટે માત્ર દિમાગથી કામ નહીં ચાલે, દિલ અને દિમાગ બનાવવુ સંઘનુ કામ છે.