રાજકોટ સિંચાઇ વિભાગે પાણી ચોરીના 19 કિસ્સા ઝડપી લીધા

02 February 2023 05:20 PM
Rajkot
  • રાજકોટ સિંચાઇ વિભાગે પાણી ચોરીના 19 કિસ્સા ઝડપી લીધા

સૌની યોજનામાં ભંગાણ કરી લાખો લિટર પાણીની ચોરી : એર અને સ્કાવર વાલ્વમાં ભંગાણ કરી પાણી ચોરતા લોકો સામે સિંચાઇ વિભાગ દ્વારા પોલીસ ફરીયાદ: સૌની યોજનાની લાઇન ઉપર વધારાનો એસ.આર.પી. બંદોબસ્ત પણ મુકી દેવાયો

રાજકોટ,તા.2 : રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પાણી પુરું પાડતી સૌની યોજના લોકો અને ખેડૂતો બંને માટે જીવાદોરી સમાન સાબીત થઇ છે. ખાસ કરીને જુદી-જુદી લીંકની પાઇપ લાઇન મારફતે રાજકોટ જીલ્લા સહિત સૌરાષ્ટ્રમાં ઠેર-ઠેર સૌની યોજના અંતર્ગત પીવાનું પાણી પુરું પાડવામાં આવે છે. જો કે, લોકો માટે આશીર્વાદ સમાન આ સૌની યોજનાની પાઇપલાઇનોમાં છેલ્લા કેટલાક દીવસોથી ભંગાણ પાડી પાણી ચોરી કરવાના ચોંકાવનારા કીસ્સા વધવા લાગ્યા છે. જેની સિંચાઇ વિભાગે ગંભીર નોંધ લીધી છે. અને પાણી ચોરીના કીસ્સાઓમાં કડક પગલા લેવાની શરૂઆત કરી દીધી છે.

તેમજ પાણી ચોરી કરતા લોકો સામે પોલીસ ફરીયાદ અને અરજી કરવા સહિતના આકરા પગલા લેવાનું શરૂ કરી દીધું છે. રાજકોટ સિંચાઇ વર્તુળના અધિકારી સુત્રોમાંથી મળતી વધુ વિગતોનુસાર રાજકોટ, બોટાદ, સુરેન્દ્રનગર અને મોરબી જીલ્લામાં ચાલુ માસ દરમ્યાન જ 19 જેટલા પાણી ચોરીના કીસ્સા ઝડપી લેવામાં આવ્યા છે અને પાણી ચોરી કરતા પકડાયેલા લોકો સામે પોલીસ ફરીયાદ તથા અરજીની કાર્યવાહી પણ હાથ ધરવામાં આવેલ છે. રાજકોટ સિંચાઇ વિભાગના કાર્યપાલક ઇજનેર નીતિન ચાંઉના જણાવ્યાનુસાર, રાજકોટ જીલ્લાના તરઘડીયા, ખીજડીયા, સણોસરા, માધવીપુર, સુર્યારામપુરા, શિવરાજપુર અને બંધાણી સહિતના ગ્રામ્ય વિસ્તારોમાંથી સૌથી વધુ 14 જેટલા પાણી ચોરીના કિસ્સા ઝડપી લેવામાં આવ્યા છે

અને પાણી ચોરી કરતા લોકો સામે પોલીસ ફરીયાદો કરવામાં આવેલ છે. આ ઉપરાંત, બોટાદ અને સુરેન્દ્રનગર જીલ્લાના ભાણેજડા ચોકડી અને પીપળીયા વિસ્તારમાંથી પણ પાણી ચોરીના ત્રણ કીસ્સા અને મોરબી જીલ્લા જોધપરઝાલા વિસ્તારમાંથી પણ પાણીચોરીના 2 કીસ્સા ઝડપી લેવામાં આવેલ છે.કાર્યપાલક ઇજનેર ચાંઉના જણાવ્યા અનુસાર, મોટાભાગે એર વાલ્વ અને સ્કાવર વાલ્વમાં ભંગાણ કરી પાણી ચોરી કરાતી હોવાનું સામે આવી રહયું છે. વધતા જતા પાણી ચોરીના કીસ્સાને ધ્યાને રાખીને સૌની યોજનાની જુદી-જુદી લીંકની પાઇપલાઇન ઉપર એસઆરપીના વધારાના 16 જવાનોનો બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવેલ છે.

"સૌની” યોજનાની પાઈપલાઇનમાંથી ગેરકાયદેસર પાણીચોરી કરનાર સામે કાયદેસરની કાર્યવાહી કરાશે
રાજકોટ,તા.2 : "સૌની” યોજના લીંક-4 દ્વારા લીંબડી ભોગવો - 2 જળાશયથી રાયડી જળાશય સુધી બોટાદ, રાજકોટ, ભાવનગર, અમરેલી તથા જૂનાગઢ જિલ્લાના વિવિધ જળાશયો અને વિવિધ તાલુકાના તળાવો તથા ચેકડેમો ભરવામાં આવશે. આ યોજનાના પમ્પિંગ સ્ટેશનો પર મોટા પમ્પ, એરવાલ્વ, સ્કાવર વાલ્વ તથા એરકુશન વાલ્વ અને આશરે 3 મી. વ્યાસ ધરાવતી ભુમિગત પાઇપલાઇન મારફત ખુબ જ ઊંચા દબાણથી ઇલેક્ટ્રિક મોટર દ્વારા પાણી વહેવડાવવાની કામગીરી કરવામાં આવે છે. આ પાઇપલાઈનમાં બિનઅધિકૃત રીતે તથા પરવાનગી વગર જો કોઈ ઈસમ/વ્યક્તિ/સમૂહ દ્વારા એરવાલ્વ, સ્કાવર વાલ્વ કે એરકુશન વાલ્વ ખોલી પાણી ચોરી કે વ્યય કરતા જણાશે, તો તેમની સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે, તેમ કાર્યપાલક ઈજનેર, સૌની યોજના વિભાગ, રાજકોટની યાદીમાં જણાવાયું છે.


Related News

Advertisement
Advertisement
Advertisement