રાજકોટ,તા.2 : રાજયમાં 2011થી નહીં બદલાયેલા જંત્રી દરમાં વધારો હવે નિશ્ર્ચિત બનેલ છે. આ સંદર્ભે રાજકોટ શહેર જિલ્લામાં આવતા સપ્તાહથી જ સર્વે કામગીરી શરૂ કરી દેવામાં આવનાર છે. આ અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આગામી તા.6ને સોમવારે જિલ્લા કલેકટર કચેરી ખાતે ટાઉન પ્લાનીંગ નગર રચના અધિકારી ડે. કલેકટરો પ્રાંત સહિત સંબંધિત વિભાગોના અધિકારીઓની ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે. આ અંગે જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, તા.6ના અધિકારીઓ સાથેની બેઠક બાદ શહેર જિલ્લ્લામાં જંત્રી સર્વેની કામગીરી શરૂ કરી દેવાશે અને ચાલુ માસમાં જ આ અંગેનો રીપોર્ટ જીલ્લા વહીવટી તંત્ર દ્વારા સરકારને સુપ્રત કરી દેવાશે. તેઓએ તેમ પણ જણાવ્યું હતું કે, જંત્રી સર્વે અંગે શરૂ કરવા માટે રાજય સરકાર દ્વારા વહીવટી તંત્રને તાકીદ કરી દેવામાં આવી હોય
આગામી સપ્તાહે એટલે કે, તા.6ના આ અંગે અધિકારીઓ સાથે બેઠક આયોજીત કર્યા બાદ જંત્રી સર્વેની કામગીરી તાબડતોબ શરૂ કરી દેવાશે. અહીં ઉલ્લેખનીય છેકે, રાજય સરકાર દ્વારા 2011ના વર્ષ બાદ જંત્રીના દરમાં કોઇ જ વધારો કરવામાં આવેલ નથી. જેના પગલે જંત્રી દર અને હાલના વાસ્તવિક ભાવ વચ્ચે અસમતોલા રહેલી છે. ત્યારે હવે રાજયમાં જંત્રી દરમાં વધારો કરવા માટે રાજય સરકાર દ્વારા નિર્ણય લેવાય ગયો હોય જંત્રી સર્વે બાદ જંત્રી દરના વધારાની અમલવારી કરવામાં આવશે. અહીં એ પણ ઉલ્લેખનીય છે કે, ગુજરાત વિધાનસભાની ચુંટણીમાં ભાજપે તોતીંગ બહુમતી હાંસલ કરી લીધા બાદ જંત્રી દરમાં વધારો કરી દેવા માટે ગતિવિધીઓ તેજ કરી દેવામાં આવી છે. જંત્રી દરમાં આગામી સમયમાં વધારો થતા મીલ્કતોનો રજીસ્ટ્રેશન મોંઘુ થશે.
જેના પગલે સરકારની સ્ટેમ્પ ડયુટીની આવકમાં વધારો થશે. જો કે, રાજયની બીલ્ડર લોબી દ્વારા હાલ તુરંત જંત્રી દરમાં વધારો નહીં કરવામાં રાજય સરકારને રજુઆત કરવામાં આવી છે. પરંતુ જંત્રી દરમાં રાજય સરકાર દ્વારા કેટલો વધારો કરાશે? તે તો જંત્રી સર્વે અને રાજય સરકારના નિર્ણયને આધિન રહેશે. પરંતુ હાલ તુરંત સરકાર દ્વારા રાજયના તમામ જીલ્લા કલેકટરોને જંત્રી સર્વે કરાવી સર્વે રીપોર્ટ સરકારમાં સુપ્રત કરવા સુચના આપી હોય રાજકોટ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા આ સંદર્ભે આગામી તા.6ના સોમવારે સ્ટેમ્પ ડયુટી અધિકારી, નગર નિયોજન અધિકારી, ડેપ્યુટી કલેકટરો તેમજ સંબંધિત વિવિધ વિભાગોના અધિકારીઓની બેઠક બોલાવવામાં આવી છે. જે બાદ તુરંત જ જીલ્લામાં આ અંગેની સર્વે કામગીરી હાથ ધરવામાં આવશે.
માધાપર ચોકડી ખાતે ખાનગી વાહનો સહિતના દબાણો હટાવાશે
જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ દ્વારા પોલીસ વિભાગને આદેશ
રાજકોટ, તા.2 : શહેરની માધાપર ચોકડી ખાતે ઓવરબ્રીજની ચાલી રહેલી કામગીરીના પગલે ટ્રાફિક સમસ્યાનો ભારણ સતત વધી રહ્યું છે. ડાયવર્ઝન માટે જાહેરનામું અમલી બનાવવામાં આવેલ છે. પરંતુ ટ્રાફિકના સતત રહેતા ભારણને પગલે વાહન ચાલકોને ભારે મુસીબતનો સામનો કરવો પડી રહ્યો છે. જેમાં ઇકો સહિતના ખાનગી વાહન ચાલકો પેસેન્જરો ભરવા માટે માધાપર ચોકડીની આસપાસના રાજમાર્ગો પર પડયા પાથર્યા રહેતા હોય તે વાહન ચાલકોને ભારે અડચણરૂપ બની રહ્યા છે. આ અંગેની ફરિયાદો કલેકટર તંત્ર સુધી પહોંચી છે. આ બાબતે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે માધાપર ચોકડી ખાતે ખાનગી વાહનો સહિતના દબાણો સતત ખડકાયેલા રહે છે. તેને હટાવવામાં આવશે. આ બાબતે પોલીસ કમિશ્નર સહિત અધિકારીઓને પગલા લેવા માટે તેઓ જણાવશે.
રાજકોટ જિલ્લામાં થેલેસેમીયા સામે જનજાગૃતિ અભિયાન ચલાવાશે: કલેકટર
સરકારી કચેરીઓમાં Knows Your Blood Groupના પોસ્ટર લગાવાશે : લગ્ન પહેલા નવયુગલોએ લોહીની તપાસણી કરાવવી જરૂરી
રાજકોટ તા.2 : દેશભરમાં થેલેસેમીયાના દર્દીઓની સંખ્યામાં ચિંતાજનક રીતે વધારો થઈ રહ્યો છે. આ સંજોગોમાં રાજકોટ શહેર-જિલ્લામાં થેલેસેમીયા સામે ખાસ જનજાગૃતિ ઝુંબેશ ચલાવાશે તેમ જિલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવી ઉમેર્યું હતુ કે આ ઝુંબેશ અંતર્ગત તમામ સરકારી કચેરીઓમાં Knows Your Blood Group ના બોર્ડ લગાવવામાં આવશે. તેઓએ જણાવ્યુ હતુ કે લગ્ન પહેલા થેલેસેમીયા ટેસ્ટ કરાવવો જોઈએ.
આ માટે નાગરિકોમાં જનજાગૃતિ કેળવાય તે જરૂરી છે. થેલેસેમીયા સામે લાઈફ સંસ્થા દ્વારા અભિયાન છેડાયુ હોવાનો ઉલ્લેખ કરી કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યુ હતુ કે થેલેસેમીયા સામે વધુને વધુ જનજાગૃતિ આવે તે માટે વહીવટીતંત્ર ખાસ મુહીમ છેડશે. અહીં એ ઉલ્લેખનીય છે કે થેલેસેમીયા પીડીત દર્દીઓને સમયાંતરે લોહી બદલાવવુ પડે છે જેમાં હેરાનગતિ વેઠવી પડે છે ત્યારે હવે આ રોગ સામે નાગરિકોએ જાગૃત થવુ જરૂરી છે.
શનિવારે એઇમ્સ હિરાસર એરપોર્ટ ડીસ્ટ્રીકટ કોર્ટ, જનાના હોસ્પિટલ સહિતના પ્રોજેકટોની પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ કરશે સમીક્ષા
જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ તેમજ વિવિધ વિભાગોના અધિકારીઓ સાથે યોજાશે બેઠક
રાજકોટ,તા.2 : રાજકોટ જીલ્લાના પ્રભારી મંત્રી રાઘવજીભાઇ પટેલ આગામી તા.4ને શનિવારે રાજકોટની મુલાકાતે આવી રહયા છે. આ પ્રસંગે રાઘવજીભાઇ પટેલ રાજકોટના વિકાસની નવી દીશા આપતા હીરાસર એરપોર્ટ એઇમ્સ તેમજ ડીસ્ટ્રીકટ કોર્ટ, જનાના હોસ્પિટલ સહિત જીલ્લાના કરોડોના પ્રોજેકટની સમીક્ષા કરનાર છે. આ સંદર્ભે રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુ પ્રાંત અધિકારીઓ, ડેપ્યુટી કલેકટરો તેમજ વિવિધ સરકારી વિભાગોના અધિકારીઓ સાથે ખાસ બેઠક આયોજીત કરવામાં આવી છે.
આ અંગે કલેકટર અરૂણ મહેશ બાબુએ જણાવ્યું હતું કે, મંત્રી રાઘવજીભાઇ પટેલ એઇમ્સ હીરાસર સહિતના રાજકોટ જીલ્લાના કરોડોના પ્રોજેકટોની કામગીરીની સમીક્ષા કરશે. તેઓએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય હીરાસર એરપોર્ટને કામગીરી ઝડપભેર આગળ વધારવામાં આવી રહી છે. ચાલુ માસમાં આગામી તા.11 અથવા 12ના આ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર ફલાઇટ ટેસ્ટીંગ કરી દેવાશે. આ અંગે તૈયારીઓ આરંભી દેવામાં આવી રહી છે. એરપોર્ટના કામ ચલાવ ટર્મીનલ એટીસી ટાવર સહીતની કામગીરી પરીપુર્ણ કરી દેવામાં આવી રહી છે. તેમજ એરપોર્ટથી રાજકોટ અમદાવાદ હાઇ-વે સુધીના રોડ પર બ્રીજનું કામ પણ આગામી ટુંક સમયમાં જ શરૂ કરી દેવાશે.
રાજકોટ જીલ્લામાં ગૌમાતા પોષણ યોજના હેઠળ 5.28 કરોડની ચુકવણી: કલેકટર
સુઝલામ સુફલામ યોજના હેઠળ માર્ચથી તળાવ-ચેકડેમોને ઉંડા ઉતારવાની કામગીરી: અધિકારીઓની બેઠક બોલાવતા કલેકટર
રાજકોટ,તા.2 : રાજકોટ જીલ્લામાં ગૌ માતા પોષણ યોજના હેઠળ ગાયોના નિભાવ માટે 5.28 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે. તેમ જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુએ ઉમેર્યુ હતું કે, આ યોજના હેઠળ ગાયોના નિભાવ માટે પશુ દિઠ પ્રતિદિન રૂ.30નો નીભાવ ખર્ચ આપવાનો નકકી કરાયું છે. જે અંતર્ગત રાજકોટ જીલ્લામાં ગાયોના નીભાવ પ્રત્યે ગૌશાળા 5.28 કરોડની ચુકવણી કરી દેવામાં આવી છે.
કલેકટર અરૂણ મહેશ બાબુએ વિશેષમાં જણાવ્યું હતું કે, સુઝલામ સુફલામ યોજના હેઠળ આગામી માસથી તળાવ-ચેકડેમો ઉંડા ઉતારવાની કામગીરી શરૂ કરાશે. આ માટે અધિકારીઓની બેઠક બોલાવામાં આવી છે. જીલ્લામાં ગત વર્ષે તળાવો ચેકડેમો ઉંડા ઉતારવાના 300 જેટલા કામો થયા હતા. આ ઉપરાંત 20 અમૃત સરોવરો તૈયાર કરી દેવામાં આવેલ છે. અને 55 અમૃત સરોવરોના કામ હજુ શરૂ છે.
કાલે 50 દીવ્યાંગોને કલેકટરના હસ્તે લીગલ ગાર્ડીયન સર્ટીફીકેટ એનાયત કરાશે
જીલ્લામાં બાળલગ્નોને અટકાવવામાં ખાસ ઝુંબેશ ચલાવાશે: ગત વર્ષે 3 ગુના નોંધાયા હતા
રાજકોટ,તા.2 : રાજકોટ જીલ્લા કલેકટર કચેરી ખાતે આવતી કાલે તા.3ના શુક્રવારના 50 જેટલા દીવ્યાંગોને લીગલ ગાર્ડીયન સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. જીલ્લા કલેકટર અરૂણ મહેશ બાબુના હસ્તે આ દીવ્યાંગોને લીગલ ગાર્ડીયન સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. કલેકટર અરૂણ મહેશ બાબુએ આ અંગે જણાવ્યું હતું કે, દીવ્યાંગજનોને સરકારી લાભાલાભ મેળવવામાં કોઇ મુશ્કેલી ન પડે
તે માટે વહીવટી તંત્ર કાર્યશીલ છે દીવ્યાંગજનોને સરકારી લાભો મેળવવા માટે આ લીગલ ગાર્ડીયન સર્ટીફીકેટ ઉપયોગી થશે. આવતીકાલે 50 જેટલા દીવ્યાંગોને આ સર્ટીફીકેટ એનાયત કરવામાં આવશે. તેઓએ વિશેષમાં એમ પણ જણાવ્યું હતું કે, રાજકોટ શહેર જીલ્લામાં બાળલગ્નો અટકાવવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. ગત વર્ષે બાળલગ્નો અંગેના 3 જેટલા ગુના રાજકોટ જીલ્લામાં દાખલ થયા હતા. આ અંગે લોકોમાં એવરનેસ આવે તે જરૂરી છે.