(વિપુલ હિરાણી) ભાવનગર તા.3 : ‘ગુરુપદે ડૂબે થાક રે આમાર મન, ગુરુપદ નાં ડુબીલે જનોમ જાબે અકારન...’ તારીખ પહેલી ફેબ્રુઆરીની સંધ્યાએ ચિત્રકૂટધામ તલગાજરડાના પરિસરમાં વિખ્યાત બાઉલ ગાયક મધુસુદન બાઉલ ના બુલંદ સ્વરે ગુરુને યાદ કરી બાઉલ ઉત્સવનો પ્રારંભ થયો હતો. જાણીતા કવિ શ્રી સતીશચન્દ્ર વ્યાસના નેતૃત્વમાં ગુજરાતમાં બાઉલ યાત્રા ચાલી રહી છે.
પશ્ચિમ બંગાળના વિશ્વ વિખ્યાત બાઉલ ગાયક શ્રી મધુસુદન અને તેમના શિષ્ય હાજરા ગુજરાતના વિવિધ પ્રાંતમાં બાઉલ સંગીત પ્રસ્તુત કરી રહ્યા છે. 1 ફેબ્રુઆરીને દિવસે પૂજ્ય મોરારિબાપુની સંનિધિમાં એમનો કાર્યક્રમ ચિત્રકૂટધામમાં યોજાયો હતો. અનેક શ્રોતાઓની ઉપસ્થિતિમાં તેમણે બાઉલ પરંપરાના કેટલાયે ભજનો અને પદો રજુ કર્યાં હતા.
જેમાં ગુરુ વંદના, જીવની આધ્યાત્મિક દૃષ્ટિએ વિવિધ સ્થિતિ, પ્રેમ, પરમાત્મા સાથેનું જીવનું મિલન જેવા અનેક વિષયોના બાઉલ ગીતો અને બાઉલ પરંપરાના નૃત્ય પ્રસ્તુત કર્યાં હતા. ‘આજનો ઉત્સવ સ્વનું દર્શન અને સતનો સંગ કરાવનારો છે. બંગાળના ખુબ ઉંડા અને દુરના વિસ્તારમાંથી આવેલ બાઉલ ગાયકો આપણને આપણી અંદર પણ ખુબ ઊંડે લઇ ગયા છે.’ કાર્યક્રમના અંતમાં પૂજ્ય મોરારિબાપુએ આ શબ્દો દ્વારા પોતાની પ્રસન્નતા વ્યક્ત કરી હતી.