નવીદિલ્હી, તા.3 : દિલ્હીના દારૂ કૌભાંડમાં પહેલીવાર મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલનું નામ સામે આવ્યું છે. ઈડીએ દિલ્હીના મુખ્યમંત્રી ઉપર દારૂ કૌભાંડના આરોપીઓ સાથે મીલીભગત કર્યાનો આક્ષેપ લગાવ્યો છે. આ મામલે ઈડીએ ચાર્જશીટ દાખલ કર્યું છે જેમાં મુખ્યમંત્રી કેજરીવાલ, નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયાની સાથે સાથે બન્નેના નજીકના એવા વિજય નાયર પણ આરોપી છે. જો કે મુખ્યમંત્રી કેજરીવાલે આરોપ લગાવ્યો છે કે એજન્સી રજૂ કરાયેલા ચાર્જશીટમાં તેમના ઉપર જે આરોપો લગાવ્યા છે તે બધા જ નકલી છે અને તેનો હેતુ સરકારને તોડી પાડવાનો છે.
ઈડીએ દાવો કર્યો છે કે કેજરીવાલ અને તેની સરકારના અન્ય લોકો વિરુદ્ધ ચાર્જશીટ સિસોદીયાના સચિવ સી.અરવિંદના રેકોર્ડ કરાયેલા નિવેદનના આધારે દાખલ કરવામાં આવ્યું છે. પીએમએલએ કોર્ટે ચાર્જશીટ પર ધ્યાન કેન્દ્રીત કર્યું છે અને તમામ આરોપીઓ વિરુદ્ધ આરોપ ઘડવાની પરવાનગી આપી છે. ચાર્જશીટ વિજય નાયર, ઈન્ડોસ્પિરિટસના પ્રમુખ સમીર મહેન્દુ સહિત અન્ય આરોપીઓ અને અન્ય કંપનીઓ વિરુદ્ધ દાખલ કરવામાં આવ્યું છે. ઈડીએ ચાર્જશીટમાં દાવો કર્યો છે કે દિલ્હીની નવી આબકારી નીતિથી લાભાન્વીત દારૂ કાર્ટેલથી 100 કરોડ રૂપિયાની કથિત લાંચ અંગે ખુલાસો થયો છે.
આ લાંચના પૈસાનો ઉપયોગ આમ આદમી પાર્ટીના નેતાઓ દ્વારા કરવામાં આવ્યો હતો. આ દારૂ કૌભાંડના સૂત્રધાર દિલ્હી સરકારમાં મંત્રી હતા. એજન્સીએ જણાવ્યું કે અમુક એક્ટિવિટીથી મદદથી રોકડના એક હિસ્સા અંગે ખુલાસો થયો છે. ઈડીએ કહ્યું કે દારૂ કૌભાંડથી મળેલા 100 કરોડ રૂપિયાનો ઉપયોગ આમ આદમી પાર્ટીએ ગોવા ચૂંટણીમાં કર્યો હતો. આ દાવો ઈડીએ આ મામલે પોતાના બીજા ચાર્જશીટમાં દાવો કર્યો છે જેમાં દિલ્હીના નાયબ મુખ્યમંત્રી મનિષ સીસોદીયા આરોપી છે. અહેવાલ પ્રમાણે ઈડીએ સ્પેશ્યલ કોર્ટમાં આરોપીઓ અને
તેના સહયોગીઓ દ્વારા મોટાપાયે પૂરાવાને નષ્ટ કરવાનો આરોપ પણ લગાવ્યો છે. ઈડી દ્વારા કહેવાયું છે કે સીસોદીયાએ એકાદ ડઝનવાર પોતાનો ફોન બદલ્યો અને બીજા નામથી સીમકાર્ડ લઈને તેનો ઉપયોગ કર્યો હતો. ઈડીએ કહ્યું કે પોતે લીધેલા નિવેદનમાં અધિકારી અરવિંદે કહ્યું કે તેને તેના બોસ સીસોદીયા દ્વારા કેજરીવાલના આવાસ પર બોલાવવામાં આવ્યો હતો જ્યાં એક બેઠકમાં તેને આબકારી નીતિ પર મંત્રીઓના રિપોર્ટનો એક ડ્રાફ્ટ સોંપવામાં આવ્યો હતો. તેમણે જણાવ્યું કે આ બેઠકમાં દિલ્હીના સ્વાસ્થ્ય મંત્રી સત્યેન્દ્ર જૈન પણ હાજર હતા. જૈન અત્યારે મની લોન્ડ્રરિંગ કેસ અંતર્ગત જેલમાં છે.