નવી દિલ્હી તા.2 : દેશનાં એક સમયનાં ટોચના ગ્રુપ અદાણી ઔદ્યોગીક ગૃહ પર સર્જાયેલા સંકટમાં આજે સતત બીજા દિવસે વિપક્ષોએ હંગામો સર્જયો હતો અને અદાણી ગ્રુપના હિડનબર્ગ રિપોર્ટથી લઈને બેંકોએ કરેલા ધિરાણ અને સરકારી સંસ્થાઓના નાણાંના મુદે સંયુક્ત સંસદીય તપાસની માંગણી સાથે વિપક્ષોએ સંસદના બંને ગૃહોનું કામકાજ ખોરવી નાંખ્યુ હતું
અને જણાવ્યું હતું કે અદાણી ગ્રુપના જે રીતે શેરબજારમાં કડાકા બોલી રહ્યા છે તે સ્થિતિ વચ્ચે લોકોના નાણાં ડુબી રહ્યા છે અને સરકારે તેથી તેમાં દરમ્યાનગીરી કરવી જોઈએ અને સુપ્રીમકોર્ટના મોનેટરીંગ હેઠળ તપાસ નિયુક્ત થવી જોઈએ. વિપક્ષોએ આજે સતત બીજા દિવસે રાજયસભા અને લોકસભામાં આ માંગણીના મુદે સરકારને ભીસમાં મુકવા પ્રયત્ન કર્યો હતો
અને અદાણી ગ્રુપની વિશ્વસનીયતા પર પ્રશ્ન ઉઠાવ્યા હતા. આમ આદમી પાર્ટીના સાંસદ સંજયસિંઘે વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ટાર્ગેટ બનાવવા પ્રયત્ન કર્યા હતા અને જણાવ્યું કે સરકાર આ ગ્રુપને વિજળી, પાણી, એરપોર્ટ બધુ સોંપી દીધું છે અને તેમાં હવે બેંકો તથા સરકારી સંસ્થાઓના નાણાં ડુબી રહ્યાં છે. જો કે સરકાર તરફથી કોઈ પ્રતિભાવ અપાયો ન હતો અને ધમાલ બાદ બંને ગૃહો મુલત્વી રહ્યા હતા.