રાજકોટથી ધંધા માટે આફ્રિકા ગયેલા યુવાનનું અપહરણ : ક્રાઇમ બ્રાન્ચે આફ્રિકા પોલીસ સાથે મળી હેમખેમ છોડાવ્યો

03 February 2023 04:44 PM
Rajkot Crime
  • રાજકોટથી ધંધા માટે આફ્રિકા ગયેલા યુવાનનું અપહરણ : ક્રાઇમ બ્રાન્ચે આફ્રિકા પોલીસ સાથે મળી હેમખેમ છોડાવ્યો

દસેક દિવસ પહેલા સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન જેવો આફ્રિકા ઉતર્યો કે તરત જ અપહરણ કરી લઇ 30 લાખની ખંડણી મંગાઇ હતી : પીડિતના પિતાએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધતા તાત્કાલીક એકશનમાં આવી જઇ દોરડા ધણધણાવ્યા : આફ્રિકા પોલીસે અપહરણકારોને રંગે હાથ પકડી લઇ યુવાનને બચાવ્યો

રાજકોટ, તા. 3
રાજકોટ સહિત સમગ્ર ગુજરાતના લોકોમાં વિદેશમાં જઇ નોકરી કે વેપાર કરવાનો ટ્રેન્ડ છેલ્લા ઘણા સમયથી વધી રહ્યો છે. સાથે સાથે વિદેશમાં ગયા બાદ ઘણીવાર ફસાવવાની નોબત પણ આવતી હોય છે. ત્યારે આવો જ એક ચોંકાવનારો કિસ્સો રાજકોટના યુવાન સાથે આફ્રિકામાં બન્યો હોવાનું પ્રકાશમાં આવ્યું છે. રાજકોટના વાવડી વિસ્તારમાં મટુકી રેસ્ટોરન્ટ સામે સત્યમ હિલ્સ એપાર્ટમેન્ટમાં રહેતો યુવાન આજથી અંદાજે દસેક દિવસ પહેલા બિઝનેસ માટે આફ્રિકા ગયો હતો.

જોકે તે જેવો આફ્રિકા ઉતર્યો કે તુરંત જ તેનું અપહરણ કરી લેવામાં આવતા દોડધામ મચી જવા પામી હતી. આ પછી પીડિતના પરિવારજનોએ રાજકોટ ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધતા પોલીસે તાત્કાલીક એકશનમાં આવી જઇ આફ્રિકા પોલીસનો સંપર્ક કરીને યુવાનને હેમખેમ છોડાવવા તજવીજ શરૂ કરી દેતા પોલીસની સમયસૂચકતાના કારણે યુવાનનો આબાદ બચાવ થયો છે.

ઉપરોકત વિસ્તારમાં રહેતા કેયુર પ્રફુલભાઇ મલ્લી કે જે દસ દિવસ પહેલા આફ્રિકા વ્યવસાયના કામ અર્થે ગયો હતો. પુત્ર પહોંચ્યા બાદ તેનો ફોન નહીં આવતા પિતા ચિંતિત બન્યા હતા અને તેનો સંપર્ક સાધવા પ્રયાસ કર્યો હતો પરંતુ કોઇ જવાબ નહીં મળતા ચિંતા વધુ ઘેરી બની હતી. આ પછી અચાનક આફ્રિકાથી કોઇ અજાણ્યા વ્યકિતનો પ્રફુલભાઇ મલ્લી ઉપર ફોન આવ્યો હતો અને તેણે પ્રફુલભાઇને કહ્યું હતું કે પુત્ર હેમખેમ પરત જોઇતો હોય તો દોઢ કરોડ રૂપિયાની ખંડણી આપવી પડશે.

આ પછી પ્રફુલભાઇએ તાત્કાલીક ક્રાઇમ બ્રાન્ચનો સંપર્ક સાધતા ક્રાઇમ બ્રાન્ચે આફ્રિકા પોલીસ સાથે સંકલન સાધ્યું હતું. કિડનેપર્સને રંગેહાથ પકડવા પોલીસે કિમીયો અજમાવી દોઢ કરોડના બદલે 30 લાખ રૂપિયાની ખંડણી ચુકવવા તૈયારી દર્શાવતા કિડનેપર્સ માની ગયો હતો. આ પછી આફ્રિકા પોલીસે લોકેશનના આધારે કિડનેપર્સનું પગેરૂ દબાવ્યું હતું. જોકે તે પહેલા કિડનેપર્સને 30 લાખ રૂપિયા રોકડા ચૂકવી દેવાયા હતા.

જેનો તે સ્વીકાર કર્યો કે તુરંત જ પોલીસે ત્રાટકીને તેને રંગેહાથ દબોચી લીધો હતો. આમ ક્રાઇમ બ્રાન્ચની સતર્કતાને કારણે વિદેશમાં અપહરણ થયેલા યુવાનનો જીવ બચી ગયો છે અને તે હેમખેમ દેશ પરત ફરતા પોલીસની સાથે પરિવારજનોએ પણ રાહતનો શ્ર્વાસ લીધો છે.


Related News

Advertisement
Advertisement
Advertisement