એશિયા કપ રમવા ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ફેંસલો

04 February 2023 09:29 AM
India Sports World
  • એશિયા કપ રમવા ટીમ ઈન્ડિયા પાકિસ્તાન જશે કે નહીં ? આજે ફેંસલો

BCCI સચિવ જય શાહ ઈમરજન્સી બેઠકમાં ભાગ લેવા બહેરીન પહોંચ્યા: સપ્ટેમ્બરમાં યોજાશે એશિયા કપ: પાકિસ્તાનનો પ્રવાસ નહીં જ ખેડવા બીસીસીઆઈ અડગ

નવીદિલ્હી, તા.4
ભારતીય ક્રિકેટ બોર્ડ (બીસીસીઆઈ)ના સચિવ જય શાહ એશિયન ક્રિકેટ પરિષદ (એસીસી)ની ઈમરજન્સી બેઠકમાં ભાગ લેવા માટે બહેરીન પહોંચી ચૂક્યા છે. આ બેઠક પાકિસ્તાન ક્રિકેટ બોર્ડ (પીસીબી) ચેરમેન નઝમ સેઠીના અનુરોધ પર બોલાવવામાં આવી છે જેમાં પાકિસ્તાનની એશિયા કપની મેજબાની અંગે નિર્ણય લેવામાં આવશે.

બીસીસીઆઈના સૂત્રોનું માનવામાં આવે તો ટીમ ઈન્ડિયા સપ્ટેમ્બરમાં પાકિસ્તાનની અંદર એશિયા કપ રમવા જવા માટે બિલકુલ તૈયાર નથી એટલા માટે કાં તો પાકિસ્તાન પાસેથી એશિયા કપની મેજબાની છીનવાઈ શકે છે કાં તો આ ટૂર્નામેન્ટને ન્યુટ્રલ મતલબ કે તટસ્થ ઉપર રમાડવામાં આવી શકે છે.

જો પાકિસ્તાનમાં ટૂર્નામેન્ટ ન રમાય તો તે સંયુક્ત અરબ અમીરાત (યુએઈ)માં રમાડી પાકિસ્તાનની યજમાની યથાવત રહે તેવી શક્યતા છે. જો આમ ન બને તો પછી શ્રીલંકા બીજો વિકલ્પ બની શકે છે. બીસીસીઆઈ પોતાનો પક્ષ બદલવા બિલકુલ તૈયાર નથી એટલા માટે ટીમ ઈન્ડિયાનો પાકિસ્તાન જવાનો પ્રશ્ન જ ઉપસ્થિત નથી થતો કેમ કે સરકાર તરફથી મંજૂરી મળેલી નથી.

તાજેતરમાં જ પેશાવરમાં બોમ્બ ધડાકાને કારણે પાકિસ્તાનમાં ક્રિકેટ ટૂર્નામેન્ટ રમાડવા અંગે પ્રશ્ર્નાર્થ મુકાઈ ગયો છે. પાછલા વર્ષે ડિસેમ્બરેમાં એસીસી ચેરમેન શાહે એશિયન ટીમોની ટૂર્નામેન્ટનો કાર્યક્રમ જાહેર કર્યો હતો જેમાં એશિયા કપના સ્થળનો ઉલ્લેખ કર્યો નથી. આ પછી સેઠીએ શાહ ઉપર એકતરફી નિર્ણય લેવાનો આરોપ લગાવ્યો હતો.

બીસીસીઆઈએ પહેલાંથી જ સ્પષ્ટ કહી દીધું હતું કે ટીમ ઈન્ડિયાએ એશિયા કપમાં કોઈ પણ સંજોગોમાં પાકિસ્તાનનો પ્રવાસ કરશે નહીં. બીજી બાજુ પાકિસ્તાની ક્રિકેટ બોર્ડ પોતાને ત્યાં ટૂર્નામેન્ટ રમાડવા માટે મથી રહ્યું છે. આવામાં કોઈ તટસ્થ સ્થળે એશિયા કપ યોજાઈ શકે છે. પાછલા વર્ષે પણ એશિયા કપની યજમાની શ્રીલંકા પાસે હતી પરંતુ ત્યાંની સ્થિતિને કારણે ટૂર્નામેન્ટને યુએઈમાં ખસેડવામાં આવી હતી. આવામાં એવી સંભાવના છે કે એશિયા કપનું આયોજન પાકિસ્તાનની જગ્યાએ યુએઈમાં થઈ શકે છે.


Related News

Advertisement
Advertisement
Advertisement