અમદાવાદ, તા.4
ભારતમાં આ વર્ષે ટેસ્ટ ક્રિકેટની શરૂઆત 9 ફેબ્રુઆરીથી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી થકી થશે. ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે ચાર ટેસ્ટ મેચની શ્રેણીની પહેલી ટેસ્ટ 9 ફેબ્રુઆરીથી નાગપુરમાં રમાશે. શ્રેણીની બીજી ટેસ્ટ મેચ 17 ફેબ્રુઆરીએ પૂના તો 1 માર્ચથી ધર્મશાલા અને 9 માર્ચથી અમદાવાદમાં રમાશે. અહેવાલો પ્રમાણે ભારત-ઑસ્ટ્રેલિયા વચ્ચે રમાનારી ચોથી ટેસ્ટ મેચમાં ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને ઑસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થની અલ્બનીસ સાક્ષી બની શકે છે.
અહેવાલો પ્રમાણે આ બન્ને અમદાવાદમાં ટેસ્ટ મેચ દરમિયાન ઉપલબ્ધ રહી શકે છે. જો મોદી અમદાવાદમાં મેચ જોવા માટે આવે છે તો આ સ્ટેડિયમ પર તેમની પહેલી મેચ હશે.
ટીમ ઈન્ડિયા 2016-17થી બોર્ડર-ગાવસ્કર ટ્રોફી જીતતી આવી છે. ભારતે સળંગ ત્રણ શ્રેણીમાં જીત મેળવી છે. આ ટેસ્ટ શ્રેણીની દરેક સીઝન રોમાંચક અને વિવાદાસ્પદ પણ રહી છષ. ઑસ્ટ્રેલિયા અત્યારે આઈસીસી ટેસ્ટ રેન્કીંગમાં નંબર વન છે. આવામાં ઑસ્ટ્રેલિયા ટીમ જ્યારે નાગપુરમાં પહેલી ટેસ્ટમાં ભારત વિરુદ્ધ રમવા ઉતરશે ત્યારે તેનો ઈરાદો બદલો લેવાનો હશે.
બીજી બાજુ ભારતે પણ તાજેતરમાં જ બાંગ્લાદેશમાં રમાયેલી ટેસ્ટ શ્રેણીમાં જીત મેળવી છે પરંતુ ઑસ્ટ્રેલિયા વિરુદ્ધ ભારત પોતાના અમુક મહત્ત્વપૂર્ણ ખેલાડીઓ વગર ઉતરવાનું છે. મીડલ ઑર્ડર બેટર શ્રેયસ અય્યર ઈજાને કારણે પહેલી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે તો બુમરાહ પણ હજુ સુધી ફિટ ન હોવાથી પ્રથમ બે ટેસ્ટમાં રમશે નહીં. ઋષભ પંત પણ કાર અકસ્માત બાદ હોસ્પિટલમાં દાખલ હોવાથી આવનારા મહિનાઓ દરમિયાન તે ક્રિકેટથી દૂર રહેશે.