જુનાગઢ, તા. 4 : આગામી તા.15 ફેબ્રુઆરીથી ગિરનારની ગોદમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થઇ રહ્યો છે. જેમાં લાખોની સંખ્યામાં ભાવિકો ઉમટી પડે છે. હૈયુ હૈયુ દળાય તેટલી માનવ મેદનીમાં અવસ્થા ન સર્જાય તે માટે ભવનાથ વિસ્તારમાં થયેલા દબાણો દર વર્ષેની માફક આ વર્ષે પણ દુર કરવાની કાર્યવાહી જુનાગઢ મનપા, રેવન્યુ અને પોલીસ વિભાગ દ્વારા હાથ ધરવામાં આવી છે.
50 દબાણો દુર કરાયા છે. જયારે 84ને નોટીસ પાઠવવામાં આપવામાં આવી છે. ગઇકાલે ભવનાથ દરવાજાથી ગિરનાર સીડી સુધીની કેબીનો, ઓટલાઓ, દુકાનના છાપરાઓ, લારી ગલ્લાઓ દુર કરાયા હતા. મનપાની ટીમે જેસીબી સાથે રાખી 50 દબાણો દુર કરી પ્રાંત અધિકારી ભૂમિબેન કેશવાલા સીટી મામલતદાર સહિતના અધિકારીઓએ ડ્રાઇવ કરી હતી. જીલ્લા પંચાયત ગેસ્ટ હાઉસ સામેના મેદાનમાં ખાણીપીણીની લારીઓ, વિવિધ રાઇડને ત્યાંથી હટાવી લેવાની કડક સૂચના આપવામાં આવી છે, ટ્રાફિકને અડચણરૂપ તમામ લારી ગલ્લા સહિતના 84થી વધુ આસામીને નોટીસ પાઠવી હતી.