નવી દિલ્હી, તા. 4
કર્મચારીઓ માટે જુની પેન્શન યોજના લાગુ કરી રહેલા રાજયોને કેન્દ્ર સરકારે ઝટકો આપ્યો છે. આ યોજના દાખલ કરતા રાજયો પર મોટો આર્થિક બોજ આવે તેમ હોવાથી તેમને કેન્દ્ર સરકાર વધારાનું ઋણ નહીં આવે.
દેશના કેટલાક બીનભાજપી રાજયો દ્વારા સરકારી કર્મચારીઓની માંગ મુજબ જુની પેન્શન યોજના દાખલ કરવાનું એલાન કર્યુ છે. જોકે આ કદમથી રાજયો પર મોટો આર્થિક બોજ પડી શકે છે. કેન્દ્ર સરકારે પણ આવા રાજયોને ઝટકો આપ્યો હોય તેમ નવા નાણાંકીય વર્ષમાં વધારાનું ઋણ નહીં આપવાનું જાહેર કર્યુ છે.
રાજસ્થાન, છત્તીસગઢ, હિમાચલપ્રદેશ, ઝારખંડ તથા પંજાબ જેવા રાજયોએ કર્મચારીઓ માટે નવીને બદલે જુની પેન્શન યોજના લાગુ કરી છે. આ તમામ બીન ભાજપ શાસિત રાજયો છે. હવે કેન્દ્ર સરકાર આ રાજયોને વધારાનું ઋણ નહીં આવે.
જુની પેન્શન યોજના અંતર્ગત કર્મચારીઓને નિવૃતિ પછી છેલ્લા પગારની અર્ધી રકમ પેન્શન સ્વરૂપે મળે છે અને તે કારણે રાજય સરકારની તિજોરી પર મોટુ દબાણ ઉભુ થાય છે કેન્દ્ર સરકારે અગાઉ જ જુની પેન્શન યોજના રદ કરીને નવી ભરતી થતા કર્મચારીઓ માટે નવી પેન્શન યોજના અમલી બનાવી હતી. તમામ રાજયો-કેન્દ્ર તથા બેંક સહિતના કર્મચારી સંગઠનો ફરી જુની પેન્શન યોજનાની માંગ કરી જ રહ્યા છે.
કેન્દ્રીય નાણાંપ્રધાનથી માંડીને વિવિધ આર્થિક એજન્સીઓએ પણ વખતોવખત જુની પેન્શન યોજના દાખલ કરવા સામે લાલબતી ધરી હતી. રાજયો પાસે આરોગ્ય, શિક્ષણ તથા માળખાગત વિકાસ માટે નાણાંકીય અછત સર્જાવાનો સુર દર્શાવ્યો હતો. નાણાંપંચના પૂર્વ ચેરમેન મોન્ટેકસિંઘ આહલુવાલિયાએ પણ જુની પેન્શન યોજના લાગુ કરવા સામે ચિંતા દર્શાવી છે.