એરિઝોના (અમેરિકા) તા.4
અમેરિકામાં અવારનવાર ભારતીયો દ્વારા ઘુસણખોરીના સમાચારો આવતા રહે છે. આ ઘુસણખોરીને લઈને એક ચોંકાવનારી હકીકત એ બહાર આવી છે કે આપરાધિક આંતરરાષ્ટ્રીય સંગઠન (કાર્ટેલ) અમેરિકાની સીમા ગેરકાયદે પાર કરાવવામાં ભારતીયો પાસેથી સરેરાશ 17 લાખ રૂપિયા વસુલે છે.
આ ખુલાસો એરિઝોનાના કોચીસ કાઉન્ટીના શેરીફ માર્ક ડેનિયલે આ સપ્તાહે હાઉસ જયુડિશિયરી કમીટીના સભ્યોને જણાવ્યું હતું કે ગેરકાયદે અમેરિકા આવવા માટે એક વિદેશી નાગરિક માટે એક કાર્ટેલ દ્વારા ઓછામાં ઓછા પાંચ લાખ રૂપિયા લેવાય છે, જયારે ભારતીયો પાસેથી 17 લાખ સુધીના રૂપિયા વસુલાય છે.
ડેનિયલે જણાવ્યું હતું, મેકસીકોની સીમા સુરક્ષિત નથી. કાર્ટેલ નામનું આપરાધિક આંતરરાષ્ટ્રીય સંગઠન અમેરિકાની સીમાના દક્ષિણમાં નિયંત્રણ કરે છે. આ કાર્ટેલાના સભ્યોએ તપાસ કરે છે કે ઘુસણખોરી કરવા માંગનાર કયા દેશમાંથી આવે છે અને તેના કામના આધારે પૈસા વસુલવામાં આવે છે.
ડેનિયલે એવો ઘટસ્ફોટ કર્યો હતો કે ત્યાં સુધી કે આ કાર્ટેલ આતંકવાદીઓને પણ ઘુસાડવામાં મદદ કરે છે. ઉલ્લેખનીય છે કે, કાર્ટેલ એક પ્રકારનું ગેરકાયદે સંગઠન છે, જે સામાન્ય રીતે ડ્રગ્સ, સેકસ વ્યાપાર જેવા ધંધાને અંજામ આપવા સીમા પર ઘુસણખોરી કરવામાં મદદ કરે છે.