◙ ત્રણ મહિનાથી સોશ્યલ મીડિયા મારફતે એકબીજાના સંપર્કમાં હતા: અહીંથી પ્લાયવૂડ ખરીદે તો 42થી 43 રૂપિયામાં પડે અને ત્યાંથી ખરીદે તો 35થી 40 રૂપિયામાં મળે તેમ હોવાથી ખરીદી કરવા માટે ગયો હતો
◙ દોઢ વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરતો કેયુર મલ્લી ધંધાના વિકાસ માટે આફ્રિકા જતાં જ થયો કડવો અનુભવ: કોઈ પણ પ્રકારની ખરાઈ કર્યા વગર સીધો ભરોસો કરી બેસવાનું થયું મોટું નુકસાન
◙ હાંફળાફાંફળા બની ગયેલા પિતાએ તાત્કાલિક રાજકોટ પોલીસ કમિશનરનો સંપર્ક કરતાં તેમણે જરા પણ વિલંબ કર્યા વગર તપાસનો ધમધમાટ કર્યો શરૂ: ડીસીપી-એસીપી ક્રાઈમે આફ્રિકા પોલીસ સાથે સતત સંપર્ક સાધી યુવાનને હેમખેમ છોડાવવા માટે ભજવી મહત્ત્વની ભૂમિકા: પિતાની ‘સાંજ સમાચાર’ સાથે વાતચીત
રાજકોટ, તા.4
વ્યવસાયમાં બે પૈસાની કમાણી વધુ થાય તે માટે વ્યવસાયિકો દુનિયાના કોઈપણ ખૂણે જવા માટે તૈયાર હોય છે પરંતુ ઘણીવાર તેમને બચત કરવાની આ લ્હાય મોંઘી પડી જતી હોવાનું પણ સામે આવ્યું છે. આવો જ એક કિસ્સો રાજકોટમાં બની જવા પામ્યો છે. સદ્નસીબે રાજકોટ-આફ્રિકા પોલીસની સતર્કતાને કારણે યુવાન હેમખેમ પરત આવી ગયો છે પરંતુ તેણે 30 લાખ જેવી મોટી રકમ ગુમાવવાનો વખત પણ આવ્યો છે. આશ્ર્ચર્યની વાત એ છે કે 60 હજાર જેટલી રકમ બચાવવાના ચક્કરમાં આ યુવાન છેક આફ્રિકા સુધી ગયો અને ત્યાં તેનું અપહરણ થઈ જતાં છૂટકારાના બદલામાં 30 લાખની ખંડણી ચૂકવવી પડી હતી જે પરત મળશે કે કેમ તેને લઈને હજુ પ્રશ્ર્નાર્થ જ છે.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે છેલ્લા દોઢ વર્ષથી રાજકોટમાં જ ઈમ્પોર્ટ-એક્સપોર્ટનો વ્યવસાય કરતાં અને 80 ફૂટ રોડ ઉપર વાવડી વિસ્તારમાં સત્યમ હિલ્સ ગોલ્ડ એપાર્ટમેન્ટમાં રહેતો કેયુર મલ્લી 20 જાન્યુઆરીએ આફ્રિકા માલની ખરીદી કરવા માટે ગયો હતો. કેયુર 19 જાન્યુઆરીએ ટ્રેન મારફતે દિલ્હી પહોંચ્યો હતો અને બીજા દિવસે મતલબ કે 20 જાન્યુઆરીએ તે પ્લેન મારફતે આફ્રિકાના જોહાનિસબર્ગ પહોંચ્યો હતો. જો કે અહીં એરપોર્ટ ઉપર ઉતર્યો કે તુરંત જ અબ્દુલ, તેની સાથે રહેલી એક યુવતી સહિતના ચાર લોકોએ તેનું અપહરણ કરી લીધું હતું. તેનું અપહરણ કર્યા બાદ કેયુરને તેના પિતાને ફોન કરી પૈસા માંગવા માટે કહેવાયું હતું.
અપહરણકર્તાઓએ કેયુરના મોબાઈલ પરથી વાત કરતાં દોઢ કરોડની ખંડણી માંગી હતી. જો કે એટલા પૈસા ચૂકવી શકવાની સ્થિતિ ન હોવાથી ધીમે-ધીમે રકમ ઓછી કરતા ગયા અને વાત છેલ્લે 30 લાખ સુધી આવીને અટકી ગઈ હતી. 20 તારીખે અપહરણ થયેલા કેયુર પાસેથી 23 તારીખ સુધી દરક કલાકે અપહરણકારોએ ખંડણીની માંગણી કરાવ્યે રાખી હતી.
આ પછી કેયુરના પિતા પ્રફુલ્લભાઈ મલ્લીએ તાત્કાલિક રાજકોટના પોલીસ કમિશનર રાજુ ભાર્ગવનો સંપર્ક કરતાં તેમણે ક્ષણભરનો વિલંબ કર્યા વગર આ મામલાની તપાસ ડીસીપી ક્રાઈમ ડૉ.પાર્થરાજસિંહ ગોહિલ અને એસીપી ક્રાઈમ વિશાલ રબારીને સોંપી હતી. ત્યારબાદ બન્ને અધિકારીઓ દ્વારા આફ્રિકા પોલીસ સાથે સતત સંકલનમાં રહીને કેયુરને છોડાવવા માટે તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા. આ અંગે કેયુરે જણાવ્યું કે જેવું મારું અપહરણ થયું કે મને એક અવાવરું જગ્યાએ લઈ જવાયો હતો અને ત્યાં મારી પાસે રહેલું લેપટોપ, મોબાઈલ ફોન, સોનાની વીંટી અને 1000 ડોલર લઈ લેવાયા હતા અને એવું કહ્યું હતું કે જો અમારા કબજામાંથી છૂટવું હોય તો પૈસા ચૂકવવા પડશે.
કેયુરે ઉમેર્યું કે અપહરણકારોએ 20 જાન્યુઆરીથી રાતથી લઈને 23 જાન્યુઆરી સુધી મને બાંધી રાખ્યો હતો અને 23મીએ 30 લાખ રૂપિયા મળી જતાં મને છોડી દીધો હતો. જો કે પોલીસે અપહરણકારોને ખંડણીની રકમ સાથે પકડી પાડ્યા હોવાથી અમને પૈસા પરત મળવાની થોડી આશા છે. મારો છૂટકારો થયો એટલે એક સપ્તાહ સુધી હું આફ્રિકા પોલીસ સાથે રહ્યો હતો અને કેસ પૂર્ણ થતાંની સાથે જ મને રાજકોટ મોકલવામાં આવ્યો હતો.
કેયુરે કહ્યું કે હું આફ્રિકાથી કાસ્ટીંગ સ્ક્રેપ સસ્તા ભાવે મળી શકે તે માટે ગયો હતો. મારા અંદાજ મુજબ ત્યાં 35થી 40 રૂપિયા પ્રતિ કિલોના ભાવથી મને સ્ક્રેપ મટિરિયલ મળી શકે તેમ હતું માટે હું તે જોવા માટે ગયો હતો. જો અહીંયાથી આ મટિરીયલ ખરીદું તો મને 42થી 43 રૂપિયા પ્રતિકિલો મળી શકે તેમ હતું એટલા માટે જો હું એક ક્ધટેનર મંગાવું તો 50થી 60 હજાર રૂપિયાનો નફો થાય તેમ હતો માટે હું ત્યાં અબ્દુલ નામની વ્યક્તિ સાથે ત્રણ મહિનાથી સંપર્કમાં હતો અને તેના દ્વારા મને સોશ્યલ મીડિયા મારફતે સ્ક્રેપ મટિરિયલના વીડિયો અને તસવીરો સતત મોકલવામાં આવી રહી હતી પરંતુ મેં ખરાઈ કર્યા વગર જ આ લોકોનો ભરોસો કરી લીધો હતો અને સીધો આફ્રિકા ચાલ્યો ગયો હતો.
રાજકોટમાંથી કયા આંગડિયા મારફતે પૈસા મોકલવા તેની જાણકારી અપહરણકારોએ જ આપી !!
કેયુરના પિતા પ્રફુલભાઈ મલ્લીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 20 જાન્યુઆરીની રાતથી જ મારા ઉપર કેયુરનું અપહરણ થઈ ગયું છે અને તેને છોડાવવા માટે દોઢ કરોડ રૂપિયા આપવા પડશે તેવા ફોન આવવાનું શરૂ થઈ ગયું હતું. ત્રણ દિવસ સુધી ચાલેલી રકઝકના અંતે 30 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થતાં અબ્દુલ નામના અપહરણકારે જ મને રાજકોટના સોની બજારમાં આવેલી એસ.જી.આંગડિયા પેઢી મારફતે 30 લાખ રૂપિયા મોકલવા માટે કહ્યું હતું જે પછી મેં આ પૈસા મોકલી દેતાં તેમને મળી પણ ગયા હતા. આમ અપહરણકારોને રાજકોટની આંગડિયા પેઢી અંગે બરાબરનો ખ્યાલ હોવાની આશંકા પણ સેવાઈ રહી છે.
મેં પરિવારજનો પાસેથી ઉધાર-ઉછીના કરીને પૈસા ચૂકવ્યા છે, પરત ક્યારે મળશે તેનો કોઈ અંદાજ નથી
પ્રફુલભાઈ મલ્લીએ જણાવ્યું કે જેવું 30 લાખ રૂપિયા ચૂકવવાનું નક્કી થયું કે મેં તાત્કાલિક પરિવારજનો પાસેથી ઉધાર-ઉછીના કરવાનું શરૂ કરી દીધું હતું અને કોઈ પાસેથી પાંચ લાખ તો કોઈ પાસેથી ત્રણ લાખ એમ પૈસા એકઠા કર્યા હતા. 30 લાખ રૂપિયાની રકમ ભેગી થઈ જતાં જ મેં તાત્કાલિક રવાના કરી દઈને પુત્રને છોડાવ્યો છે. હવે આફ્રિકા પોલીસે આરોપીઓની ધરપકડ કરી લીધી છે અને તેમની પાસેથી રોકડ પણ મળી આવી હોવાનું કહેવાઈ રહ્યું છે ત્યારે આ રોકડ રકમ કેટલી હશે અને મેં ચૂકવેલા 30 લાખ રૂપિયા મને ક્યારે પરત મળશે તેનો કોઈ જ અંદાજ નથી. જો કે આ અંગે ત્યાંની પોલીસ સાથે અહીંની પોલીસની વાતચીત ચાલું હોવાનું તેમણે જણાવ્યું હતું.
ત્રણ દિવસ સુધી કેયુરને સાંકળથી બાંધીને રાખ્યો, જમવાનું આપ્યું પણ પૈસા માટે સતત ધમકાવ્યે રાખ્યો !
કેયુરના પિતા પ્રફુલભાઈ મલ્લીએ ‘સાંજ સમાચાર’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે 20 જાન્યુઆરીની રાત્રે કેયુરનું અપહરણ કરી લેવાયા બાદ ત્રણ દિવસ સુધી તેને અવાવરું જગ્યામાં સાંકળથી બાંધીને રાખવામાં આવ્યો હતો. જો કે તેને સમયસર જમવાનું આપવામાં આવતું હતું પરંતુ ખંડણી માટેના પૈસા માટે તેને સતત ધમકવવામાં આવી રહ્યો હતો.
કેયુર દોઢ વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો, પિતા શાપરમાં આવેલી ફેક્ટરીમાં નોકરિયાત
આફ્રિકાના જોહાનિસબર્ગમાં જેનું અપહરણ થયું તે કેયુર મલ્લી દોઢ વર્ષથી ઈમ્પોર્ટ-એક્સપોર્ટના વ્યવસાય સાથે સંકળાયેલો છે. આ પહેલાં તાન્ઝાનિયામાં તેને આ વ્યવસાયમાં સફળતા મળતાં તેણે તેનો વ્યાપ કરવા માટે વિચાર્યું હતું અને પછી આફ્રિકામાં ઘોડા દોડાવ્યા હતા. કેયુરના લગ્ન 2017માં થયા હતા અને તે પિતાનો એકનો એક પુત્ર છે. જ્યારે કેયુરના પિતા પ્રફુલભાઈ મલ્લી શાપર-વેરાવળ ઈન્ડસ્ટ્રીયલ વિસ્તારમાં આવેલી એક ફેક્ટરીમાં નોકરી કરી રહ્યા છે.