બુકી રાકેશ રાજદેવ- ટોળકીએ ક્રિકેટ સટ્ટાના 1400 કરોડ બારોબાર વિદેશ મોકલી દીધા: લુકઆઉટ નોટીસની તૈયારી

04 February 2023 03:59 PM
Rajkot Crime Saurashtra
  • બુકી રાકેશ રાજદેવ- ટોળકીએ ક્રિકેટ સટ્ટાના 1400 કરોડ બારોબાર વિદેશ મોકલી દીધા: લુકઆઉટ નોટીસની તૈયારી

► સાગ્રીતના નામે બોગસ ખાતા ખોલાવીને જંગી નાણાંકીય હેરફેર: ગુનો દાખલ

રાજકોટ, તા.4 : રાજકોટ સહિત સમગ્ર ગુજરાત જ નહીં બલ્કે આખા ભારત તેમજ વિદેશમાં ક્રિકેટના સટ્ટાના તાર જેની સાથે જોડાયેલા છે તે બુકી રાકેશ રાજદેવને લઈને છાશવારે કોઈને કોઈ કૌભાંડ કે ફરિયાદો પ્રકાશમાં આવતી જ રહી છે. આ જ સિલસિલામાં અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચમાં રાકેશ રાજદેવ આણી ટોળકીએ ત્રણ જ મહિનાની અંદર ક્રિકેટ સટ્ટાના 1400 કરોડ રૂપિયાની માતબર રકમની હેરફેર કર્યાની ફરિયાદ નોંધાતાં જ તપાસનો ધમધમાટ શરૂ થઈ ગયો છે. આ અંગે ફરિયાદ પરથી વધુમાં જાણવા મળતી વિગતો પ્રમાણે રાકેશ પ્રતાપભાઈ રાજદેવ (રહે.રાજકોટ, હાલ દુબઈ), રાકેશ રાજદેવનો માણસ ખન્ના, આશિક ઉર્ફે રવિ હસમુખભાઈ પટેલ (રહે.ગેલેક્સી રેસિડેન્સી, પરાગ સ્કૂલ પાસે, નરોડા, અમદાવાદ), કર્મેશ કિરીટભાઈ પટેલ (મકાન નં.34, વૈશાલીનગર સોસાયટી, સૈજપુર બોઘા, નરોડા-અમદાવાદ), હરિકેશ પ્રણવકુમાર પટેલ (રહે.શાહિબાગ-અમદાવાદ) દ્વારા એકબીજાની મદદગારીથી આકાશ ઓઝા નામના વ્યક્તિની જાણ બહાર તેના નામનું બોગસ એકાઉન્ટ ખોલાવી એકાઉન્ટ ઓપનિંગ ફોર્મમાં આકાશ ઓઝાના નામની ખોટી સહીઓ કરી તેના મારફતે કરોડો રૂપિયાની હેરફેર કરી નાખી હતી.

► રાકેશ રાજદેવના સાગ્રીત ખન્ના, આશિક ઉર્ફે રવિ પટેલ, કર્મેશ પટેલ અને હરિકેશ પટેલે આકાશ ઓઝાની જાણ બહાર બેન્ક એકાઉન્ટ ખોલાવી તેમાં અબજો રૂપિયાની લેવડ-દેવડ કરી નાખ્યાની ક્રાઈમ બ્રાન્ચમાં ફરિયાદ

પોલીસ તપાસમાં એવું ખુલ્યું છે કે આકાશ ઓઝાના નામનું અમદાવાદની ઈન્ડસઈન્ડ બેન્ક-ઓઢવ બ્રાન્ચમાં એકાઉન્ટ નંબર 259537244276 ખોલાવવામાં આવ્યું હતું તેનો ઉપયોગ હરિકેશ પ્રણવકુમાર પટેલે કરી આ એકાઉન્ટમાં તા.5-4-2022થી તા.16-7-2022 સુધી કુલ 170,70,43, 359.85 રૂપિયાની લેતી-દેતી કરવામાં આવી હતી. પોલીસ ફરિયાદમાં વધુમાં જણાવ્યા પ્રમાણે ઉપરોક્ત ગુનાના આરોપી મેહુલ પુજારાએ ક્રિકેટ સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃત્તિ ચલાવતી વૂલ્ફ777 ડૉટ કોમ નામની વેબસાઈટના આઈડી-પાસવર્ડ મેળવવા માટે ટેલિગ્રામ ગ્રુપ લીન્ક http://t.me/wolf777_official નામની ચેનલ ઉપર ઓનલાઈન જઈ વોટસએપ નંબર 44741111411, 447377773777 મેળવી ઓનલાઈન આઈડી મેળવવા માટે તેના ઉપર વોટસએપ મેસેજથી સંપર્ક કરતાં સામેથી ટેલિગ્રામ લીન્કના એડમીન દ્વારા ત્રણ બેન્ક એકાઉન્ટ નોવા એન્ટરપ્રાઈજ નામની પીએનબીમાં આવેલું બેન્ક ખાતું, શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ નામથી એચડીએફસી બેન્ક ખાતું, સુખસાગર હોલિડેઝ નામથી આઈડીએફસી બેન્કમાં આવેલા ખાતાની વિગતો આપવામાં આવી હતી જેથી મેહુલ પુજારાએ તેના મીત્ર નયન હસમુખલાલ ઠક્કર કે જે ગાંધીનગરમાં રહે છે

તેની સાથે વાત કરી તેના નામના એચડીએફસી બેન્ક, રાધનપુર શાખામાં આવેલ બેન્ક ખાતામાંથી ત્રણેક માસ પહેલા સુખસાગર હોલિડેઝ નામના બેન્ક ખાતામાં કુલ 70 હજારની રોકડ રકમ ટ્રાન્સફર આપી ઑનલાઈન આઈડી વૂલ્ફ777 ડૉટ કોમ નામની સટ્ટાની ઓનલાઈન બુકના આઈડી તેમજ પાસવર્ડ મેળવ્યા હતા. ઉપરોક્ત ત્રણ એકાઉન્ટ નોવા એન્ટરપ્રાઈઝ, શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ, સુખસાગર હોલીડેઝના બેન્ક ખાતાની વિગતો જોતાં આ ત્રણ બેન્ક ખાતાઓમાંથી એલેક્સ મલ્ટ્રીટ્રેડિંગ, વિનાયક ઈલેક્ટ્રોનિક, સાગર એન્ટરપ્રાઈઝીસ, એમ.એ.ટ્રેડર્સ, આર્યન એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ, રજત એન્ટરપ્રાઈઝીસ, અક્ષત મલ્ટીટ્રેડિંગ, સાઈજી એન્ટરપ્રાઈઝીસ મુજબના બેન્ક ખાતાઓમાં મોટી રકમ ટ્રાન્ઝેક્શન થઈ હોવાનું ખુલ્યું છે. ઉપરોક્ત નોવા એન્ટરપ્રાઈઝ નામના બેન્ક ખાતાધારક દ્વારા અલગ-અલગ બેન્ક ખાતાઓમાં રૂા.34,97,77,482.37 રૂપિયા ટૂંકા ગાળામાં જમા કરવામાં આવ્યા હોવાનું ખુલ્યું છે. આ ઉપરાંક્ત શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ નામના ખાતાધારક દ્વારા મે.વિનાયક ઈલેક્ટ્રોનિક્સ, નોવા એન્ટરપ્રાઈઝ, એમ.એ.ટ્રેડર્સ, આર્યન એન્ટરપ્રાઈઝ, અમિત ટ્રેડર્સ અને સાગર એન્ટરપ્રાઈઝીસના નામે આવેલા અલગ-અલગ બેન્ક ખાતાઓમાં કરોડો રૂપિયા જમા કરાવવામાં આવ્યા છે.

► આઈપીએલ-2022ના 3 મહિના દરમ્યાન નાણાંકીય હેરાફેરી થયાનો ખુલાસો: રાજકોટના અન્ય બુકીઓના નામો ખુલવાની આશંકા: તપાસનો રેલો અમદાવાદથી રાજકોટ સુધી લંબાવવાની શકયતા

દરમિયાન જુગારધારા હેઠળની વિવિધ કલમો હેઠળ જેના સામે ગુનો નોંધાયેલો છે તે નયન ઠક્કર નામના આરોપીનું બેન્ક સ્ટેટમેન્ટ, સુખસાગર હોલીડેઝના નામનું બેન્ક સ્ટેટમેન્ટ, નોવા એન્ટરપ્રાઈઝના નામનું બેન્ક સ્ટેટમેન્ટ, અક્ષત મલ્ટીટ્રેડિંગના નામનું બેન્ક સ્ટેટમેન્ટ, આકાશ રમેશભાઈ ઓઝાના નામના બેન્ક સ્ટેટમેન્ટની ખરાઈ કરવામાં આવતાં ક્રિકેટ સટ્ટાની ગેરકાયદેસર પ્રવૃત્તિ કરતાં આરોપી મેહુલ પુજારાના કહેવાથી નયન ઠક્કરે પોતાના બેન્ક એર્કાીંટમાંથી સુખસાગર હોલિડેઝના એકાઉન્ટમાં કુલ રૂા.70,000 ટ્રાન્સફર કરેલ તેમજ સુખસાગર હોલીડેઝના એકાઉન્ટમાંથી નોવા એન્ટરપ્રાઈઝના એકાઉન્ટમાં રોકડ ટ્રાન્સફર થયેલ તેમજ નોવા એન્ટરપ્રાઈઝના બેન્ક એકાઉન્ટમાંથી અક્ષત મલ્ટીટ્રેડિંગ નામના બેન્ક ખાતામાં રોકડ ટ્રાન્સફર થઈ હતી. આ ઉપરાંત અક્ષત મલ્ટીટ્રેડિંગ નામના બેન્ક ખાતામાંથી આકાશ ઓઝાના ઈન્ડસઈન ખાતામાં તા.11-7-2022ના રોજ રૂા.63 લાખ જમા થયા હતા. એકંદરે સુખસાગર હોલીડેઝ, શ્રી શક્તિ એન્ટરપ્રાઈઝ, નોવા એન્ટરપ્રાઈઝીસ, એમ.એ.ટ્રેડર્સ, અક્ષત મલ્ટીટ્રેડર્સ, સાગર એન્ટરપ્રાઈઝીસ, અમિત ટ્રેડર્સ, એલેક્સ મલ્ટ્રીટ્રેડિંગ, મે.વિનાયક ઈલેક્ટ્રોક્સિ, આકાશ રમેશભાઈ ઓઝા, આર્યન એન્ટરપ્રાઈઝીસ મુજબના બેન્ક ખાતાઓની ચકાસણી કરતાં કુલ ક્રેડિટ અમાઉન્ટ રૂા.748,93,63,091.43 અને ડેબીટ અમાઉન્ટ રૂા.665,47,53,468.80 મળી કુલ રૂા.1414,41,16,560.23ની લેવડ-દેવડ થઈ હોવાનું બહાર આવ્યું છે.

જેના નામે એકાઉન્ટ ખુલ્યું તે આકાશ ઓઝા કેવી રીતે ઝપટે ચડી ગયો ?
પોલીસ તપાસમાં એવો પણ ખુલાસો થયો છે કે જેના નામે એકાઉન્ટ ખોલાવીને તેના મારફતે રૂપિયાની લેતીદેતી કરવામાં આવે તે આકાશ ઓઝાદી આશરે એકાદ વર્ષ પહેલાં રાકેશ રાજદેવની ટોળકીમાં સામેલ આશિક ઉર્ફે રવિ હસમુખભાઈ પટેલ તેમજ કર્મેશ કિરીટભાઈ પટેલની અમદાવાદમાં ઓળખાણ થઈ હતી. આશિક પટેલ અને કર્મેશ પટેલ દ્વારા તેમની બેન્કમાં સારી ઓળખાણ હોવાનું કહી લોન અપાવી દેવાના બહાને આકાશ પાસેથી દસ્તાવેજો મેળવી લેવાયા હતા અને એ દસ્તાવેજના આધારે એકાઉન્ટ ખોલી તેમાં આકાશની સહીઓ પણ કરી લેવામાં આવી હતી. આ એકાઉન્ટનો ઉપયોગ હરીકેશ પટેલ રાકેશ પ્રતાપભાઈ રાજદેવ અને તેનો માણસ ખન્નાજીની સુચના પ્રમાણે કરતો હતો.

રાજકોટ સહિત અન્ય શહેરોમાં રહેતા અનેક લોકોના નામે બોગસ એકાઉન્ટ ખુલી ગયાની આશંકા
પોલીસને એવી આશંકા પણ છે કે અમદાવાદ જ નહીં બલ્કે રાજકોટ સહિત અન્ય શહેરોમાં રહેતી અન્ય કેટલીય વ્યક્તિઓના નામે બોગસ એકાઉન્ટ તેમજ બોગસ કંપનીઓ ખોલાવી સટ્ટાના કારોબારના ગેરકાયદેસર નાણાકીય વ્યવહારો થઈ રહ્યા છે જેથી રાકેશ રાજદેવ તેમજ ખન્ના અને તેના માણસો આશિક ઉર્ફે રવિ હસમુખભાઈ પટેલ, કર્મેશ કિરીટભાઈ પટેલે ભેગા મળી એકબીજાની મદદગારીથી વ્યવસ્થિત કાવતરું રચીને આ કૌભાંડ આચરી રહ્યા હતા. અત્યારે આ તમામ સામે વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી આગળની તજવીજ હાથ ધરવામાં આવી છે.


Related News

Advertisement
Advertisement
Advertisement