ધો.10-12ના લાખો વિદ્યાર્થીઓની માર્કસશીટ હવે ડિઝીટલ સ્વરૂપે મળશે

04 February 2023 04:07 PM
Ahmedabad Education Gujarat
  • ધો.10-12ના લાખો વિદ્યાર્થીઓની માર્કસશીટ હવે ડિઝીટલ સ્વરૂપે મળશે

► ગુજરાત શિક્ષણ બોર્ડનું વર્ષ 2023-24ના 186.82 કરોડના અંદાજપત્રને બહાલી

► ગાંધીનગર ખાતે શિક્ષણ બોર્ડની મળેલી સામાન્ય સભામાં માર્કશીટને ડીજી લોકરમાં મુકવાની દરખાસ્તને મંજુરી: 26 વર્ષ બાદ કોમ્પ્યુટર ફીમાં આંશિક રૂા.150નો વધારો કરવા મંજુરી: ગાંધીનગરમાં શિક્ષણ બોર્ડની મળી સામાન્ય સભા

રાજકોટ તા.4 : રાજયના ધો.10 અને 12ના લાખો વિદ્યાર્થીઓને હવે તેમની માર્કશીટ ડિઝીટલ સ્વરૂપે મળશે. ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડની આજે ગાંધીનગર ખાતે મળેલી સામાન્ય સભામાં બોર્ડના વિદ્યાર્થીઓની માર્કશીટને ડીજી લોકરમાં મુકવા અંગેની દરખાસ્તને બહાલી આપી દેવામાં આવી હતી. અહી એ ઉલ્લેખનીય છે કે આ ડીજી લોકરને વિદ્યાર્થીઓને આધારકાર્ડ સાથે જોડવામાં આવશે. ધો.10 અને 12ના વિદ્યાર્થીઓની માર્કશીટ ડીજી લોકરમાં સચવાશે અને ગમે ત્યારે વિદ્યાર્થીઓ તેઓની માર્કશીટ જરૂર પડે મેળવી શકશે.

શિક્ષણ બોર્ડ દ્વારા વિદ્યાર્થીઓની માર્કશીટને ડીજી લોકરમાં સમાવેશ કરવા અંગેની કામગીરી આરંભી દેવામાં આવી છે જેમાં છેલ્લા ચાર વર્ષના વિદ્યાર્થીઓની માર્કશીટનો આ લોકરમાં સમાવેશ કરી દેવામાં આવેલ છે. આગામી વર્ષથી આ લોકર કાર્યરત થઈ જશે. સામાન્ય સભામાં બોર્ડનું ગત વર્ષનું સુધારેલું અંદાજ બજેટ રૂા.1474993000-00 તેમજ વર્ષ 2023-24નું રૂપિયા 1868252000-00નાં અંદાજપત્રને સર્વાનુમતે બહાલી આપી દેવામાં આવી હતી. આ તકે વિદ્યાર્થીઓને આચારસંહિતા જે રીતે શાળાઓમાં શિસ્ત જાળવવી, નિયમીત શાળા પર આવવું, ગૃહ કાર્ય કરવું જે અંગેનો બોર્ડ મેમ્બર ધીરેન વ્યાસનો પ્રસ્તાવ મંજૂર કરવામાં આવેલ હતો. તેમજ ડો.પ્રિયવદન કોરાટ દ્વારા શિક્ષણ એ પવિત્ર વ્યવસાય હોય

શિક્ષકોને તેને અનુરૂપ પહેરવેશ પહેરવા અંગેનો પ્રસ્તાવ રજૂ કરાતા આ મુદ્દે ચર્ચા વિચારણા કરવામાં આવી હતી. પરંતુ આ બાબતે કોઈ નિર્ણય લઈ શકાયો ન હતો. આ ઉપરાંત કોમ્પ્યુટરની ફીમાં છેલ્લા 26 વર્ષથી કોઈપણ જાતનો વધારો કરવામાં આવેલ ન હોય આ ફીમાં રૂા.400નો વધારો કરવા અંગેની માંગ ઉઠાવવામાં આવી હતી પરંતુ માત્ર રૂા.150નો વધારો કારોબારી સમીતી દ્વારા મંજૂર રાખવામાં આવેલ હતો. તેમજ નવી શાળા મંજૂરી માટે ભાડા કરાર સબ રજીસ્ટ્રારના બદલે નોટરીનું માન્ય રાખવું જોઈએ જે અંગેનો પ્રસ્તાવ કારોબારી સમીતીએ નહીં સ્વીકારતા આ પ્રસ્તાવ ના મંજૂર કરવામાં આવેલ હતો.


Related News

Advertisement
Advertisement
Advertisement