પંજાબ સામે સૌરાષ્ટ્રની 71 રને શાનદાર જીત: હવે 8મીથી કર્ણાટક સામે સેમીફાઈનલ ટકકર

04 February 2023 04:17 PM
Rajkot Saurashtra Sports
  • પંજાબ સામે સૌરાષ્ટ્રની 71 રને શાનદાર જીત: હવે 8મીથી કર્ણાટક સામે સેમીફાઈનલ ટકકર

ઓલરાઉન્ડ દેખાવ કરનાર પાર્થ ભૂત મેન ઓફ ધ મેચ: બીજા દાવમાં પણ પાંચ વિકેટ ખેડવી

રાજકોટ તા.4 : રણજી ટ્રોફીના કવાર્ટર ફાઈનલ મેચમાં સૌરાષ્ટ્રની ટીમે પંજાબને 71 રને પરાસ્ત કરવા સાથે સેમીફાઈનલમાં પ્રવેશ કરી લીધો હતો. હવે આગામી 8મીએ બેંગ્લોર ખાતે કર્ણાટક સામે સેમીફાઈનલમાં ટકરાશે. રાજકોટના એસસીએ મેદાન પર રમાયેલો કવાર્ટર ફાઈનલ જંગ અત્યંત રોમાંચક બની રહ્યો હતો. આજે અંતિમ દિવસે પંજાબને જીત માટે 200 રન જયારે સૌરાષ્ટ્રને વિજય માટે 8 વિકેટની જરૂર હતી. સૌરાષ્ટ્રના બોલરોની વેધક બોલીંગ સામે પંજાબના બેટધરો ઝીક ઝીલી શકયા ન હતા અને બીજો દાવ 180 રનમાં સમેટાઈ ગયો હતો.

પંજાબ વતી કોઈ બેટર ક્રીઝ પર લાંબો વખત ટકી શકયા ન હતા. પુખરાજ માને 42 તથા કપ્તાન મનદીપસિંઘે 45 રન બનાવીને થોડી ઝીક ઝીલી હતી પરંતુ અન્ય ખેલાડીઓ વારાફરતી તંબુ ભેગા થતા આખી ટીમ 180 રનમાં તંબુ ભેગી થઈ ગઈ હતી અને સૌરાષ્ટ્રનો 71 રનથી શાનદાર વિજય થયો હતો. સૌરાષ્ટ્ર વતી ધર્મેન્દ્ર જાડેજા, પાર્થ ભૂત તથા યુવરાજસિંહ જાડેજા એમ ત્રણેય બોલરો ઝળકયા હતા.

સૌરાષ્ટ્રની જીતમાં મુખ્ય યોગદાન આપનાર પાર્થ ભૂતે સૌથી વધુ પાંચ વિકેટ ખેડવી હતી જયારે ધર્મેન્દ્રસિંહ જાડેજા તથા યુવરાજસિંહ ડોડીયાએ બે વિકેટ ઝડપી હતી. સમગ્ર મેચમાં ઓલરાઉન્ડ દેખાવ કરનાર પાર્થ ભૂતને મેન ઓફ ધ મેચ જાહેર કરવામાં આવ્યો હતો. પાર્થ ભૂતે પ્રથમ દાવમાં સૌરાષ્ટ્રનો રકાસ આપ્યો હતો અને 9માં ક્રમે ઉતરીને અણનમ સદી ફટકારી હતી. બીજા દાવમાં પણ 51 રન ઝુડયા હતા. આ જ રીતે પ્રથમ દાવમાં 3 તથા બીજા દાવમાં 5 સાથે કુલ 8 વિકેટ ખેડવી હતી.સૌરાષ્ટ્રનો સેમીફાઈનલ જંગ હવે 8મી ફેબ્રુઆરીથી કર્ણાટક સામે શરૂ થશે.


Related News

Advertisement
Advertisement
Advertisement