સેન્ટિયાગો (ચિલી) તા.4
દક્ષિણ અમેરિકાના દેશ ચિલીના જંગલોમાં ભયંકર આગ લાગી છે. આ આગથી અત્યાર સુધીમાં 13 લોકોના મોત થયા છે અને 35 હજાર એકરમાં ફેલાયેલા જંગલ ખાખ થઈ ગયા છે. હાલત જોઈને ચિલીની સરકારે આ ઘટનાને રાષ્ટ્રીય આપત્તિ જાહેર કરી છે. જંગલોમાં લાગેલી આ ભયાનક આગના કારણે પૂરા દેશમાં ગરમ હવાઓ ચાલી રહી છે.
રાજધાની સેન્ટિયાગોથી લગભગ 500 કિલોમીટર દક્ષિણમાં સ્થિત બાયોબિયા વિસ્તારના શહેર સેંટા જુઆનામાં જ એક ફાયર ફાઈટર સહિત 11 લોકોના મોત થયા હતા. ચિલીના દક્ષિણ વિસ્તારમાં એરોકેનિયામાં રાહત અને બચાવ કાર્યમાં જોડાયેલ એક હેલિકોપ્ટર ક્રેશ થવાથી એક પાયલોટ અને એક મિકેનીકનું મોત થયું હતું.
સરકારે બાયોબિયા અને નુબલ વિસ્તારમાં આપત્તી જાહેર કરી છે. જેને લઈને વિસ્તારમાં સેના અને અન્ય સંસાધનોની તૈનાતી કરવામાં આવી છે ચીલીના લગભગ 12 વિસ્તારના જંગલોમાં આગ લાગી છે અને તેમાં અત્યાર સુધીમાં સેંકડો ઘર તબાહ થઈ ગયા છે. ચિલીની આંતરિક બાબતોના મંત્રી કેરોલિના તોહાએ જણાવ્યું હતું કે આવનારા દિવસોમાં હાલત વધુ ખરાબ થઈ શકે છે.
ચિલીના રાષ્ટ્રપતિ ગેબ્રીએલ બોરિક હાલત પર નજર રાખી રહ્યા છે. તેમણે એવી આશંકા વ્યકત કરી હતી કે અનેક જગ્યાએ જંગલમાં જાણી જોઈને આગ લગાડાઈ રહી છે. જયારે હવામાન વિભાગનું કહેવું છે કે ચિલીના આ વિસ્તારોમાં ભારે પવનથી આવનારા દિવસોમાં હાલત વધુ ખરાબ થઈ શકે છે.