રાજકોટ,તા.4 : રાજકોટ સહિત સમગ્ર સૌરાષ્ટ્ર કચ્છમાં વિજચોરી પકડવા માટે વિજતંત્ર દ્વારા દરોડાનો દોર જારી રાખવામાં આવ્યો હોય તેમ આજે સરધાર, ત્રંબા, રોણકીમાં તવાઇ ઉતારવામાં આવી હતી. વિજતંત્રના સુત્રોએ જણાવ્યું હતું કે, રાજકોટ ગ્રામ્ય હેઠળ આવતા સરધાર, ત્રંબા તથા રોણકીના 13 ગામોમાં આજે સવારથી 40 ચેકીંગ સ્કવોડ ત્રાટકી હતી.
કેટલાક સ્થળોએ ડાયરેકટ કનેકશન સહિતની ગેરરીતિ પકડાતા વિજચોરીના કેસ દાખલ કરીને દંડ ફટકારવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. વિજ ચેકીંગ દરમ્યાન કોઇ અનિચ્છનીય બનાવ ન બને તે માટે એસઆરપી, લોકલ પોલીસ સહિતના સુરક્ષા જવાનોનો બંદોબસ્ત રાખવામાં આવ્યો હતો. રાજકોટ ગ્રામ્ય ઉપરાંત જામનગર તથા સિકામાં 36 ટીમો તથા સુરેન્દ્રનગરના સાયલા, ચુડા, લીમડી તથા પાણશીણામાં 35 ટીમોને ચેકીંગમાં ઉતારવામાં આવી હતી. ત્રણેય જીલ્લાઓમાં કુલ 111 ટીમો દ્વારા દરોડા ઓપરેશન હાથ ધરવામાં આવ્યું હતું.
રેતી મશીનમાં સીધી વિજ ચોરી: 41 લાખથી વધુનું બીલ ફટકારાયું
વિજચોરી પકડવા માટે સૌરાષ્ટ્ર વ્યાપી દરોડા ઓપરેશન ચલાવવામાં આવી રહયું છે. તે દરમ્યાન મોટી વિજચોરી કરનારા પણ ઝપટે ચડતા હોય તેમ વાંકાનેર ગ્રામ્યમાં માત્ર એક જ કનેકશનમાંથી 41 લાખથી વધુની વિજચોરી પકડી પાડવામાં આવી હતી.
સુત્રોએ કહયું કે, વાંકાનેર ગ્રામ્યમાં સંજય રઘુભાઇ મેર રેતી ચારવાના મશીનમાં વીજ કનેકશન ધરાવતા હતા. તેમાં વિજચોરી થતી હોવાની બાતમી પરથી કાફલો ત્રાટકયો હતો. 11 કેવીના ખાનગી ટ્રાન્સફોર્મરથી શીધી જ વિજચોરી થતી હોવાનું માલુમ પડયું હતું. જેને પગલે 41.07 લાખનું બીલ ફટકારીને કલમ 135 હેઠળ કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. ટ્રાન્સફોર્મર, પાંચ ક્ધડકટર તથા કેબલ સહિતનો સામાન પણ જપ્ત કરવામાં આવ્યો હતો.