રાજકોટ, તા.4
ગત તા.10/03/2001ના રોજ જંકશન પ્લોટ 5/15ના ખૂણે પાનની દુકાન પાસે મિત્રો કેરમ રમી રહ્યા હતા ત્યારે નાગેશ્વરસિંહ શેખરસિંહ ચૌહાણ ઉપર જીપમાં આવેલા કેટલાક શખસોએ છરી લોખંડના પાઇપ હોકી વડે હુમલો કરતા નાગેશ્ર્વરસિંહને હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા. ત્યાંથી તેણે નોંધાવેલી ફરિયાદના આધારે પ્રદ્યુમન નગર પોલીસે અશોક ગઢવી, હિતેશ ગઢવી, પ્રકાશ ગઢવી અને મનોજ રામજીભાઈ પટેલ સામે ગુનો નોંધ્યો હતો અને ધરપકડ બાદ ચાર્જશીટ કોર્ટમાં ફાઈલ કર્યો હતું. ત્યારબાદ આ કેસ ચાલવા ઉપર આવતા ફરિયાદ પક્ષ દ્વારા સાહેદો, પંચો અને તપાસનીશ પોલીસ અધિકારીને તપાસવામાં આવ્યા હતા. જ્યારે આરોપીના વકીલે તમામ સાક્ષીઓની ઉલટતપાસ કરી હતી. તેમાં બચાવ પક્ષના વકીલ દ્વારા અનેક મુદ્દાઓ ઉપર અદાલતનું ધ્યાન દોરવામાં આવ્યું હતું. તેમાં કોઈપણ આરોપી બનાવો સ્થળે હાજર ન હોવાની ભારપુર્વક રજૂઆતો કરવામાં આવી હતી. જે ધ્યાને લઈને ચીફ જયુડિ. મેજિસ્ટ્રેટ એ. આર. તાપીયાવાલાએ ચારેય આરોપીઓને નિર્દોષ ઠરાવી છોડી મુક્તો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપીઓ વતી મનોજ વકીલ તરીકે પિયુષ જે. કારીયા, પ્રધ્યુમનસિંહ એમ. જાડેજા, સચીન તેરૈયા, મોહિત લિંબાસીયા, રવિ ઠુંમર તથા અનિલ ડોબરીયા, ધનરાજ ધાંધલ, નિલેશ ભગત રોકાયેલા હતા.