રાજકોટ, તા.4
વ્યાજે રૂપિયા આપી ઉઘરાણી કરી જાનથી મારીની ધમકી આપ્યાના ગુનામાં કોર્ટે 3 આરોપીને જામીન મુક્ત કર્યા છે. કેસની વિગત એવી છે કે, તા.29ના રોજ ગાંધીગ્રામ પોલીસ સ્ટેશનમાં સાવન આશીયાણીએ ફરિયાદ નોંધાવી હતી કે, દોઢેક વર્ષ પહેલા ધંધામાં રોકાણ કરવા કિશન જોગરાણા, યશ ઉર્ફે નંદો લોહાણા, ધનરાજ દીપકભાઇ રાઠોડ વગેરે પાસેથી વ્યાજે રૂપિયા લીધા હતા. લાખોનું વ્યાજ ચૂકવી દીધા છતાં આરોપીઓએ ઉઘરાણી કરેલ તેમજ જાનથી મારી નાખવાની ધમકી આપી મોટી રકમનું વ્યાજ પડાવી લેવાના આક્ષેપો સાથે ગુનો દાખલ થયેલો. પોલીસે આરોપીઓની અટકાયત કરી, રિમાન્ડ સાથે કોર્ટમાં રજૂ કરતાં આરોપીઓના વકીલ મારફતે જામીન અરજી કરવામાં આવેલ હતી. આરોપીના વકીલે દલીલો કરી હતી કે, માત્ર ફરિયાદમાં ગંભીર આરોપો મૂકી દેવાથી ગુણાને ગંભીર માની લેવામાં આવતો નથી. આક્ષેપો મુજબ ફરિયાદને સમર્થન આપે તેવા પુરાવાની ઉપસ્થિતિ હોવી જરૂરી હોય છે. હાલના કેસમાં બધા ટ્રાન્જેક્શન ચેક મારફતે થયા છે. ઘણા વર્ષોથી ફરિયાદી અને આરોપીને વ્યવહાર ચાલતો હતો. કોર્ટે તમામ બાબતોને ધ્યાને લઇ બચાવ પક્ષની દલીલો ગ્રાહ્ય રાખી આરોપીના જામીન મંજૂર કરતો હુકમ કર્યો હતો. આ કેસમાં આરોપી વતી એડવોકેટ ભાવેશ બાંભવા, હિતેષ વિરડા એડવોકેટ રોકાયેલા હતા.