પાકિસ્તાનમાં ચાલું મેચે બોમ્બ ધડાકો: બાબર આઝમ, શાહિદ આફ્રિકી સહિતના ખેલાડીઓ માંડ માંડ બચ્યા

06 February 2023 09:37 AM
India Sports World
  • પાકિસ્તાનમાં ચાલું મેચે બોમ્બ ધડાકો: બાબર આઝમ, શાહિદ આફ્રિકી સહિતના ખેલાડીઓ માંડ માંડ બચ્યા

તહરીક-એ-તાલીબાને લીધી હુમલાની જવાબદારી: ધડાકાને કારણે મેચ અટકાવી દેવાઈ: પાકિસ્તાન સુપર લીગ પહેલાં જ હુમલાને કારણે ટૂર્નામેન્ટના આયોજન ઉપર સંશય

નવીદિલ્હી, તા.6
પાકિસ્તાન સુપર લીગ (પીએસએલ)ના એક ફ્રેન્ડલી મેચ દરમિયાન સ્ટેડિયમની અંદર એક ભયાનક બોમ્બ બ્લાસ્ટ થતાં અફડાતફડી મચી જવા પામી હતી. આ ધડાકાને કારણે મેચમાં ભાગ લઈ રહેલા પાકિસ્તાનના અનેક ખેલાડીઓ માંડ માંડ બચ્યા હતા. આ મેચમાં બાબર આઝમ, સરફરાઝ અહમદ, શાહિદ આફ્રિદી અને નસીમ શાહ જેવા ખેલાડીઓ રમી રહ્યા હતા. આ મુકાબલો ક્વેટા ગ્લેડિયેટર્સ-પેશાવર જાલ્મી વચ્ચે રમાઈ રહ્યો હતો.

જો કે આ ધડાકાને કારણે કોઈ ખેલાડીને ઈજા પહોંચી નથી પરંતુ મેચ જોઈ રહેલા પાંચ દર્શકોને ઈજાઓ પહોંચી છે. આ હુમલાની જવાબદારી તહરીક-એ-તાલીબાને લીધી છે. તેણે એક નિવેદન જારી કરી કહ્યું કે ધડાકો સુરક્ષા અધિકારીઓને નિશાન બનાવીને કરવામાં આવ્યો હતો. ધડાકા બાદ મુકાબલો રોકી દેવાયો હતો.

ખેલાડીઓની સુરક્ષાને ધ્યાનમાં રાખી તમામને ડ્રેસિંગ રૂમમાં ખસેડાયા હતા. જો કે માહોલ શાંત થયા બાદ મેચ બીજીવાર શરૂ કરાઈ હતી. આ મેચ જોવા માટે હજારોની સંખ્યામાં દર્શકો આવ્યા હતા એવામાં ધડાકાથી મોટું નુકસાન થઈ શકે તેમ હતું. જો કે સદ્ભાગ્યે એવું બન્યું નથી.

ઉલ્લેખનીય છે કે, પાકિસ્તાનમાં પાછલા બે દશકાથી કોઈ પણ મોટી મલ્ટી નેશનલ ટૂર્નામેન્ટ આયોજિત થઈ રહી નથી. આ પાછળ સૌથી મોટું કારણ સુરક્ષા જ છે. જો કે ઑસ્ટ્રેલિયા, ઈંગ્લેન્ડ અને ન્યુઝીલેન્ડ જેવી મોટી ટીમો પાકિસ્તાનમાં દ્વિપક્ષીય શ્રેણી રમવા માટે આવી છે પરંતુ આમ થવાને કારણે હવે પાકિસ્તાન પાસેથી એશિયા કપની યજમાની છીનવાઈ જવાની પૂરેપરી સંભાવના છે.

માત્ર એશિયા કપ જ નહીં બલ્કે પાકિસ્તાનને આ વર્ષે આઈસીસી ચેમ્પિયન્સ ટ્રોફીની મેજબાની મળી હતી જેના ઉપર પણ હવે ખતરો મંડરાઈ રહ્યો છે કેમ કે દેશમાં અલગ-અલગ જગ્યાએ ધડાકા અટકવાનું નામ લઈ રહ્યા નથી.


Related News

Advertisement
Advertisement
Advertisement