(ફારૂક ચૌહાણ)
વઢવાણ,તા.10
અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી હિલેરી ક્લિટન અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા આજે સાંજે ટીમ સાથે રણમાં આવશે. જેમાં તેઓ મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી એક કલાક કૂડા (ધ્રાંગધ્રા)ના રણમાં ગાળશે.
આંતરરાષ્ટ્રીય કલાકાર ’ચારૂલ વિનય’ પાછલા ઘણા વર્ષોથી લોકજાગૃતિ અંગેના ગીતો દ્વારા દેશના ખૂણે ખૂણામાં ભારે લોકચાહના મેળવી છે. વેરાન રણમાં પોતાના પરિવારજનો સાથે ગાત્રો થીજાવતી ઠંડી અને ધોમધખતા તાપમાં ઉપર આભ અને નીચે ધરતી તળે કંતાનના ઝુંપડામાં કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું પકવવાનું આકરૂ કામ કરે છે.
’ચારૂલ વિનય’ની ખ્યાતનામ જોડીએ વેરાન રણમાં કંતાનના ઝુંપડામાં રહી મીઠું પકવતા અગરિયાઓના જીવનશૈલીથી પ્રભાવિત થઇને ’ઝીરો બીએચકે બંગલો’ ગીત સહિત કુલ દશ ગીતોની ’આઝાદી વીથ પીપલ’ નામની સીડી કેસેટનું લોંચીંગ ઝીંઝુવાડાના વાછડા દાદા રણમાં અગરિયાઓ વચ્ચે જ કરાયું હતુ.
ત્યારે ગુજરાતની ખાસ મુલાકાતે આવેલા અમેરિકાના પૂર્વ વિદેશ મંત્રી અમેરિકાના પૂર્વ પ્રમુખ બિલ ક્લિન્ટનના પત્ની હિલેરી ક્લિન્ટન વેરાન રણમાં "કાળી મજૂરી દ્વારા સફેદ મીઠું" પકવતા અગરિયાનો ઝીરો બીએચકે બંગલો જોવા ખુદ પોતાની ટીમ સાથે આજે સોમવારે રણમાં આવશે. જેમાં તેઓ મીઠું પકવતા અગરિયાઓ પાસે મીઠું પકવવાની આખી પ્રોસેસ સમજીને એમની સાથે સંવાદ કરી એક કલાક એમની સાથે કૂડા રણમાં ગાળશે.